સુરત: ચેમ્બરની મેનેજિંગ કમિટી(chamber managing committee) ની ચૂંટણીમાં 52 ઉમેદવારોનાં ફોર્મ રદ થવાના પ્રકરણમાં ચેમ્બરની આર્બિટ્રે્શન કમિટી(arbitration committee)ની સમાંતર સુનાવણી વચ્ચે ગુરુવારે ચેમ્બરની ચૂંટણી કમિટીએ 52 પૈકી 23 ફોર્મ માન્ય રાખ્યાં હતાં. જે ફોર્મમાં ઉમેદવારોની નાની ભૂલો હતી અથવા તો ટેકેદારો અને દરખાસ્ત મૂકનારાઓએ ભૂલો કરી હતી એવાં 23 ફોર્મ (form) મંજૂર કરવામાં આવ્યાં છે. એટલે કે, લાઇફ મેમ્બરના 46માંથી 18 ફોર્મ મંજૂર રાખવામાં આવ્યાં છે. જ્યારે પેટ્રનનાં રદ થયેલાં 3 માંથી 2 ફોર્મ અને ચીફ પેટ્રનનાં બધાં જ ફોર્મ મંજૂર થયાં છે.
કુલ 29 ઉમેદવારનાં ફોર્મ રદ થયેલાં જાહેર કરવામાં આવ્યાં છે. આવતીકાલે ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ છે. તે જોતાં ચૂંટણી કમિટી ઉમેદવારોની અંતિમ યાદી પણ જાહેર કરી દેશે. બીજી તરફ ચેમ્બરની આર્બિટ્રેશન કમિટી સમક્ષ 34 ઉમેદવારની દલીલો પૂર્ણ થતાં ચૂંટણી કમિટીની દરકાર રાખ્યા વિના આજે ચુકાદો જાહેર કરશે તેના પર ઉમેદવારોની નજર રહેશે. જે 29 ફોર્મ રદ થયાં છે, તેમાં મોટા ભાગનાં બી.એસ.અગ્રવાલ જૂથનાં છે. ગુરુવારે સતત ત્રીજા દિવસે આર્બિટ્રેશન કમિટીએ ઉમેદવારોની રજૂઆત સાંભળી આવતીકાલે ચુકાદો આપવાની જાહેરાત કરી છે. ત્રીજા દિવસે પણ ચેમ્બરની ચૂંટણી કમિટીનો એકપણ સભ્ય સુનાવણી દરમિયાન હાજર રહ્યો ન હતો.
ચેમ્બરની ઇલેક્શન કમિટી દ્વારા ચેમ્બર પ્રમુખને લખવામાં આવેલા પત્રમાં સ્પષ્ટ જણાવાયું હતું કે, ઇલેક્શન કમિટી આર્બિટ્રેશન કમિટીને આધિન નથી. એટલું જ નહીં આર્બિટ્રેશન કમિટી જેમનું ફોર્મ રદ થયું છે, તેવા ઉમેદવાર અનિલ સરાવગીના ચેરમેન પદની અંડરમાં આવે છે. આર્બિટ્રેશન કમિટીમાં કાનજી ભાલાળા પણ છે. જેઓ પોતે ઉમેદવાર છે. જ્યારે અન્ય એક કમિટી સભ્ય રાજેન્દ્ર ચોખાવાલાએ બે ઉમેદવારનાં ફોર્મમાં ટેકેદાર તરીકે સહી કરી છે. તે જોતાં આર્બિટ્રેશન કમિટીની ન્યાયિક તટસ્થતા રહેતી નથી. ઇલેક્શન કમિટીએ ચેમ્બરના પ્રમુખને જે ફોર્મ રદ થયાં તેમાં ફેરફાર કરવાની ખાતરી આપી હોવા છતાં આર્બિટ્રેશન કમિટીએ એકતરફી ચુકાદો આપવાની નોટિસ સાથે જે ધમકી ઉચ્ચારી છે, તેની સામે ઇલેક્શન કમિટીના સભ્યોએ નારાજગી વ્યક્ત કરી છે.
ગયા વર્ષે ચૂંટણી કમિટીના નિર્ણયને પડકારનાર ચાર ઉમેદવારને આર્બિટ્રેશન કમિટીએ જ ચૂંટણી કમિટી સમક્ષ જવા આદેશ આપ્યો હતો
સૂત્રોના જણાવ્યા મુજબ ચેમ્બરની ઇલેક્શન કમિટીએ આર્બિટ્રેશન કમિટીને પત્ર વ્યવહાર માટે પણ માન્ય ગણી નથી. ઇલેક્શન કમિટીએ ચેમ્બરના પ્રમુખને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, ગયા વર્ષે ચાર ઉમેદવાર નિખિલ કાપડિયા, નીતિન ભરૂચા, સંજય ઇઝાવા અને ઓજે સાહેરવાલાએ ચૂંટણી કમિટીના નિર્ણય સામે આર્બિટ્રેશન કમિટીમાં ફરિયાદ કરી હતી. ત્યારે આર્બિટ્રેશન કમિટીએ મામલો ચૂંટણી કમિટીને લગતો હોવાથી ચૂંટણી કમિટીને નિર્ણય લેવા મોકલી આપ્યો હતો. તે જોતાં ચૂંટણીના એક જ પ્રકારના મામલામાં આર્બિટ્રેશન કમિટી બેવડો માપદંડ કઇ રીતે રાખી શકે તેવો પ્રશ્ન પણ ઊભો કરવામાં આવ્યો છે.