કોઇપણ રમતમાં એક ટીમની કે વ્યક્તિની હાર અને જીત નિશ્ચિત હોય છે. જીતને જેટલા ઉત્સાહથી વધાવીએ છીએ એટલા જ ઉત્સાહથી હારને પણ વધાવવી જોઈએ અને પચાવતાં શીખવું જોઈએ પણ એ ત્યારે જ્યારે તમે તેમાં પોતાનું સંપૂર્ણ યોગદાન આપ્યું હોય. આપણને હંમેશા ભારત અને ભારતની ક્રિકેટ ટીમ માટે ગર્વ હતો, છે અને હંમેશા રહેશે જ. પરંતુ આ વખતના ૨૦૨૩ના વર્લ્ડ કપની ફાઇનલમાં આપણી ટીમે જે પરફોર્મન્સ કર્યો તે નિરાશાજનક હતો, કારણ એટલું જ કે આ વખતની આપણી ટીમ બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગ એમ ત્રણેયમાં મજબૂત હતી અને સતત દશ મેચ જીતીને તે સાબિત પણ થઈ ગયું હતું.
પરંતુ દશેરાને દિવસે જ ઘોડું ન ચાલે તો રાવણનું દહન થાય કેવી રીતે ? તે કહેવત સાચી પુરવાર કરી. આજે ભારત હાર્યું તેનું દુઃખ નથી પણ પ્રયત્ન કર્યા વગર હાર્યું તેનું દુઃખ છે. એમાં કોઈ શંકા નથી કે મેદાનમાં ઊતરીને રમવું એ કોઈ ખાવાના ખેલ નથી, પરંતુ જે પ્રમાણે આપણી મજબૂત ટીમ હતી અને હાર્યા તેનું દુઃખ છે કારણ આવી મહત્ત્વની તક વારંવાર મળતી નથી. વળી આપણી માતૃભૂમિ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આ બે બાબત જ જીતવા માટેનો જુસ્સો વધારવા પર્યાપ્ત હતો પણ જે જુસ્સાથી પહેલી ૧૦ મેચોમાં રમ્યા એ જુસ્સો વર્લ્ડ કપની ફાઇનલમાં ન દેખાયો. એટલે આજે ભારતની ટીમને સાંત્વના આપવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી રહ્યો. કદાચ આપણા કરતાં ટીમના ૧૧ ખેલાડીઓને ચોક્કસ આ વાતનું દુઃખ હશે પણ જબ ચિડિયા ચુગ ગઈ ખેત અબ પછતાયે કયા હોગા એ કહેવત સાકાર થઈ. વર્લ્ડ કપની ૧૦ મેચોમાં જે પરફોર્મન્સ ટીમે આપ્યો તે માટે સો સો સલામ અને તેવો જ પરફોર્મન્સ આગળ ઉપર આપતી રહે એવી શુભેચ્છાઓ.
સુરત – તૃપ્તિ ગાંધી- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
આ બધું બંધ કરવું જરૂરી છે
આપણા પ્રધાન મંત્રી મોદી દેશનો વહીવટી ખર્ચ ઘટાડવા ‘વન નેશન વન ઈલેક્શન’ની ફોર્મ્યુલા અમલમાં લાવવા માંગે છે. શું એનાથી દેશનો વહીવટી ખર્ચ ઘટશે? સુધારા અને કરકસર ક્યાં જરૂરી છે? એ જુઓ, ગુજરાતના એક સમયના સીએમ આનંદીબેન પટેલ એક શિક્ષિકા હતાં. રીટાયરમેન્ટ બાદ એમને શિક્ષિકાનું પેન્સન મળે, ત્યાર બાદ ધારાસભ્ય બન્યાં એનું પેન્શન મળે, વળી મુખ્યમંત્રી બન્યાં એટલે હોદ્દો બદલાયો એનું પેન્શન મળતું થયું એ અગાઉ શિક્ષણમંત્રી હતાં એનુંયે પેન્શન મળે, ત્યાર બાદ ગુજરાતના રાજકારણમાંથી વિદાય થયાં અને ગવર્નર બન્યાં એનો પગારેય ખાય છે.
જો આ બધાં પેન્શન મળતાં હોય તો વિચારવું પડે કે એક વ્યક્તિને કેટકેટલી જગ્યાએથી પેન્શન-પગાર ચુકવવાનાં? વહીવટી ખર્ચ ઘટાડવો હોય તો રાજકારણીઓના પેન્શન ધરાર બંધ થવાં જોઈએ. વળી આજે 500/- રૂપિયામાં મોબાઈલ માટે 1 મહિનો ફુલ ટોકટાઈમ અને અનલીમીટેડ ઈન્ટરનેટ ડેટા પેક મળે છે તો ધારાસભ્યો અને નેતાઓને દર મહિને રૂપિયા 15000/- ટેલીફોન ભથ્થું શા માટે ચુકવાય છે? આ તો પ્રજાના નાણાંની લૂંટાલૂંટ છે. એક તરફ આવી લૂંટ છે. બીજી તરફ પ્રધાનમંત્રી ચૂંટણી રેલીઓ અને સભાઓ પાછળ અંધાધૂંધ ખર્ચા કરે છે. વળી 580000 જેટલા બની બેઠેલા VIP નેતાઓ અને અધિકારીઓ પાછળ કારણ વગર લગભગ પાંચ લાખ કરોડ રૂપિયા પ્રતિ વર્ષ ખર્ચાય છે જે બંધ કરાય તો પ્રજા ઉપર નવા વેરા ન નાંખવા પડે. પ્રજાને રાહતો આપી શકાય!
સુરત – જીતેન્દ્ર પાનવાલા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.