Charchapatra

૨૨ ખેલાડીઓ બરોબર ક્રિકેટર સર ગારફિલ્ડ સોબર્સ

હમણાં જ પૂરી થયેલી એન્ડરસન – તેંડુલકર ટેસ્ટ શ્રેણીમાં શુભમન ગિલે ૭૦૦ કરતા વધુ રન બનાવ્યા. મોહમ્મદ સિરાજે ૨૦ કરતા વધુ વિકેટો લીધી અને હેરી બ્રુકે ૧૦ કેચ પકડ્યા. બેન સ્ટોક્સ અને ઓલી પોપની લીડરશીપ હેઠળ ઇંગ્લેન્ડે પાંચે પાંચ મૅચમાં ટોસ જીત્યો!  બંને ટીમોના ખેલાડીઓએ ધ્યાનાકર્ષક દેખાવો કર્યા. હવે કલ્પના કરો કે કોઈ એક જ ખેલાડીએ એક શ્રેણીમાં ૭૦૦ થી વધુ રન કર્યા હોય, ૨૦ થી વધુ વિકેટ ઉપાડી હોય, ૧૦ કેચ પકડ્યા હોય અને તેની કેપ્ટનશીપ હેઠળ શ્રેણીની પાંચેય ટેસ્ટમાં ટોસ જીત્યો હોય તેવું બન્યું છે ખરૂં?

હા, ૧૯૬૬માં ઇંગ્લેન્ડ સામે વેસ્ટ ઇન્ડીઝના ક્રિકેટર સર ગારફિલ્ડ સોબર્સ તે કરી બતાવ્યું છે.  ઇંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મૅચોની એ શ્રેણીમાં સોબર્સ ૭૨૨ રન બનાવ્યા હતા, ૨૦ વિકેટ લીધી હતી, ૧૦ કેચ પકડ્યા હતા અને તેમની કેપ્ટનશીપ હેઠળ શ્રેણીની પાંચેય ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડીઝે ટોસ જીત્યો હતો. છે ને અદભૂત યોગાનુયોગ. એક ખેલાડીના દેખાવની બરોબરી બે ટીમના ૨૨ ખેલાડીઓ દ્વારા ફળીભૂત થઈ.
નાનપુરા, સુરત    – સુરેન્દ્ર દલાલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ગુજરાત સરકારના નાણાં ખાતાની ઉમદા કામગીરી
રાજ્ય સરકારના નાણાં ખાતા તરફથી રાજ્ય સરકારનાં પેન્શનરોને વર્ષ 2025-26 માટે તેમની હયાતી માટેની કામગીરી સફળતાપૂર્વક પૂરી થઈ છે એવો સંદેશો તેમના પૂરા નામ તથા પીપીઓ નંબર સાથે પેન્શનરોના મોબાઈલ પર હાલ મોકલાઈ રહ્યો છે. પેન્શનર માટે આ સંદેશો ખૂબ જ અગત્યનો છે. કારણ હયાતી વખતે તેમણે કરેલ સહીમાં ભૂલ હોય તો અથવા બેંકમાંથી તેમનું હયાતીનું ફોર્મ ટ્રેઝરીમાં ન મોકલાયું હોય તો તેમનું પેન્શન અટકાવી દેવામાં આવે છે. રાજ્ય સરકારનાં નાણાં ખાતા તરફથી સૌ પ્રથમ વાર પેન્શનરને તેમની હયાતીની કામગીરી સંપૂર્ણપણે પૂરી થયાની જાણ કરવામાં આવી જે માટે ખૂબ આભાર. આશા છે સરકારનાં અન્ય ક્ષેત્રોમાં પણ આટલી ચોકસાઈ ને ચીવટાઈપૂર્વક કામગીરી થશે તો જનતાને પડતી અડચણો જરૂર ઓછી થશે.
વ્યારા    – પ્રકાશ સી. શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top