છોટાઉદેપુર નગર સહિત ગ્રામિણ વિસ્તારમાં એમજીવીસીએલ વિજિલન્સના દરોડા
છોટાઉદેપુર:
છોટાઉદેપુર નગર તેમજ આસપાસના ગ્રામિણ વિસ્તારોમાં MGVCLની વિજિલન્સ ટીમોએ એક મહિનામાં ત્રણ વખત પોલીસ કાફલા સાથે સઘન દરોડા પાડતાં વીજચોરોમાં ફફડાટ ફેલાયો છે. તા. 4 ડિસેમ્બર, 17 ડિસેમ્બર અને 23 ડિસેમ્બરના રોજ કરાયેલા ચેકિંગ દરમિયાન કુલ 3404 વીજ મીટરો તપાસવામાં આવ્યા હતા, જેમાંથી 208 કનેક્શનમાં વીજ ચોરી ઝડપાઈ હતી. આ કેસોમાં એમજીવીસીએલ દ્વારા કુલ રૂ. 76 લાખ 43 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.
46 ટીમો દ્વારા સઘન ચેકિંગ
પ્રાપ્ત માહિતી મુજબ છોટાઉદેપુર નગરના સ્ટેશન વિસ્તાર, કસ્બા, પારસી ગલી, પથીકભુવન, વસેડી, મહુડી ફળિયા, નજરબાગ, પાંજરાપોળ, વોરા કોલોની, રાજપૂત ફળિયા, રાણી બંગલો, ઓલ્ડ પેલેસ, બજાર, શ્રીજી સોસાયટી, ક્લબ રોડ, ગુરુકૃપા સોસાયટી સહિતના વિસ્તારોમાં 46 ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ સાથે ગ્રામિણ વિસ્તારોમાં પણ સમકક્ષ કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસ કાફલા સાથે કાર્યવાહી
વહેલી સવારથી શરૂ થયેલી કાર્યવાહી દરમિયાન 105 એન્જિનિયરો, 255 કર્મચારીઓ અને 121 પોલીસ કર્મીઓ મળીને અલગ વિસ્તારોમાં તપાસ માટે ઉતર્યા હતા. સઘન ચેકિંગના પરિણામે મોટા પ્રમાણમાં વીજ ચોરી બહાર આવી અને તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.
આગળ પણ અચાનક ચેકિંગ ચાલુ રહેશે
છોટાઉદેપુરના ડેપ્યુટી એન્જિનિયર Rachana Mistriએ જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં પણ નગર તેમજ ગ્રામિણ વિસ્તારોમાં આકસ્મિક વીજ ચેકિંગ ચાલુ રહેશે અને વીજ ચોરી કરતા કનેક્શનો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
છોટાઉદેપુર નગર તથા આસપાસના વિસ્તારોમાં અગાઉ પણ એમજીવીસીએલની વિજિલન્સ ટીમોએ મોટા પાયે તપાસ કરી છે, જેમાં અનેક કનેક્શનો વીજ ચોરીમાં ઝડપાયા હતા અને ભારે દંડ ફટકારવામાં આવ્યો હતો. લોકચર્ચા મુજબ, ગ્રામિણ વિસ્તારોમાં વધુ તપાસ કરવામાં આવે તો ગેરકાયદેસર પોલ-પટ્ટી સહિતની અનેક અનિયમિતતાઓ બહાર આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નજીકના સમયમાં નગર અને ગ્રામિણ બંને વિસ્તારોમાં ફરી એકવાર ચેકિંગ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
રિપોર્ટર: સંજય સોની