Comments

2026ની વિધાનસભા ચૂંટણીઓ: 2029ની લોકસભા પર નજર

2014 પછી, જ્યારથી રાષ્ટ્રીય મંચ પર નરેન્દ્ર મોદીનું આગમન થયું ત્યારથી યોજાયેલી દરેક ચૂંટણીએ એક અલગ પરિમાણ ધારણ કર્યું છે. ભાજપ તેમના નેતૃત્વ હેઠળ ઉપલબ્ધ તમામ સંભવિત માધ્યમોનો ઉપયોગ કરીને ચૂંટણીમાં વિજય મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને શાનદાર સફળતા પણ મળી રહી છે તેમ છતાં રાષ્ટ્રીય રાજકારણની દૃષ્ટિએ દરેક ચૂંટણીનો એક અલગ અર્થ અને સૂચિતાર્થ હોય છે. દરેક ચૂંટણી અગાઉની ચૂંટણી કરતાં અલગ હોય છે. જો કે, તમામ ચૂંટણી જંગો મોટા ભાગે ‘મોદી-ફેક્ટર’ની આસપાસ વણાયેલા હોય છે, જે ભાજપ માટે જીતની એકમાત્ર ફોર્મ્યુલા છે.

જો કે, આસામ, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં યોજાઈ રહેલી વર્તમાન વિધાનસભા ચૂંટણીઓ માત્ર એક અલગ રાજકીય કેનવાસ પર જ નથી લડાઈ રહી, પરંતુ તેની સાથે 2029ની લોકસભા ચૂંટણીના સંભવિત ભવિષ્યના આયામો પણ જોડાયેલા છે. ભાજપ અને કોંગ્રેસના નેતૃત્વ હેઠળના ઇન્ડિયા ગઠબંધન બંને દૃષ્ટિકોણથી આ ચૂંટણીઓને જે રસપ્રદ બનાવે છે તે છે બંનેમાંથી કોઈ પણ છાવણીને મજબૂત અથવા નબળી બનાવવાની પ્રબળ ક્ષમતા.

આ રાઉન્ડની ચૂંટણીઓનું મહત્ત્વ એ હકીકતમાં રહેલું છે કે ચૂંટણીવાળાં પાંચમાંથી ત્રણ રાજ્યો-કેરળ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ-વિપક્ષી ગઠબંધન દ્વારા શાસિત છે, જેનું નેતૃત્વ કોઈ ને કોઈ પ્રાદેશિક પક્ષો કરી રહ્યા છે. જો કે, આસામમાં ભાજપનું શાસન છે, પરંતુ ત્યાં પૂર્વ કોંગ્રેસીઓ અને નાના પ્રાદેશિક જૂથોની મજબૂત છાપ છે. પૂર્વ કોંગ્રેસી નેતાઓનો અતિશય પ્રભાવ અને વફાદાર ભગવાધારી કાર્યકરોની ઉપેક્ષાએ ભાજપની અંદર ગંભીર ચિંતા પેદા કરી છે, જે મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા (જે ખુદ ભૂતપૂર્વ કોંગ્રેસી છે)ના દબંગ અભિગમને કારણે વધી છે. રાજકીય રીતે ઓછા મહત્ત્વના એવા પુડુચેરીમાં પણ ભાજપ સત્તામાં રહેવા માટે કોંગ્રેસના એક અલગ થયેલા જૂથનો સહારો લઈ રહ્યું છે.

દક્ષિણ ભારતમાં કર્ણાટક સિવાય જ્યાં ભાજપ મજબૂતીથી સ્થાપિત થઈ શક્યું હતું, ત્યાં પક્ષે પુડુચેરીના માર્ગે કેરળ-તમિલનાડુની રાજનીતિમાં પ્રવેશવા માટે રાજકીય દાવપેચ દ્વારા પોતાના માટે એક દ્વાર ખોલ્યું હતું. એક વિચારધારા એવી પણ છે જે સતત કહી રહી છે કે, આ રાજ્યોમાં વિજય ભાજપ માટે પ્રભાવનાં નવાં ક્ષેત્રો ખોલશે, જે અત્યાર સુધી તેમની પહોંચ બહાર હતાં અને તેનાથી આગામી સામાન્ય ચૂંટણીઓમાં મોટો ફાયદો થશે. તેમનો એવો પણ મત છે કે કેરળ, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં પ્રથમ વખત સરકાર બનાવવામાં નિષ્ફળ રહેવાથી પક્ષની ભાવિ સફરને કોઈ પણ રીતે અવરોધશે નહીં કે મોદીની પ્રતિષ્ઠાને અસર કરશે નહીં.

પરંતુ આ પૂર્વધારણા ઘણા અંશે ખોટી છે. વાસ્તવમાં, ભાજપની પરંપરા રહી છે તેમ, પક્ષે આ રાઉન્ડની ચૂંટણીઓને ખૂબ મહત્ત્વ આપ્યું છે અને ખુદ મોદી પ્રચારની કમાન સંભાળી રહ્યા છે. તેની પાછળનું કારણ એ છે કે, ચૂંટણીવાળાં પાંચમાંથી ત્રણ મહત્ત્વનાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઇન્ડિયા ગઠબંધનનું શાસન છે. આ રાજ્યો અત્યાર સુધી ભાજપ માટે પ્રતિબંધિત પ્રદેશો રહ્યા છે અને વર્તમાન નેતૃત્વ પોતાનું ક્ષેત્ર વિસ્તારવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે.

જો ભાજપ કેરળ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં વિરોધ પક્ષના ગઠબંધનને અસ્થિર કરવામાં અસમર્થ રહે તો શું? આ પ્રશ્નનો જવાબ એ હકીકતના પ્રકાશમાં શોધવો પડશે કે ભગવા પક્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં સાદી બહુમતી મેળવવામાં નિષ્ફળ રહ્યો હતો અને મોદી સરકારના અસ્તિત્વ માટે તે ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી અને નીતીશકુમારની જનતા દળ (યુ) જેવા સાથી પક્ષોના ખભા પર ટકેલો છે. જો આ રાજ્યોમાં જીત મળશે તો ભાજપ અને ખાસ કરીને મોદી-અમિત શાહની જોડીનો ઉત્સાહ વધશે, પરંતુ હારની સ્થિતિમાં ભાજપ વધુ અસુરક્ષિત બનશે. પરિણામે, સાથી પક્ષો પર તેની નિર્ભરતા વધશે જે પક્ષના ટોચના નેતાઓને પસંદ નથી.

પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી, તમિલનાડુમાં એમ.કે. સ્ટાલિન અને કેરળમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળનું યુડીએફ અથવા સીપીએમના નેતૃત્વ હેઠળનું એલડીએફ વિજયી બનશે તો તેની રાષ્ટ્રીય સ્તરે ભાજપ પર પ્રતિકૂળ અસર પડશે. એ વાતમાં કોઈ શંકા નથી કે આ વિધાનસભા ચૂંટણીઓમાં ઘણું દાવ પર છે. ચોક્કસપણે, વિરોધ પક્ષો માટે દાવ વધુ ઊંચો છે, પરંતુ એમ કહેવું પણ ખોટું હશે કે ભાજપ માટે કંઈ જ દાવ પર નથી.

ભાજપ પોતાના ગઢ ગણાતાં રાજ્યોમાં પહેલેથી જ મર્યાદિત બની રહ્યું છે, જ્યાં 2014થી તે સતત જીતતું આવ્યું છે પરંતુ 2024ની લોકસભા ચૂંટણીમાં ત્યાં ઘટતો ટ્રેન્ડ જોવા મળ્યો છે. જૂના પ્રદેશોમાં સંતૃપ્તિની અસરને સરભર કરવા માટે તેને નવા અને વધુ સંભાવનાવાળાં ક્ષેત્રોની સખત જરૂર છે. તેથી જ તેમના માટે દેશના દક્ષિણ અને પૂર્વીય ભાગોનું મહત્ત્વ છે. આથી જ આસામને જાળવી રાખવું અને કેરળ, તમિલનાડુ તથા પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કરવો તેમના માટે જરૂરી છે.

જો કે સંસાધનો અને સંગઠનાત્મક શક્તિની દૃષ્ટિએ આ લડાઈ બરાબરીની નથી, પરંતુ આ રાજ્યોના પ્રાદેશિક નેતાઓ દરેક મોરચે મોદીને ટક્કર આપી રહ્યા છે. સત્તાવિરોધી લહેર હોવા છતાં આ નેતાઓ પાસે ભાજપનો સામનો કરવા માટે મજબૂત સંગઠનાત્મક પીઠબળ છે. ઇન્ડિયા બ્લોક આ ચૂંટણીઓ તેના મૂળ સ્વરૂપમાં નથી લડી રહ્યો અને ગઠબંધન રાજ્ય પ્રમાણે અલગ-અલગ રૂપે જોવા મળે છે.

જો આ રાજ્યોમાં ઇન્ડિયા બ્લોક વિજયી બને અને કોંગ્રેસ આસામ તથા પુડુચેરી જીતી લે તો શું અસર થશે? તેનાથી આગામી લોકસભા ચૂંટણી પહેલાં વિખરાયેલા વિપક્ષને મોટું પ્રોત્સાહન મળશે. મમતા બેનર્જી અને સ્ટાલિન જેવા નેતાઓ પોતાનો ગઢ બચાવી રાખશે અને જો કોંગ્રેસ આસામમાં પણ સફળતા મેળવશે તો તે રાહુલ ગાંધીના નેતૃત્વ અને વિપક્ષના મનોબળને નવી ઊંચાઈ આપશે. ભાજપ અથવા વિપક્ષી ગઠબંધન, બંનેમાંથી ગમે તેની જીત વચ્ચે અનેક ‘જો અને તો’ રહેલા છે.

કેટલાંક નવાં પરિબળો પણ સામે આવ્યાં છે, જેમ કે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીવાળાં રાજ્યોમાં ‘ખોટા અથવા નકલી’ મતદારોને દૂર કરવા માટે ઉતાવળે ‘સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (એસઆઈઆર)નો આદેશ આપવો. વધુમાં, ચૂંટણી પંચે ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં ટોચના વહીવટી અને પોલીસ અધિકારીઓની બદલી કરીને જે અતિશય ઉત્સાહ બતાવ્યો છે, તે પરિબળો પણ હવે મેદાનમાં આવ્યાં છે. ચૂંટણીનું પરિણામ એ બાબત પર પણ નિર્ભર રહેશે કે આ પરિબળો ચૂંટણી પર કેવી અસર કરે છે અથવા તેને કેવી રીતે પ્રભાવિત કરે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top