SURAT

સુરતથી સૌરાષ્ટ્ર, ઉ.ગુજરાત, પંચમહાલ માટે 2200 એક્સ્ટ્રા બસો દોડાવાશે, આ રીતે કરાવી શકાશે બુકિંગ

સુરતઃ દિવાળીના તહેવાર દરમિયાન વતન સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાત જવા માટે સુરતથી 2200 એક્સ્ટ્રા બસ દોડાવવાનું આયોજન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ સુરત દ્વારા કરવામાં આવ્યું છે. તા. 26 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર દરમિયાન આ બસો દોડાવવામાં આવશે.

  • સુરત એસટી વિભાગે સુરતમાં વસતા રત્નકલાકારો, શ્રમજીવીઓ માટે ‘એસ ટી આપના દ્વારે’ યોજના શરૂ કરી
  • દિવાળીના તહેવાર દરમિયાન વતન જવા માંગતા રત્નકલાકારો માટે 2200 એક્સ્ટ્રા બસો દોડાવાશે
  • સૌરાષ્ટ્ર, ઉત્તરગુજરાત, પંચમહાલ, દાહોદ જવું સરળ બનશે
  • ગ્રુપ બુકિંગ કરનારાઓને સોસાયટીના ગેટ સુધી બસ લેવા આવશે, ગામ સુધી મુકી જશે

સુરતમાં વસતા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના રત્નકલાકારો તેમજ દાહોદ-પંચમહાલના શ્રમજીવીઓ માટે સુરત એસટી વિભાગ દ્વારા ‘એસ ટી આપના દ્વારે’ સ્કીમનું આયોજન કરાયું છે. આ યોજના હેઠળ 2200 બસો દોડાવવામાં આવનાર છે. વળી, તહેવારોના દિવસ દરમિયાન જો ગ્રુપ દ્વારા એસટી બસનું આ યોજના હેઠળ બુકિંગ કરાવમાં આવશે તો મુસાફરોને તેમની સોસાયટીના ગેટ સુધી બસ લેવા આવશે અને ત્યાંથી ગામ સુધી મુકવા જશે. આ એક્સ્ટ્રા 2200 બસો સાંજે 4થી રાત્રે 10 વાગ્યા સુધી દોડાવાશે.

સુરતમાં આજે એક્સ્ટ્રા 2200 બસોની જાહેરાત કરતા માર્ગ પરિવહન મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે મહારાષ્ટ્ર તરફના મુસાફરો માટે પણ એસટી નિગમ તરફથી નવાપુર, નંદુરબાર, ધુલિયા, શાહદા માટે એક્સ્ટ્રા બસો દોડાવાશે. તે બસો ઉધના બસ ડેપો પરથી ઉપડશે. એક્સ્ટ્રા બસોનું ગ્રુપ બુકિંગ એસટી સેન્ટ્રલ બસ સ્ટેશન સુરત ઉપરાંત અડાજણ બસ ડેપોથી કરી શકાશે.

તે ઉપરાંત એડવાન્સ બુકિંગ એસટી સેન્ટ્રલ બસ સ્ટેશન સુરત, અડાજણ બસ ડેપો, ઉધના બસ ડેપો, કામરેજ બસ સ્ટેન્ડ, કડોદરા બસ સ્ટેશન તેમજ નિગમના તમામ બસ સ્ટેશન પરથી બુકિંગ કરાવી શકાશે. એસટી દ્વારા નિમવામાં આવેલા બુકિંગ એજન્ટો, મોબાઈલ એપ્લિકેશન તેમજ નિગમની વેબસાઈટ www.gsrtc.in પરથી પણ ઓનલાઈન ટીકીટનું બુકિંગ કરાવી શકાશે.

આ પ્રસંગે મંત્રીએ વધુમાં કહ્યું કે, જો જરૂર પડશે તો વધુ બસોની વ્યવસ્થા કરવામાં આવશે, પરંતુ સુરતમાં વસતા સૌરાષ્ટ્રવાસી રત્નકલાકારો તેમજ ગોધરા, પંચમહાલના શ્રમજીવીઓને તકલીફ નહીં પડવા દઈએ.

Most Popular

To Top