વડોદરા: વડોદરાના કમાટીબાગ ખાતેના ઝૂ માં ઝૂ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ 14.21 કરોડના ખર્ચે વોક ઇન એવિયરી પક્ષી ઘરનો દિવાળી વખતે ધનતેરસે પ્રારંભ થયો છે. ગુજરાતમાં આ પ્રકારનું બીજું પક્ષીઘર છે. હાલ આ પક્ષીઘર પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બનેલું છે. પક્ષી ઘરમાં ઓસ્ટ્રેલિયન, આફ્રિકન અને ઇન્ડિયન પેરટ માટે અલગ વિભાગ રાખવામાં આવેલ છે. જ્યારે કબૂતર અને ચકલી માટે તેમજ રૂપાળા અને આકર્ષક પીંછા ધરાવતા પક્ષીઓ જેને મોર અને મરઘા કુળના કહે છે તેના માટે પણ અલગ વિભાગ છે.
જ્યારે ચિલોત્રા અને શિકારી પક્ષી માટેનો વિભાગ અલગ રાખવામાં આવેલો છે, કેમકે આ પક્ષીઓ બીજા પક્ષીઓનો શિકાર કરતા હોવાથી ઈતર પક્ષીઓ સાથે રાખવામાં નથી. આ ઉપરાંત બે મોટા વોકિંગ ડોમ બનાવેલા છે. આ ડોમ ફરતે 40 પક્ષીઓના પિંજરા પણ બનાવવામાં આવ્યા છે. વોક ઇન ડોમમાં ભારતીય પ્રજાતિ સહિતના 20 જળચર પક્ષીઓ રાખવાના છે, જેમાંથી હાલ 12 છે અને બાકીના આઠ એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ લાવવામાં આવશે. બીજા ડોમમાં દક્ષિણ અમેરિકન પ્રાંતના એમેઝોન પેરટ્સ વગેરે વિદેશી પક્ષીઓ રાખ્યા છે. આ પાયલટ પ્રોજેક્ટ શરૂ કર્યા બાદ હવે ફેસ-ટુ માં નવા પક્ષીઓ ટૂંક સમયમાં લાવવામાં આવશે.
વડોદરાના વાતાવરણને ધ્યાનમાં રાખીને દેશી વિદેશી પક્ષીઓ લાવવામાં આવ્યા છે. એવીઅરીમાં પક્ષીઓ નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત પણે ઉડતા પ્રવાસીઓને હરતા ફરતા જોવા મળે છે.
અગાઉ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ સમિતિમાં એવીયરી માટે 75 લાખના ખર્ચે વિદેશી પક્ષીઓની 240 જોડી ખરીદવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવતા પક્ષીઓ વડોદરા આવી ગયા છે. બગલા, મોર, ચકલી અને પોપટ કુળના દેખાવે ગમી જાય તેવા પક્ષીઓની 38 પ્રજાતિ પસંદ કરી છે .જેમાં એમેજોન પેરટ, બ્લેક સ્વાન, ડાયમંડ ડવ, રેનબોલોરી, લવ બર્ડ ,આફ્રિકન ગે પેરેટ, યેલોસાઈડેડ કોનુર, સલ્ફર ક્રેસ્ટેડ કોકાટુ, મેન્ડ્રીન ડક વગેરે પ્રકારના પક્ષીઓનો સમાવેશ કરવામા આવ્યો છે.