કોઈ શામ બુલાયે કોઈ દામ લગાયે, મેં ભી ઉપર સે હંસતી, પર અંદર સે હાયે, એક દર્દ છુપાયે બેઠી હું, કૈસે મેં યે સેહતી હું, તું ભી કભી તો સોચ ઝરા. આમ તો આ પંક્તિઓ કોઈક બીજા ઇરાદાથી રબ્બી એહમદ અને અદનાન ધૂલ દ્વારા લખાયેલ પરંતુ હું ઘણા ખરા અંશે આ પંક્તિઓને જિંદગી અને આરોગ્ય અર્થે સંબોધન કરું છું. ઘણું બધું જાણતા હોઈએ પરંતુ સાંજ થતાં કંઈક એમ કરીએ કે જે આરોગ્ય માટે સારું નથી. ખાસ કરીને ભારતમાં અને એમાં પણ ગુજરાતમાં આરોગ્યને સૌથી વધુ અવગણવામાં આવે છે. વીકેન્ડમાં અનહેલ્ધી ખાવા જતા એટલું પૈસા અંગે નથી વિચારતાં જેટલું એક-બે ટેસ્ટ કરાવવાના હોય ને વિચારીએ. જિંદગી આર્થિક દ્રષ્ટિએ ગમે એટલી સારી હશે જો આરોગ્ય તમારા પર આફરીન ના હોય તો તમે કોઈ જ સુખ માણવા સક્ષમ નહીં હોવ. કદાચ આર્થિક રીતે સાધારણ હોઈશું પણ આરોગ્ય સારું હશે તો જીવનની એ સૌથી મોટી મૂડી છે. ઇન્ફોસિસના સ્થાપક એવા નારાયણ મૂર્તિ કહી ચૂક્યા છે કે જુવાનીમાં એટલું બધું અંધાધૂંધ કામ ના કરો કે તમે તમારૂ આરોગ્ય જ ન સાચવો. વધતી ઉંમરે તમારો ઘૂંટણ સાથ નહીં આપે તો ગમે એટલા પ્રતિભાશાળી હશો તમારી પ્રોડક્ટિવિટી ઓછી જ થવાની.
આજે 2021માં જે ઘટનાઓ બની એમાંથી આરોગ્ય અંગે શું શીખ્યા, જેટલા અંકો પ્રસિદ્ધ થયા છે એમાંથી ખરેખર શું જાણ્યું એનો ટૂંકમાં સારાંશ શું છે અને આવનારા વર્ષમાં આરોગ્ય વિશે કઈ રીતે વધુ સતેજ બનીશું એ અંગે થોડી રસપ્રદ વાતો!
- # કોરોનાની ત્રીજી લહેર આવી નથી. બીજી લહેર સાથે આ વર્ષ પૂર્ણ થયું. સૌ કોઈએ નજીકના સ્વજનોને ગુમાવ્યા હશે કે તેઓને જિંદગી અને મોત વચ્ચે સંઘર્ષ કરતાં જોયા હશે અને ઘણી મુશ્કેલીથી સારા થતાં જોયા હશે. આ રીતે આ વર્ષ સૌ માટે કપરું જરૂર રહ્યું. જે હોય એ, કોરોનાથી ગભરાશો નહીં એવું ઘણી વખત કહી ચૂક્યો છું. કોરોના માનવનિર્મિત છે કે કુદરતી રીતે બહાર આવેલો વાયરસ એવી ચર્ચામાં પડવા કરતાં જે છે એને કઈ રીતે રોકીશું તો એ માટે માત્ર માસ્ક પહેરવું મહત્ત્વનું નથી, માસ્ક કેવી રીતે પહેરીશું એ વધુ મહત્ત્વનું છે. એટલે વ્યવસ્થિત ફિટિંગમાં પહેરવું, નાકની ઉપરથી હોવું વગેરે બધી વસ્તુઓનું ધ્યાન રાખવું. રસી અવશ્ય લેવી.
- ખોરાકમાં કાર્બોહાઈડ્રેટસ અને ચરબી પ્રમાણસર લેવું ખૂબ જ જરૂરી છે. બધા ભોજનમાં ફક્ત કાર્બોહાઈડ્રેટ અને ચરબી હોય તો એ કરતાં વધુ સંતુલિત આહાર લઈએ. એવું કઈ રીતે થઈ શકે તો રોટલી કરતા શાક વધુ આરોગીએ, ભાત સાથે દાળ વધુ લઈએ. આમ પ્રોટીનથી લઈ તમામ પ્રકારની જરૂરી વસ્તુનું સંતુલન સાધી શકાય.
- જીભના સ્વાદબિંદુઓને સંતુષ્ટ કરવા માટે અનહેલ્ધી ચીજો આરોગવી સમગ્ર શરીરને નુકસાન પહોંચાડવા બરાબર છે એ કેટલું યોગ્ય? એવું કહેવાય કે જે કોઈપણ વસ્તુ જીભને સારી લાગે છે એ મોટાભાગે શરીર માટે નુકસાનકારક છે. હું સંપૂર્ણપણે આ સાથે સંમત એટલા માટે નથી થતો કે આપણે જ આપણી જીભને આદતો પાડતા હોઈએ છીએ. ગળ્યું કે અન્ય સ્વાદિષ્ટ વાનગીઓની વ્યાખ્યા કોણ નક્કી કરે છે? શું સ્વાદિષ્ટ છે અને શું સારું છે એની વ્યાખ્યા આપણે પોતે જ નક્કી કરવાની છે. એની વ્યાખ્યા જીભ આપણને નહીં કહેવી જોઈએ. મનની વ્યાખ્યા અને નિયંત્રણ સામે જીભ હારે છે. તેલથી રેબઝેબ અને ગરમ મસાલાથી ભરપૂર વાનગી મારા માટે સ્વાદિષ્ટ નથી. બસ આમ જ તમારે કેટલું લાંબુ અને નીરોગી જીવવું છે એ ધ્યાને રાખી પોતાની વ્યાખ્યા નક્કી કરો.
- પાણી એ સૌથી શ્રેષ્ઠ દવા છે. જેટલું બને તેટલું વધુ પાણી પીવું. કેટલું પીવું એ આપણે ડિહાઇડ્રેશનના એક લેખમાં ચર્ચા કરી ચૂક્યા છે.
- ખાંડ એ ઝેર જ છે અને નહીં જ ખાવી જોઈએ. દિવસની કુલ 3-4 ચમચી પણ ન લઈ લેવી જોઈએ અને એ આદત આપણે જ પાડવી રહી.
- વાત ડાયાબિટીસની કરીએ તો જે વ્યક્તિને ક્યારેય હાર્ટ એટેક આવ્યો જ નથી પરંતુ જો એને ડાયાબિટીસ છે તો તેનું જોખમ એક હાર્ટ એટેક આવી ગયા બરાબર હોય છે. ડાયાબિટીસ હોવાના કારણે હૃદય, લિવર, કિડની, આંખ અને અન્ય અંગો જોખમ પર રહે છે. એટલે નિયમિત ટેસ્ટ કરાવતા રહેવું, ચેક-અપ કરાવતા રહેવું.
- ખાંડની વાત કરી એ જ પ્રમાણે મીઠું (સોલ્ટ) હંમેશા પ્રમાણસર લેવું. ‘WHO’ 5 ગ્રામ લેવા કહે છે પરંતુ બધું મળીને રોજનું 3-4 ગ્રામ જ લેવું, એ પૂરતું છે. ભારતીયો આશરે સરેરાશ રોજનું 11 ગ્રામ જેટલું મીઠું ખાય છે. સૌથી મોટો ગુનેગાર ટેબલ સોલ્ટ, પાપડ અને અથાણું રહે છે.
- ગર્ભાવસ્થા દરમિયાન આપણે શું શું કરવું એનાથી વધુ મહત્ત્વનું એ છે કે શું શું નથી કરવાનું. અર્થાત કઈ દવાઓ નથી લેવાની એનું હંમેશા ધ્યાન રાખો. જાતે જ દવા લઈ લઈએ એવું ના કરવું અને એથી વધુ ગર્ભાવસ્થામાં કયા ટેસ્ટ કરાવવા, કયા રોગો ફક્ત ગર્ભાવસ્થા દરમિયાન જ સામે આવી શકે એનું ધ્યાન રાખીએ.
- સ્ત્રીઓએ બ્રેસ્ટ કેન્સરથી લઈ ગર્ભાશયના કેન્સર વગેરે અંગે સાવચેત રહેવું. એ માટે જરૂરી ટેસ્ટ સમયાંતરે કરાવતા રહેવું.
- સ્ટીરોઇડ હોય કે ઇન્સ્યુલિન કે કોલેસ્ટ્રોલની દવા, તબીબના માર્ગદર્શન હેઠળ એના ફાયદાને ધ્યાને રાખતા એ નુકસાનકારક નથી. કોઈ પણ દ્વિધા કે શંકા અંગે તબીબ સાથે સ્પષ્ટતા કરો અને ફક્ત ગભરાઈને કઈ ના અનુસરીએ એવું ના હોવું જોઈએ.
- શું દરરોજ એક સફરજન આપને ડૉક્ટરથી દૂર રાખે છે? સફરજન ફાઈબરનો સારો સ્ત્રોત છે, કોલોનનું સ્વાસ્થ્ય જાળવવામાં અને વજન નિયંત્રણમાં મદદ કરી શકે છે. જો કે, જરૂરી નથી કે એ ડૉક્ટરને દૂર રાખે. રેગ્યુલર ચેક-અપ કરાવતા રહેવું.
- ક્યારેય પણ હતાશા અનુભવો તો નજીકના વ્યક્તિને વાત કરો કે તબીબી પરામર્શ જરૂર લો. સક્રિય રહો, એક્સરસાઇઝ કરો.. જિંદગી અનમોલ છે.
…ઇત્તેફાક્…
આમ તો ચાલી રહી છે જિંદગી,
પણ જરા જીવાય તો સારું હવે.
-સુનીલ શાહ