SURAT

સુરતના વરાછા વિસ્તારની હોસ્પિટલમાં એક દિવસમાં 23 બાળકોનો જન્મ થયો

સુરત: (Surat) સુરતના વરાછા (Varacha) વિસ્તારમાં આવેલી એક હોસ્પિટલમાં 24 કલાક એટલે કે એક દિવસમાં 23 બાળકોનો જન્મ થયો છે. આ એક નવો રેકોર્ડ હોવાનો હોસ્પિટલના સંચાલકો દ્વારા દાવો કરાયો છે. આ 23 બાળકોમાં 12 દિકરી અને 11 દીકરાનો સમાવેશ થાય છે. તમામ બાળકોની તબિયત તંદુરસ્ત હોવાનું જાણવા મળ્યું છે.

સુરતના વરાછા વિસ્તારમાં સુરત ડાયમંડ એસોસિએશનની (Surat Diamond Association) આરોગ્ય સમિતિ દ્વારા વર્ષોથી “માતૃશ્રી રામુબા તેજાણી અને માતૃશ્રી શાંતાબા વિડીયા હોસ્પિટલ” એટલે કે ડાયમંડ હોસ્પિટલ (Diamond Hospital) ચલાવવામાં આવી રહ્યું છે. અહીં તા. 29 જૂનના રોજ એક જ દિવસમાં ટોટલ 23 ડીલીવરી થતા હોસ્પિટલનું વાતવરણ બાળકોના ખીલખિલાટ થી ગુંજી ઉઠ્યું હતું . 23 બાળકોમાં 12 દીકરી અને 11 દીકરાનો સમાવેશ થાય છે અને તમામ બાળકો તંદુરસ્ત છે. ડાયમંડ હોસ્પિટલના 8 વર્ષના ઈતિહાસ માં 23 ડીલીવરી સાથે સુરતમાં એક નવો રેકોર્ડ સ્થાપિત થયો છે. હોસ્પિટલના ટ્રસ્ટી મંડળના સભ્યોએ કહ્યું કે હોસ્પિટલના તબીબોએ સતત 24 કલાક કામ કરીને બાળકોની ડિલીવરી સારી રીતે પાર પાડી છે. જે બદલ હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડૉ.રિધ્ધિ વાઘાણી , ડૉ. કલ્પના પટેલ, ડૉ.ભાવેશ પરમાર અનેસ્થેટીક ડૉ.અલ્કા ભૂત, ડૉ.આકાશ ત્રિવેદી તેમજ ગાયનેક વિભાગ ,અને ઓ.ટી. વિભાગના સ્ટાફમાં હર્ષ અને ખુશીનો માહોલ જોવા મલ્યો હતો તેમજ ટ્રસ્ટીઓ અને મેનેજમેન્ટ દ્વારા ડોકટર અને સ્ટાફના આ ઉમદા કાર્ય બદલ સૌનો અભિનંદન સાથે આભાર વ્યક્ત કર્યો હતો.

નોંધનીય છે કે સુરત ડાયમંડ એસોસિએશન સંચાલિત આ હોસ્પિટલમાં નોર્મલ ડીલીવરીનો ચાર્જ માત્ર 1800 રૂપિયા છે અને દીકરીનો જન્મ થાય તો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી તેમજ સિઝેરિયન ડીલીવરીનો નો ચાર્જ માત્ર 5000 રૂપિયા છે. તેમજ આપણી આ હોસ્પીટલમાં કોઈ પણ દંપતીને ત્યાં એક કરતા વધારે દીકરીનો જન્મ થાય તો પ્રત્યેક દીકરીને હોસ્પિટલ તરફથી એક લાખ રૂપિયાના બોન્ડ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 2000 દીકરીઓને કુલ 20 કરોડના બોન્ડ આપી દીધા છે ,ભારત સરકારશ્રીની “બેટી બચાવો-બેટી વધાવો યોજના ” ને સાર્થક કરવામાં હોસ્પિટલ દ્વારા સહભાગી બનીને સમાજને એક નવી રાહ ચીંધી છે જે બદલ હોસ્પીટલના ટ્રસ્ટીઓ તેમજ હોદ્દેદારો ગર્વની લાગણી અનુભવે છે .

Most Popular

To Top