Gujarat

ભારે વરસાદથી ખેડૂતોને નુકસાન સંદર્ભે ફેઝ-૨માં ૫૩૧ કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર

રાજ્યમાં ભારે વરસાદથી ખેડૂતોને થયેલા પાક નુકસાની સંદર્ભે બીજા તબક્કામાં ૯ જિલ્લામાં રૂ.૫૩૧નું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. આ પેકેજ હેઠળ અંદાજીત ૭.૬૫ લાખ હેક્ટર વિસ્તારમાં ૫.૦૬ લાખ ખેડૂત ખાતેદારોને રૂ.૫૩૧ કરોડની સહાય ચૂકવવામાં આવશે. જેમાં SDRFમાંથી રૂ.૫૨૦ કરોડ અને રાજ્ય બજેટમાંથી ન્યૂનતમ સહાય ચૂકવણીના તફાવતની રૂ.૧૧ કરોડની સહાય ચૂકવાશે.

મંગળવારે સાંજે ગાંધીનગરમાં રાજ્યના કેબીનેટ પ્રવક્તા જીતુ વાઘાણીએ કહ્યું હતું કે વર્ષ-૨૦૨૧ની ખરીફ ઋતુના સપ્ટેમ્બર માસના છેલ્લા પખવાડિયામાં જે ભારે વરસાદ થયો હતો તેના કારણે ખેતરોમાં પાણી ભરાઇ જવાથી અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, જુનાગઢ, ભરૂચ, છોટાઉદેપુર, પંચમહાલ અને વડોદરા મળી કુલ ૯ જિલ્લાના ૩૭ તાલુકાના ૧૫૩૦ ગામોમાં પાક નુકસાની થયાની વિગતો જિલ્લા વહીવટીતંત્ર મારફતે રાજ્ય સરકારને મળી હતી. અંદાજીત ૭.૬૫ લાખ હેક્ટર વિસ્તારમાં પાક નુકસાનીના વળતર પેટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પાક નુકસાન અંગે કરવામાં આવેલું આંકલન તેમજ ખેડૂતો, ખેડૂત સંગઠનો, પ્રજાના પ્રતિનિધિઓની રજૂઆતો અનુસંધાને ખેડૂતોને મદદરૂપ થવા માટે કુલ રૂ.૫૩૧ કરોડનું માતબર સહાય પેકેજ રાજ્ય સરકારે જાહેર કર્યું છે.

તેમણે જણાવ્યું હતું કે આ સહાય પેકેજ હેઠળ જેના પાકને ૩૩ ટકા કે તેથી વધુ નુકસાન થયું હોય તેવા ખાતેદાર ખેડૂતોને SDRF બજેટમાંથી રૂ.૬૮૦૦, પ્રતિ હેક્ટર લેખે મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવવાની જોગવાઇ કરવામાં આવી છે. જે કિસ્સામાં જમીન ધારકતાના આધારે SDRFના ધોરણો મુજબ જો સહાયની ચૂકવવાપાત્ર રકમ રૂ.૪૦૦૦ કરતા ઓછી થતી હોય તો પણ તેવા કિસ્સામાં ખાતા દીઠ ઓછામાં ઓછા રૂ.૪૦૦૦ ચૂકવવામાં આવશે. જેમાં તફાવતની રકમ રાજ્ય બજેટમાંથી ચૂકવવામાં આવશે.

એટલે કે જો કોઇ ખાતેદારનો નુકસાનગ્રસ્ત વિસ્તાર ૦.૫ હેક્ટર હોય તો SDRFના ધોરણો અનુસાર રૂ.૬૮૦૦ પ્રતિ હેકટર મુજબ રૂ.૩૪૦૦ મહેસૂલ વિભાગના ઠરાવ મુજબ SDRF ગ્રાન્ટમાંથી મળવાપાત્ર થાય. પરંતુ આવા કિસ્સામાં ખાતેદારને ઓછામાં ઓછા રૂ.૪૦૦૦ ચુકવવાના થતાં હોઈ તફાવતની રકમ રૂ.૬૦૦ રાજ્ય બજેટમાંથી ચૂકવવામાં આવશે.

ખેડૂતોને પેકેજનો લાભ ત્વરિત અને વિના-વિલંબે મળે અને સંપૂર્ણ કાર્યવાહી ઓનલાઈન થાય તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા તા.૦૬ ડીસેમ્બર, ૨૦૨૧થી કૃષિ રાહત પેકેજ પોર્ટલ ડિજિટલ ગુજરાત માધ્યમ પર ખુલ્લુ મૂકવામાં આવશે. આ માટે તા.૦૬ ડીસેમ્બર, ૨૦૨૧થી તા.૨૪ ડીસેમ્બર, ૨૦૨૧ સુધીમાં ખેડૂતો દ્વારા સાધનિક કાગળો સહિત નજીકના ઈ-ગ્રામ સેન્ટર પર ઓનલાઈન અરજી માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

આ પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ નિયત અરજી પત્રકના નમૂનામાં ગામ નમૂના નં.૮-અ, તલાટીનો વાવેતરનો દાખલો/ગામ નમૂના નં. ૭-૧૨, આધાર નંબર, મોબાઇલ નંબર, બેંક એકાઉન્ટ નંબર, IFSC કોડ તથા નામ દર્શાવતી બેન્ક પાસબુક પાનાની નકલ, સંયુક્ત ખાતાના કિસ્સામાં સંયુકત ખાતેદારો પૈકી એક જ ખાતેદારને લાભ અપાય તે અંગેનો અન્ય ખાતેદારોની સહી વાળો “ના – વાંધા અંગેનો સંમતિ પત્ર” વગેરે સાધનિક વિગતો સાથે તાલુકા વિકાસ અધિકારીને સંબોધાયેલા નિયત નમૂનામાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. ખેડૂતોએ અરજી કરવા માટે કોઈ ફી ચૂકવણી કે ખર્ચ કરવાનો રહેશે નહીં જે માટેનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે

Most Popular

To Top