Vadodara

બેઝિક ઈન્ટરનેશનલ કંપનીમાં 2 કર્મચારીઓ મોતને ભેટ્યા

વડોદરા : નંદેસરીની કેમિકલ કંપનીમાં ગત રાત્રે બે કર્મચારી ભેદી સંજોગોમાં મોતને ભેટતા હાહાકાર મચી ગયો હતો. બંને કર્મચારી કંનપીમાં પ્લાન્ટમાં ગેસ ગળતરના પરિણામે ગુંગળાઈને મોતને ભેટ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. પદમલા, રણોલી, નંદેસરી જીઆઈડીસીની સેંકડો કંપનીઓમાં ગેરકાયદેસર ઝેરી કેમીકલના ઉત્પાદનના કારણે વારંવાર સર્જાતી દુર્ઘટનાઓ નિર્દોષ કર્મચારીઓનો ભોગ લેવાની ઘટના દિન-બ-દિન વધતી જ જાય છે.

2018થી નંદેસરીમાં કાર્યરત બેઝીક ઈન્ટરનેશનલ કંપનીમાં રાત્રે 2 વાગ્યા બાદ પ્લાન્ટમાં દુર્ઘટના સર્જાઈ હતી. સુપરવાઈઝર નિર્મલ મુખર્જી તેમના અન્ય કર્મચારીઓને લઈને પ્લાન્ટ પાસેથી પસાર થતા હતા ત્યારે ફર્શ પર બે કર્મચારીઓ બેભાન અવસ્થામાં નીચે પડેલા જણાયા હતા. તપાસ કરતા કેમિસ્ટ ભાવેશ શાહ અને ઓપરેટર અલ્પેશ પઢિયાર જણાતા જ શોરબકોર મચી ગયો હતો. સહકર્મચારીઓએ તુરંત એમ્બ્યુલન્સ મગાવીને બંને કર્મચારીઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કરતા કંપનીના કર્મચારીઓમાં સોંપો પડી ગયો હતો.

નંદેસરી પોલીસને દુર્ઘટના અંગે જાણ કરાતા કાનૂની કાર્યવાહી કરીને બંને મૃતકોના પોસ્ટમોર્ટમ કરાવ્યા હતા. કંપનીમાં બનાવ સમયે 14 થી 15 કર્મચારી નાઈટ શિફ્ટમાં ફરજ બજાવતા હતા. ટેકનીકલ નિષ્ણાત ભાવેશ શાહ અને કોન્ટ્રાક્ટ પર હેલ્પરની ફરજ બજાવતો અલ્પેશ પઢિયાર જ પ્લાન્ટમાં હતા અને દુર્ઘટના સમયે માસ્ક પણ પહેર્યો ન હતો. કંપનીમાં ગેસ ગળતરની ચર્ચાનું ખંડન કરતા સુપરવાઈઝરે જણાવ્યું કે, ગેસ ગળતર થયાનો અન્ય કર્મચારીઓને પણ અસર થવી જોઈએ. બે કર્મચારી સિવાય અન્ય કોઈને કેમ સામાન્ય અસર પણ ના થઈ? જોકે, કંપનીમાં જે પ્લાન્ટમાં દુર્ઘટના સર્જાઈ ત્યાં કેમેરા પણ ચાલુ ન હોવાથી પોલીસ પણ અવઢવમાં પડી ગઈ હતી.

કર્મચારીઓએ તો સીધો સત્તાવાળા ઉપર જ આક્ષેપ કરતા આક્રોશભર્યા સ્વરે જણાવ્યું હતું કે, કંપની સંચાલકોની બેદરકારીના પાપે જ દુર્ઘટના સર્જાતા બે નિર્દોષ મોતને ભેટ્યા હતા. આંકલાવ તાલુકાના અંબાવ ગામે રહેતો અલ્પેશ પઢિયાર તો માત્ર પચ્ચીસ વર્ષનો જ હતો. જ્યારે કંપનીના ચાલુ થઈ ત્યારથી કેમિસ્ટ ભાવેશ શાહ (નંદેસરી) નોકરી પર હતા. ટેકનીકલ નિષ્ણાત ભાવેશભાઈ પત્ની, 19 વર્ષીય પુત્રી અને 15 વર્ષના પુત્રને વિલાપ કરતો મૂકી ગયા હતા. દુર્ઘટના બાબતે નંદેસરી પોલીસે એફએસએલ અને ફેક્ટરી ઈન્સ્પેક્ટરની મદદ લઈને ઊંડી તપાસ હાથ ધરી હતી.

Most Popular

To Top