સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં તેમજ અન્ય જગ્યાએ કોરોનાની વેક્સિન લેનારા 20ને આડઅસર થઇ હતી. આ પૈકી 18 જેટલા પોલીસ કર્મચારીઓ હતાં. જ્યારે 2 મેડિસિન વિભાગના કર્મચારી હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ, સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 1500થી વધુ લોકોએ વેક્સિન લીધી છે. રવિવારે સુરતના મ્યુનિ.કમિ., પો.કમિ., કલેક્ટર ધવલ પટેલ તેમજ ડીડીઓ હિતેશ કોયા સહિતના અધિકારીઓએ પણ વેક્સિન લીધી હતી અને અન્ય લોકો પણ વેક્સિન મુકાવે તેવી અપીલ કરી હતી. અત્યાર સુધીમાં મેડિકલ, પેરામેડિકલ સ્ટાફ, નર્સ તેમજ ચોથા વર્ગના કર્મચારી અને ડોક્ટરોએ વેક્સિન લીધી હતી.
વેક્સિન લેનારા મોટાભાગના લોકોને સામાન્ય તાવ આવતો હતો અને તેઓ તેમના ઘરે જ મેડિસિન લઇને સારા થયા હતા. પરંતુ રવિવારે અને સોમવારે જે લોકોને વેક્સિન અપાઇ તેમાંથી 20 વ્યક્તિને વેક્સિનની આડ અસર થઇ હતી. જેમાંથી ટ્રાફિક અને હોમગાર્ડમાં ફરજ બજાવતી 18 જેટલી મહિલાઓ છે. જ્યારે બે નવી સિવિલ હોસ્પિટલના સ્ટાફને પણ આડ અસર થઇ હતી. 20 પૈકી બે કર્મચારીઓની તબિયત સારી થઇ હોવાથી તેઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હોવાની વિગતો સાંપડી છે.
આડ અસરમાં તમામને સતત તાવ, માથું દુખવું અને ખાંસીના લક્ષણો હતાં, ડોકટરોના મતે સામાન્ય છે
રવિવારે મોડી રાત્રે 11 વાગ્યાની આસપાસ મોટાભાગની મહિલા પોલીસ કર્મચારીઓને કોરોના વેક્સિનની આડ અસર જોવા મળી હતી. તમામને રાત્રિના સમયે જ નવી સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રવિવારે રાત્રે 13 જેટલા લોકોને દાખલ કરાયા હતા. જ્યારે સોમવારે અન્ય સાત કર્મચારીઓને દાખલ કરાયા હતા. તમામને સતત તાવ આવવો, માથુ દુ:ખવુ અને ખાંસી આવવાના લક્ષણો જોવા મળ્યા હતા. જો કે, વેક્સિન લેતા સમયે આ લક્ષણો સામાન્ય હોવાનું ડોક્ટરોએ કહ્યું હતું.
જેમને કોરોના થયો હતો તેમને વધુ આડઅસરની વાત
ડોક્ટરોના કહેવા પ્રમાણે જે લોકોને કોરોનાની વધારે અસર થઇ હતી તેવા લોકોને કોવીશિલ્ડ વેક્સિનની આડ અસર વધારે થઇ છે, જો કે, આગામી દિવસોમાં આડઅસરના દર્દીમાં વધારો થયા બાદ જ તેના ચોક્કસ કારણો બહાર આવી શકશે. મોટા ભાગના લોકોને એવું કહેવાય છે કે ઇમ્યુનિટી ઓછી થઇ ગઇ હોવાને કારણે આ લોકોમાં આડઅસર થઇ રહી છે.
પોલીસ કર્મચારીઓને આરામ નહીં મળતા આડઅસરનું અનુમાન
હાલમાં ડોક્ટરોના મોટાભાગના સ્ટાફને વેક્સિન અપાઇ ગઇ છે અને હવે પોલીસ કર્મચારીઓને વેક્સિન આપવામાં આવી છે અને તેઓને જ કોરોનાની આડ અસર થઇ રહી છે. પોલીસ કર્મચારીઓએ વેક્સિન લીધા બાદ આરામ કર્યો નહીં હોવાથી તેઓને અસર વધારે દેખાઇ રહી છે. પરંતુ તાવ આવવો અને માથુ દુ:ખવું એ વેક્સિનની અસરકારકતા સાબિત કરે છે.
આડઅસરના દર્દીઓ વધે તે માટે અલગથી વોર્ડ બનાવાશે
સુરતમાં કોરોનાની વેક્સિનથી જે લોકોને આડ અસર થાય છે તેઓને 18 થી 20 કલાક સુધી ઓબર્ઝવેશનમાં રાખવા પડે છે. તેઓને સમયસર સારવાર મળે અને અન્ય લોકો તેઓના સંપર્કમાં ન આવે તે માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અલગથી એક વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. સોમવારે રાત્રીના સમયે જ આરએમઓ ડો. કેતન નાયકએ સફાઇ કોન્ટ્રાક્ટરને જાણ કરીને બંધ વોર્ડની સફાઇ કરાવડાવી હોવાની પણ વિગતો સાંપડી છે અને મંગળવારે સવારે નવો વોર્ડ શરૂ પણ કરી દેવામાં આવશે.