કામરેજ, સુરત : કામરેજના મોરથાણ ગામમાં રહેતી વૃદ્ધાએ વેક્સિન લીધાના 24 કલાકમાં જ મોત નીપજતાં આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતું. કોવિડની ગાઇડલાઇન પ્રમાણે વૃદ્ધાનું નવી સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આરોગ્ય અધિકારી અને ડોક્ટરોના કહેવા પ્રમાણે વૃદ્ધા અન્ય બીમારીથી પીડાતા હતા, વેક્સિનને કારણે તેઓનું મોત થયું છે કે કેમ? તે બાબતે ચોક્કસ કહી શકાય નહીં.
પ્રાપ્ત વિગતો મુજબ, કામરેજના મોરથાણ ગામમાં રહેતા 76 વર્ષિય રમીલાબેન રણછોડભાઇ પટેલે મંગળવારે સવારના સમયે વેક્સિન મુકાવી હતી. વેક્સિન લીધા બાદ તેઓ ઘરે ગયા હતા અને અચાનક જ તેમની તબિયત ખરાબ થઇ હતી. રમીલાબેનને વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, રમીલાબેનને વધુ સારવાર મળે તે પહેલા જ તેમનું મોત થયું હતું. આ બાબતે બારડોલીના ડોક્ટરોને જાણ કરવામાં આવી હતી. પરંતુ કોવિડની ગાઇડલાઇન પ્રમાણે રમીલાબેનનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવા માટે નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતાં. સાંજના સમયે તેમનું ફોરેન્સિક પીએમ થયું હતું. રમીલાબેનને સંતાનમાં એક પુત્રી છે, રમીલાબેનના જમાઇ જ તેમનું ધ્યાન રાખતા હતા.
——બોક્સ——
રમીલાબેન અનેક બીમારીથી પીડાતા હતા : હસમુખ ચૌધરી
સુરત જિલ્લા આરોગ્ય અધિકારી હસમુખ ચૌધરીએ માહિતી આપતા કહ્યું હતું કે, રમીલાબેનનું વેક્સિનના કારણે મોત થયું હોવાનું ચોક્કસ કહી શકાય નહી. રમીલાબેનને થાઇરોઇડ, કિડની અને ડાયાબિટિસની બીમારી હતી અને ઘણાં લાંબા સમયથી તેઓની દવાઓ પણ ચાલતી હતી. ફોરેન્સિક પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ જ ચોક્કસ માહિતી બહાર આવશે.