Madhya Gujarat

ખેડાના 24 ગામોમાં કચરાના નિકાલ માટે 24 ટ્રેક્ટર-ટ્રોલી ફાળવાયા

નડિયાદ: ખેડા જિલ્લા પંચાયત કચેરી દ્વારા 15 માં નાણાપંચ હેઠળ કુલ રૂપિયા 1.20 કરોડના ખર્ચે ખરીદવામાં આવેલ મીની ટ્રેક્ટર-ટ્રોલીને કેન્દ્રીય રાજ્ય સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. ગ્રામ્ય કક્ષાએ સ્વચ્છતામાં વધારો કરવાના હેતુથી ખેડા જિલ્લા પંચાયત દ્વારા 15 માં નાણાપંચ અંતર્ગત જિલ્લા કક્ષાની 10 ટકા ગ્રાન્ટમાંથી આયોજન સમિતિ દ્વારા ગ્રામ્ય કક્ષાએ ઘન કચરાના નિકાલ માટે મીની ટ્રેક્ટર ટ્રોલીના કામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેની કામગીરી પૂર્ણ થતા તારીખ 5 મી જુલાઈના રોજ આ ટ્રેકટર ટ્રોલીનો લાભ જિલ્લાના કુલ 8 તાલુકાના ૨૪ ગામોને ૨૪ ટ્રેકટરો ગામની સ્વચ્છતાના હેતુથી મંત્રી દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે સ્વચ્છતાનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, ગામ સ્વચ્છ હશે તો તાલુકો સ્વચ્છ થશે અને તાલુકો સ્વચ્છ હશે તો જિલ્લો સ્વચ્છ રહેશે. ૧૫ માં નાણાંપંચ અંતર્ગત આજે ઘન કચરાના નિકાલ માટે ૨૪ ગામોમાં રૂપિયા 1.20 કરોડના ખર્ચે ખરીદેલ મીની ટ્રેક્ટર-ટ્રોલી ગામડાઓમાં સ્વચ્છતાનું યોગ્ય કામ કરશે. ગામના લોકો પોતાનો ઘન કચરો આ ટ્રોલીમાં નાંખી પોતાના ગામને અને પોતાના પરિવારને બિમારીઓથી બચાવી શકે છે. સાથોસાથ પોતાના ગામને સ્વચ્છ ગામ બનાવી ગુજરાતમાં અને દેશમાં પોતાના ગામની સ્વચ્છતાની છબી ઉભી કરી શકે છે. જિલ્લામાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓના સામુહિક પ્રયાસો થકી જિલ્લાનો, તાલુકાનો અને ગામડાનો વિકાસ થઇ શકે છે. આ ટ્રેક્ટર-ટ્રોલી ૨૪ ગામડાઓમાં ફરીને સૂકો કચરો અને ભીનો કચરો ભેગો કરી તાલુકા કક્ષાએ લાવશે. જ્યાં આ કચરાને યોગ્ય રીતે રિસાયકલ કરી જે નાણાં આવે તે ગ્રામ પંચાયતના વિકાસના કામોમાં કેવી રીતે ઉપયોગ કરવું તે અંતર્ગત માર્ગદર્શન આપ્યું હતું.

આ કાર્યક્રમમાં કલેકટર કે.એલ.બચાણી, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ અગ્રવાલ, પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડ, નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહિડા, માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર, કપડવંજના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા, ઠાસરાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર, ખેડા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ નયનાબેન પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખો, જિલ્લાના ગ્રામ્યકક્ષાના સરપંચો, તેમજ જિલ્લા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

કયાં ગામોમાં ટ્રેક્ટર-ટ્રોલીની ફાળવણી થઈ
ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના તોરણા, આત્રોલી, અને અંતીસર, ખેડા તાલુકાના નવાગામ, નાયકા, પણસોલી, મહિજ અને વાસણા બુજર્ગ, નડિયાદ તાલુકાના ભૂમેલ, કેરીઆવી, આખડોલ, નરસંડા, પીપળાતા, વલેટવા અને ટુંડેલ, મહુધા તાલુકાના ખલાડી અને બગડુ, મહેમદાવાદ તાલુકાના કનિજ, માતર તાલુકાના માતર, સંધાણા અને અંતરોલી, વસો તાલુકાના મિત્રાલ અને રામોલ તથા કઠલાલ તાલુકાના ગોગજીપુરા ગામોમાં મીની ટ્રેક્ટર ટ્રોલી મળતા ઘન કચરાનો નિકાલ સરળતાથી થઇ શકશે.

Most Popular

To Top