Vadodara

SSGની ઓપીડીમાં 2081 દર્દીઓ નોંધાયા 146 દર્દીઓને સારવાર અર્થે દાખલ કરાયા

વડોદરા : વડોદરા શહેર અને જીલ્લામાં કોરોનાની સાથે સાથે સીઝનલ ફલૂ સહિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોએ માથું ઊંચક્યું છે.શહેરના સરકારી અને ખાનગી હોસ્પિટલો સામાન્ય તાવ , ઝાડા ઉલ્ટી સહિતના રોગોના દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે.ત્યારે સયાજી હોસ્પિટલની ઓપીડીમાં દર્દીઓનો ધસારો જોવા મળ્યો હતો. મધ્યગુજરાતની સૌથી મોટી વડોદરા શહેરની અને જરૂરિયાત મંદ લોકોની જીવાદોરી સમાન સયાજી હોસ્પિટલમાં સોમવારે ઓપીડી વિભાગમાં દર્દીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો.વડોદરા શહેરમાં દિવાળી પર્વનો માહોલ જામ્યો છે.

શહેરના બજારો ગ્રાહકોથી ઉભરાઈ રહ્યા છે.તો બીજી તરફ કોરોનાને નેવે મૂકી ફરતા લોકો જે કોરોનાનું ભાન ભુલ્યા છે.તેમને સાવચેત રહેવાની ઝાઝી જરૂર છે.કારણકે ધીમે ધીમે કોરોનાના કેસો પણ વધી રહ્યા છે.સાથે જ શહેરમાં પાણી જન્ય અને મચ્છરજન્ય રોગોએ માઝા મૂકી છે.સોમવારે સયાજી હોસ્પિટલમાં શંકાસ્પદ ડેન્ગ્યુના 121 દર્દીઓ નોંધાયા હતા.જેમાંથી 12 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.ઉપરાંત શંકાસ્પદ ચિકનગુનિયાના 52 દર્દીઓ નોંધાયા હતા.જેમાંથી 12 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.રવિવારે એસએસજીના વિવિધ વિભાગોની ઓપીડી મળીને કુલ 2081 દર્દીઓ નોંધાયા હતા.જેમાંથી 146 દર્દીઓને સારવાર માટે એડમિટ કરાયા હતા.

ડેન્ગ્યુ 22, ચિકનગુનિયા 34, ટાઈફોઈડ 1, તાવના 166 અને ઝાડાના 34 કેસ સામે આવ્યા

વડોદરા શહેરમાં ધીમે ધીમે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો માથું ઊંચકી રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી સેમ્પલિંગની કામગીરી દરમિયાન એક દિવસમાં શહેરના જુદાજુદા વિસ્તારોમાંથી ડેન્ગ્યુના નવા 22 કેસ મળી આવ્યા હતા.જ્યારે  ચિકનગુનિયાના 34 કેસ નોંધાયા હતા.શહેરમાં મચ્છરજન્ય રોગની સાથે પાણીજન્ય રોગોએ પણ માઝા મૂકી છે.ડેન્ગ્યુના કુલ પોઝિટિવ દર્દીઓનો આંક 2177 અને ચિકનગુનિયાના દર્દીઓનો કુલ આંક 1256 પર પહોંચ્યો છે. કોર્પોરેશનની વિવિધ ટીમો શહેરમાં ડોર ટુ ડોર ફરીને સર્વે કરવામાં આવી રહ્યો છે.જેમાં ઝાડાના 34 કેસ સામે આવ્યા હતા. પાણીજન્ય રોગને કારણે 166 લોકોને તાવ હોવાનું સામે આવ્યું છે. જ્યારે મચ્છરજન્ય રોગોના 379ને તાવના લક્ષણો મળતા 379 જેટલા લોકોના નમૂના લઈને તપાસ અર્થે મોકલી આપ્યા છે.

વડોદરામાં કોરોનાના નવા 6 કેસ નોંધાયા

કોરોનાં પોઝિટિવના વધુ 6 દર્દી શહેરમાં નોંધાયા હતા.જે સાથે કોરોનાં સંક્રમિત દર્દીઓનો કુલ આંક 72,145 ઉપર પહોંચ્યો છે.જ્યારે સોમવારે પાલિકા દ્વારા જારી કરેલ યાદી મુજબ કોરોનાંને કારણે એકપણ દર્દીનું મોત નહીં નોંધાતા અત્યાર સુધીમાં મરણની સંખ્યા 623 પર સ્થિર રહી હતી. વડોદરા શહેરમાં વિતેલા 24 કલાકમાં 2516 સેમ્પલ લેવામાં આવ્યા હતા.જેમાં 6 પોઝિટિવ અને 2510 નેગેટિવ આવ્યા હતા.શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કુલ 34 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.જેમાં 33 દર્દીઓની હાલત સ્થિર છે.જ્યારે 1 દર્દીની હાલત ગંભીર છે.

જેમાં ઓક્સિજન ઉપર 1 અને 0 દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે.આ ઉપરાંત કોરોનાં પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલા કુલ 35 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઈન કરાયા છે.શહેરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલ તેમજ હોમ આઈસોલેશન માંથી 2 વ્યક્તિને રજા આપવામાં આવી હતી.આ સાથે કુલ ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓની સંખ્યા 71,488 ઉપર પહોંચી હતી.જ્યારે શહેરમાં પ્રતાપનગર , શુક્લનગર ,સમા,વડસર વિસ્તાર માંથી કેસ નોંધાયા હતા.જ્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી એકપણ કોરોના પોઝિટિવનો દર્દી નોંધાયો ન હતો.સોમવારે 2 દર્દીને રજા આપવામાં આવી હતી.

Most Popular

To Top