સમગ્ર વિશ્વના અનેક દેશોએ નવા વર્ષનું સ્વાગત કર્યું છે. અનેક દેશોમાં લોકોએ આતશબાજી કરી વર્ષ 2025નું સ્વાગત કર્યું હતું. સૌથી પહેલા ન્યૂઝીલેન્ડમાં વર્ષ 2025 એ એન્ટ્રી કરી હતી. ત્યારબાદ અનેક દેશો તેમાં જોડાયા હતા. ભારતીઓ પણ નવા વર્ષના સ્વાગતમાં સાંજથી જ વિવિધ આયોજનોમાં જોડાયા હતા. મોડી રાત સુધી લોકોએ નવા વર્ષનું જશ્ન મનાવ્યું હતું. ભારતમાં પર્યટકો નવું વર્ષ મનાવવા શિમલા, મસૂરી, ગોવા, મુંબઈ જેવા અનેક ટૂરિસ્ટ પોઈન્ટ પર પહોંચ્યા હતા. લોકોએ એકબીજાને વર્ષ 2025ના શુભેચ્છા સંદેશ પાઠવ્યા હતા. ન્યૂઝીલેન્ડથી અમેરિકા સુધી લોકોએ વર્ષ 2025નું જશ્ન સાથે સ્વાગત કર્યુ હતું.
ન્યુઝીલેન્ડ બાદ ઓસ્ટ્રેલિયામાં પણ નવા વર્ષની એન્ટ્રી થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાના સિડની હાર્બરમાં પરંપરાગત ફટાકડા જોવા માટે લગભગ 1 મિલિયન લોકો એકઠા થયા હતા. અહીં 12 મિનિટ સુધી સતત આતશબાજી કરવામાં આવી હતી. ન્યુઝીલેન્ડનું ઓકલેન્ડ પહેલું મોટું શહેર બન્યું જ્યાં વર્ષ 2025એ દસ્તક આપી. વિશ્વના સૌથી પૂર્વ ભાગમાં સ્થિત હોવાને કારણે ન્યુઝીલેન્ડ પ્રથમ નવા વર્ષની ઉજવણી કરે છે. અહીં દેશના સૌથી ઊંચા સ્કાય ટાવર પર હજારો લોકોએ ઉજવણી કરી અને ફટાકડા ફોડ્યા હતા.
વિશ્વમાં નવા વર્ષનો પ્રવેશ થઈ ગયો છે. ન્યુઝીલેન્ડની ઘડિયાળમાં 12 વાગ્યા છે અને વર્ષ 2025ની ઉજવણી શરૂ થઈ ગઈ છે. ન્યુઝીલેન્ડમાં નવું વર્ષ ભારતમાં સાડા સાત કલાક પહેલા આવે છે જ્યારે અમેરિકામાં નવું વર્ષ સાડા નવ કલાક પછી આવે છે. આ રીતે સમગ્ર વિશ્વમાં નવા વર્ષની યાત્રા 19 કલાક સુધી ચાલુ રહે છે. ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં પ્રથમ વખત નવું વર્ષ 2025 શરૂ થયું છે. ઓકલેન્ડમાં લોકોએ ફટાકડા ફોડીને નવા વર્ષની ઉજવણી કરી હતી. ઈન્ડોનેશિયા, થાઈલેન્ડ અને મ્યાનમાર ભારત પહેલા નવા વર્ષની ઉજવણી કરશે. ત્યાર બાદ બાંગ્લાદેશ અને નેપાળનો નંબર આવશે.
ભારત પહેલા 41 દેશો નવા વર્ષની ઉજવણી કરશે
સમગ્ર વિશ્વમાં અલગ-અલગ ટાઈમ ઝોનને કારણે 41 દેશો એવા છે કે જેઓ ભારત પહેલા નવા વર્ષનું સ્વાગત કરે છે. તેમાં કિરીબાતી, સમોઆ અને ટોંગા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, પાપુઆ ન્યુ ગીની, મ્યાનમાર, જાપાન ઇન્ડોનેશિયા, બાંગ્લાદેશ, નેપાળ વગેરે દેશોનો સમાવેશ થાય છે. આજે રાત્રે 12 વાગ્યાની સાથે જ ભારતીયો 2024ને વિદાય આપશે અને વર્ષ 2025નું સ્વાગત કરશે. જુદા જુદા ટાઈમ ઝોનને કારણે વિશ્વના દેશોમાં નવા વર્ષની ઉજવણી અલગ અલગ સમયે કરવામાં આવે છે.
વર્ષ બદલાય છે કારણ કે પૃથ્વી સૂર્યની આસપાસ એક પરિક્રમા પૂર્ણ કરે છે. જ્યારે તે તેની ધરી પર સંપૂર્ણપણે ફરે છે ત્યાં દિવસો અને રાત હોય છે. પૃથ્વી પોતાની ધરી પર સતત પરિભ્રમણ કરી રહી હોવાને કારણે કેટલીક જગ્યાએ સવાર છે, કેટલીક જગ્યાએ બપોર છે અને કેટલીક જગ્યાએ રાત્રિ છે. આ જ કારણ છે કે વિશ્વના લગભગ દરેક દેશને અલગ-અલગ ટાઈમ ઝોનમાં વહેંચવામાં આવ્યા છે.
હાલમાં સમગ્ર વિશ્વનો સમય ઝોન GMT, એટલે કે ગ્રીનવિચ મીન ટાઇમ સાથે મેળ ખાય છે. ગ્રીનવિચના પૂર્વમાં આવેલા દેશોમાં સમય બ્રિટન કરતાં આગળ છે અને જો પશ્ચિમમાં છે તો પાછળ છે. જેમ ભારતનો સમય બ્રિટનના સમય કરતાં સાડા પાંચ કલાક આગળ છે તેમ અમેરિકા, બ્રિટનના પશ્ચિમમાં હોવાથી બ્રિટનના સમય કરતાં પાંચ કલાક પાછળ છે. ઓશેનિયા ખંડના દેશો બ્રિટનથી સૌથી દૂર પૂર્વમાં છે. જેમાં ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને કિરીબાતીનો સમાવેશ થાય છે. તેથી આ દેશોમાં નવું વર્ષ સૌથી પહેલા ઉજવવામાં આવે છે. શરૂઆત ન્યુઝીલેન્ડથી થશે કારણ કે તે સૌથી પૂર્વીય છે. જ્યાં સૌથી પહેલા 12 વાગી જશે અને નવા વર્ષનું સ્વાગત કરવામાં આવશે. ન્યૂઝીલેન્ડમાં જ્યારે નવું વર્ષ શરૂ થશે ત્યારે ભારતમાં 31 ડિસેમ્બરે સાંજે 4.30 વાગ્યા હશે. મતલબ કે ન્યૂઝીલેન્ડ કરતાં સાડા સાત કલાક મોડા ભારતમાં નવું વર્ષ પ્રવેશશે. જ્યારે અમેરિકા પહોંચતા નવા વર્ષને 19 કલાકનો સમય લાગશે. ત્યાં ભારતીય સમય મુજબ 1 જાન્યુઆરીએ સવારે 10:30 વાગ્યે 31 ડિસેમ્બરના 12 વાગ્યા હશે.
ચીન વિશ્વ સાથે નવું વર્ષ કેમ નથી ઉજવતું?
ચીન વિશ્વના એવા દેશોમાંથી એક છે જ્યાં 1 જાન્યુઆરીએ નવું વર્ષ ઉજવવામાં આવતું નથી. ચાઇના તે દેશોમાંથી એક છે જે સૌર કેલેન્ડરને બદલે લ્યુનિસોલર કેલેન્ડરને અનુસરે છે. લ્યુનિસોલર કેલેન્ડરમાં 12 મહિના હોય છે અને દરેક મહિને ચંદ્ર દ્વારા પૃથ્વીની એક પરિક્રમા પર મહિનો પૂર્ણ માનવામાં આવે છે. ચંદ્ર પૃથ્વીની આસપાસ એક પરિક્રમા 29 દિવસ અને થોડા કલાકોમાં પૂર્ણ કરે છે. ચીનમાં નવું વર્ષ 12મા મહિનાની 30મી તારીખે ઉજવવામાં આવે છે. તેને ચીનમાં ડેનિયન સાંશી કહેવામાં આવે છે. આ વર્ષે ચીનમાં નવું વર્ષ 29 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે. આ દરમિયાન લોકો એકબીજાને લાલ રંગના કાર્ડ આપે છે. એટલું જ નહીં આ દરમિયાન પૂર્વજોની પૂજા અને પરિવાર સાથે ડિનર, ડ્રેગન અને લાયન ડાન્સનું પણ આયોજન કરવામાં આવે છે. માત્ર ચીન જ નહીં પરંતુ વિયેતનામ, દક્ષિણ કોરિયા, ઉત્તર કોરિયા અને મંગોલિયા જેવા મોટા દેશો પણ આ તહેવારને અલગ-અલગ પરંપરાઓ સાથે ઉજવે છે.