શહેરની એક હોસ્પિટલનો લેબર રૂમ સતત 24 કલાક સુધી બિઝી રહ્યો હતો. અહીં લગભગ દર એક કલાકે એક બાળકનો જન્મ થયો હતો. 24 કલાકમાં 23 બાળકોના જન્મ થયો હતો. એકસાથે આટલા બધા બાળકોના ખિલખિલાટ સાથે હોસ્પિટલનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. બાળકોની સ્માઈલ જોઈ ડોક્ટર અને નર્સનો થાક ઉતરી ગયો હતો. બધાએ ભેગા મળી વીડિયો ઉતાર્યા હતા. કેટલીક નર્સોએ તો સેલ્ફી પણ લઈ લીધી હતી.
સુરત ડાયમંડ એસોસિએશન આરોગ્ય સમિતિ સંચાલિત માતૃશ્રી રામુબા તેજાણી તથા માતૃશ્રી શાંતાબા વિડીયા હોસ્પિટલ (ડાયમંડ હોસ્પિટલ)માં ગઈ તા. 19 સપ્ટેમ્બર 2025ના રોજ એક દિવસમાં એટલે કે 24 કલાકમાં 23 ડિલીવરી થઈ હતી. 14 દીકરી અને 9 દીકરાનો જન્મ થયો હતો.
ડાયમંડ હોસ્પીટલના સ્ત્રીરોગ વિભાગના ગાયનેકોલોજિસ્ટ ડૉ.ભાવેશ પરમાર, ડો કલ્પના પટેલ, ડો.ઝીલ ગજેરા, રેસીડન્ટ ડોકટર ડો. અર્ચિંત કંથારિયા, ડો દર્શન વિરાણી, ડો ઉત્સવ સવાણી તેમજ પિડીયાટ્રીસિયન વિભાગના ડો.અલ્પેશ સિંઘવી, ડો.દિવ્યા રંગુનવાલા અને પેડિયાટ્રેક રેસીડેન્ટ ડોક્ટર અને મેડીકલ ઓફીસર તેમજ ઓ.ટી. વિભાગના સ્ટાફમાં હર્ષ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ટ્રસ્ટીઓ અને મેનેજમેન્ટ દ્વારા ડોકટર અને સ્ટાફના આ ઉમદા કાર્ય બદલ અભિનંદન પાઠવવા સાથે આભાર વ્યક્ત કર્યો હતો.
ડાયમંડ હોસ્પિટલમાં OPD માં રોજના લગભગ 1000 દર્દીઓ લાભ લઈ રહ્યા છે અને મહીને 300-350 ડીલીવરી થાય છે. હોસ્પિટલમાં નોર્મલ ડીલીવરીનો ચાર્જ માત્ર 1800 અને દીકરીનો જન્મ થાય તો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી તેમજ સિઝેરિયન ડીલીવરીનો ચાર્જ માત્ર 5000 છે અને દીકરી જન્મે તો 3200 સિઝેરિયન ડીલીવરીનો ચાર્જ લેવામાં આવે છે.
આપણી આ હોસ્પિટલમાં કોઈ પણ દંપતીને ત્યાં એક કરતા વધારે દીકરીનો જન્મ થાય તો પ્રત્યેક દીકરીને હોસ્પિટલ તરફથી એક લાખ રૂપિયાના બોન્ડ આપવામાં આવે અત્યાર સુધીમાં 2500 દીકરીઓને ટોટલ 25 કરોડના બોન્ડ આપી દીધા છે. ભારત સરકારની યોજના “બેટી બચાવો-બેટી વધાવો ને સાર્થક કરવામાં સહભાગી બનીને સમાજને એક નવી રાહ ચીંધી છે.