: શહેરમાં દર વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણનું આયોજન કરવામાં આવે છે. ગત વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણમાં બીજો ક્રમાંક પ્રાપ્ત કર્યા બાદ આ વર્ષે પ્રથમ ક્રમ મેળવવા સુરત શહેરે તૈયારી કરી છે. સ્વચ્છતા સર્વેક્ષણ-2021 અંતર્ગત 1 જાન્યુઆરીથી શહેરમાં સિટિઝન ફીડબેક લેવાના શરૂ કરી દેવાયા છે. વિવિધ 6 માધ્યમ પરથી લોકો સ્વચ્છતા અંગે ફીડબેક આપી શકશે. 1 જાન્યુઆરીથી 31મી માર્ચ સુધી ફીડબેક લેવાશે. જેમાં સાત જ દિવસમાં 48,000 કરતાં વધુ લોકોએ અત્યારસુધીમાં ફીડબેક આપ્યા છે.
ગત વર્ષે સર્વેક્ષણમાં સિટિઝન ફીડબેક માટે 1100 માર્કસ હતા અને સ્વચ્છતા એપના 400 એમ કુલ 1500 માર્કસ હતા. પરંતુ આ વર્ષે સિટિઝન ફીડબેક માટે 600 માર્કસ રાખવામાં આવ્યા છે. જે માટે વિવિધ 6 માધ્યમ થકી શહેરીજનો ફીડબેક આપી શકશે. મનપા કમિશનરે જણાવ્યું હતું કે, ગત વર્ષે સુરતનો સ્વચ્છતામાં બીજો ક્રમાંક આવ્યો હતો.
જેમાં સિટિઝન ફીડબેક કેટેગરીમાં ઓછા માર્કસ એ એક કારણ હતું. ગત વર્ષે સિટિઝન વોઈસમાં 1500માંથી સુરતને 1369 ગુણ મળ્યા હતા. શહેરમાં પહેલી જાન્યુઆરીથી ફીડબેક લેવાના શરૂ કરાયા છે. જેમાં વોટ ફોર યોર સિટી એપ પર અત્યાર સુધીમાં 17,670 અને સ્વચ્છતા સર્વેક્ષણ-2021ના પોર્ટલ પર 30,850 અને અન્ય માધ્યમો પર 43 એમ કુલ 48,563 જેટલા લોકોએ ફીડબેક આપ્યા છે.
અત્યાર સુધીમાં સૌથી વધુ ફીડબેક મેળવનાર શહેર વિશાખાપટ્ટનમ છે. વિશાખાપટ્ટનમમાં અત્યાર સુધીમાં કુલ 89,492 લોકોએ ફીડબેક આપ્યા છે. ત્યારબાદ તિરુપતિ શહેરમાં 59,418 લોકોએ, કુરુનુલમાં 58,007 લોકોએ અને ત્યારબાદ સુરત શહેરનો ક્રમાંક છે.