નવી દિલ્હી: 2023 ઓટો એક્સ્પો (Auto Expo 2023) શરૂ થઈ ગયો છે, આજે એટલે કે 11 જાન્યુઆરીથી આ મોટર શો શરૂ કરવામાં આવ્યો છે. ઇવેન્ટના પ્રથમ દિવસે, દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ (Maruti Suzuki ) તેની પ્રથમ ઇલેક્ટ્રિક SUV કોન્સેપ્ટ Maruti eVX (electric SUV eVX) રજૂ કરી છે. ત્યાર બાદ MG મોટર્સે હાલના હેક્ટરનું ફેસલિફ્ટ લોન્ચ કરી અને વિશ્વની પ્રથમ MPV એટલે કે વધુ લોકોને લઈ જતી ગાડી લોન્ચ કરી છે. આકર્ષક દેખાવ અને શક્તિશાળી ઇલેક્ટ્રિક મોટર અને બેટરી પેકથી શણગારેલી આ SUV ટૂંક સમયમાં વેચાણ માટે પણ લોન્ચ કરવામાં આવશે. ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં ઈન્ડિયા એક્સ્પો માર્ટ ખાતે આયોજિત વાહનોના આ પ્રદર્શનમાં મારુતિ સુઝુકીથી લઈને ટાટા મોટર્સ, કિયા ઈન્ડિયા સહિતની ઘણી મોટી બ્રાન્ડ્સ ભાગ લઈ રહી છે.
કેવી છે મારુતિ eVX ઇલેક્ટ્રિક એસયુવી
મારુતિ સુઝુકીનું કહેવું છે કે આ કારને સુઝુકી મોટર કોર્પોરેશન દ્વારા ડિઝાઇન અને ડેવલપ કરવામાં આવી છે. મારુતિ eVX ઇલેક્ટ્રિક કન્સેપ્ટમાં, કંપની 60kWh બેટરી પેકનો ઉપયોગ કરી રહી છે, જે એક જ ચાર્જમાં 550 કિલોમીટર સુધીની ડ્રાઇવિંગ રેન્જ આપશે. કારની લંબાઈ 4,300mm, પહોળાઈ 1,800mm અને ઊંચાઈ 1,600mm છે. આ કારને સંપૂર્ણપણે નવા ડેડિકેટેડ ઇલેક્ટ્રિક પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે.
મારુતિ eVX ઇલેક્ટ્રિક કોન્સેપ્ટને કંપની દ્વારા સિગ્નેચર એસયુવી ડિઝાઇન આપવામાં આવી છે, જે ઘણી સારી રીતે એરોડાયનેમિક્સના સિલુએટ સાથે આવે છે. આમાં વધુ સારા લાંબા વ્હીલબેઝની સાથે ગ્રાઉન્ડ ક્લિયરન્સ પણ વધારે રાખવામાં આવ્યું છે. કંપનીનું કહેવું છે કે આ SUVને બ્રાન્ડના ઇલેક્ટ્રિક વાહનના ભવિષ્યને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. આ નવા કોન્સેપ્ટ ઉપરાંત, કંપનીએ વેગનઆર ફ્લેક્સ ફ્યુઅલ અને બ્રેઝા CNG જેવા મોડલ પણ પ્રદર્શિત કર્યા છે.
વેગન-Rનું ફ્લેક્સ ફ્યુઅલ વર્ઝન, 20 થી 80% ઇથેનોલ પર ચાલી શકશે
ઓટો એક્સપોમાં મારુતિ વેગનઆરના ફ્લેક્સ ફ્યુઅલ પ્રોટોટાઇપ લોન્ચ કરી છે. આ કાર E85 ઈંધણ પર ચાલી શકે છે .આ પ્રકારની ગાડીઓ 20% થી 85% સુધીના ઈથેનોલ મિશ્રણ પર ચલાવવા માટે વિકસાવવામાં આવ્યા છે. આ પ્રકારની ગાડી ચલાવવી ખૂબ જ સસ્તી છે કારણે કે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઈથેનોલ ખૂબ જ ઓછીં કિંમતમાં મળે છે.
MG એ દુનિયાની પ્રથમ ઇલેક્ટ્રિક MPV લોન્ચ કરી
ઓટો એક્સપોમાં MG મોટર્સે વિશ્વની પ્રથમ ઇલેક્ટ્રિક MPV લોન્ચ કરી છે. તેને MIFA-9 (Mifa-9) નામ આપવામાં આવ્યું છે. આ કારની ખાસિયત એ છે કે તે માત્ર 4 સેકન્ડમાં 0 થી 100ની સ્પીડ પકડી લેશે. હાલની ગ્લોસ્ટર એસયુવીની સાથે તે MGની લાઇન-અપની સૌથી મોટી કાર છે. કંપનીએ કહ્યું છે કે તે એક જ ચાર્જમાં 500 કિલોમીટરથી વધુ ચાલશે.
મારુતિ સુઝુકી ઉપરાંત મોરિસ ગેરેજ (એમજી), અશોક લેલેન્ડ, ટાટા મોટર્સ, બિલ્ડ યોર ડ્રીમ (બીવાયડી), ટોર્ક મોટર્સ, ઓકિનાવા ઓટોટેક, હીરો ઇલેક્ટ્રિક, હ્યુન્ડાઈ, કિયા ઈન્ડિયા, ટોયોટા અને જેબીએમ જેવી બ્રાન્ડ્સ પણ તેમના વાહનો રજૂ કરશે. ત્રણ વર્ષની લાંબી રાહ જોયા બાદ આખરે ફરી એકવાર નોઈડાના ઈન્ડિયા એક્સ્પો માર્ટમાં વાહનોનો સ્ટોક તૈયાર થઈ ગયો છે. ઓટો એક્સપોની આ 16મી આવૃત્તિ સામાન્ય લોકો માટે 13 જાન્યુઆરીથી શરૂ થશે.
જો તમે પણ ઓટો એક્સપોની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો તમે આ મોટર-શો માટે ઓનલાઈન ટિકિટ પણ ખરીદી શકો છો. શુક્રવારે 13 જાન્યુઆરીએ આ ટિકિટની મહત્તમ કિંમત 750 રૂપિયા રાખવામાં આવી છે. પરંતુ 14 અને 15 જાન્યુઆરીની ટિકિટ ખરીદવા માટે લોકોએ 475 રૂપિયા ચૂકવવા પડશે. તે જ સમયે, 16 થી 18 જાન્યુઆરી સુધી ટિકિટ માટે 350 રૂપિયા ખર્ચવા પડશે. દરેક ટિકિટ માત્ર એક વખતની એન્ટ્રી માટે માન્ય રહેશે અને એક ટિકિટ પર માત્ર એક જ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવશે.