નવી દિલ્હી: અમેરિકાના (America) લેવિસ્ટનમાં (Livingston) બુધવારે તા. 25 ઓક્ટોબરની રાત્રે હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર (Firing) કર્યો હતો. આ હુમલામાં 22 લોકોના મોત અને 50થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ મળ્યા છે. હુમલાખોરોએ લેવિસ્ટનમાં રેસ્ટોરન્ટ, બોલિંગ એલી અને વોલમાર્ટ સેન્ટર સહિત અનેક સ્થળોએ ગોળીબાર કર્યો હતો. પોલીસે હુમલાખોર અને તેની કારનો ફોટો પણ જાહેર કર્યો છે.
સ્પેરટાઇમ રિક્રિએશન, સ્કેમેન્ઝી બાર એન્ડ ગ્રીલ રેસ્ટોરન્ટ અને વોલમાર્ટ વિતરણ કેન્દ્ર સહિત ત્રણ અલગ-અલગ સંસ્થાઓ પર ફાયરીંગ થયું હતું. વોશિંગ્ટનમાં એક અમેરિકન અધિકારીએ કહ્યું કે રાષ્ટ્રપતિ જો બિડેનને ફાયરિંગની આ ઘટના વિશે જાણ કરવામાં આવી છે અને તેઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
બે અધિકારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે મૃત્યુઆંક વધવાની સંભાવના છે. તેમણે કહ્યું કે સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. ટીમ સ્થળ પર તૈનાત છે અને પુરાવા એકત્ર કરવાનો પ્રયાસ કરી રહી છે.
ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેફ્ટી કમિશનર માઈકલ જે. સૈશકે જણાવ્યું હતું કે, અંદાજે સાંજે 6:56 વાગ્યે લેવિસ્ટનમાં ગોળીબારની ઘટના બની હતી. આ હુમલામાં અનેક લોકો ઘાયલ થયા હતા. હુમલાખોરની ઓળખ થઈ છે. તેનું નામ રોબર્ટ આર. કાર્ડ છે. તે યુએસ આર્મી રિઝર્વમાં ફાયર આર્મ્સ ઈન્સ્ટ્રક્ટર છે.
રોબર્ટને મેન્ટલી ડિસ્ટર્બ છે. તેને થોડા સમય અગાઉ માનસિક આરોગ્ય વિભાગમાં દાખલ કરવામાં આવ્યો હતો અને તાજેતરમાં જ તેને ત્યાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. અગાઉ એન્ડ્રોસ્કોગિન કાઉન્ટી શેરિફ ઓફિસરએ તેના ફેસબુક પેજ પર શંકાસ્પદ વ્યક્તિના બે ફોટા પ્રકાશિત કર્યા હતા, જેમાં એક બંદૂકધારી તેના ખભા પર હથિયાર લટકાવીને એક સંસ્થામાં પ્રવેશતો દેખાય છે.
પોલીસે હુમલાખોરની તસવીરો જાહેર કરી
પોલીસે હુમલાખોરનો ફોટો જાહેર કરીને લોકોની મદદ માંગી છે. ફોટામાં, લાંબી બાંયનો શર્ટ અને જીન્સ પહેરેલો એક દાઢીવાળો માણસ ગોળીબાર કરતી રાઈફલ પકડીને ગોળીબાર કરી રહ્યો છે. લેવિસ્ટનમાં સેન્ટ્રલ મેઈન મેડિકલ સેન્ટરે એક નિવેદન જારી કરીને કહ્યું કે સામૂહિક જાનહાનિ થઈ છે. ઘાયલોને વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. લેવિસ્ટન એન્ડ્રોસ્કોગિન કાઉન્ટીનો એક ભાગ છે અને મેઈનના સૌથી મોટા શહેર પોર્ટલેન્ડની ઉત્તરે લગભગ 35 માઈલ (56 કિમી) દૂર સ્થિત છે.