અમદાવાદ, તા. 15 : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ રહેલી ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટી-20 સીરિઝની બે મેચ પ્રેક્ષકોની હાજરીમાં રમાડાયા પછી રાજ્યમાં સતત વધી રહેલા કોરોનાના કેસને ધ્યાને લેતા ગુજરાત ક્રિકેટ એસોસિએશનને મોડે મોડે બુદ્ધિ આવતા તેમણે હવે ટી-20 સીરિઝની મેચોમાં 50 ટકા પ્રેક્ષકોને પ્રવેશ આપવાનો પોતાનો જ નિર્ણય ફેરવી તોળીને સોમવારે રાત્રે જાહેરાત કરી હતી કે હવે પછીની ત્રણેય ટી-20 મેચમાં પ્રેક્ષકોને પ્રવેશ આપવામાં આવશે નહીં.
ગુજરાત ક્રિકેટ એસોસિએશન (જીસીએ) દ્વારા ટ્વિટર પર એક પ્રેસ રિલીઝને ટ્વિટ કરીને માહિતી આપી હતી કે આવતીકાલે તા. 16, તેમજ 18 અને 20 માર્ચના રોજ રમાનારી ઇંગ્લેન્ડ સામેની બાકીની ત્રણેય ટી-20 હવે પ્રેક્ષકોની ગેરહાજરીમાં રમાશે. તેમણે પોતાની પ્રેસ રિલીઝમાં કહ્યું હતું કે જે પ્રેક્ષકોએ ટિકીટ ખરીદી હશે તેમને તેના નાણાં રિફંડ કરી દેવામાં આવશે
. તેમાં વધુમાં કહેવાયું હતું કે કોરોનાના વધતા કેસોને ધ્યાને લઇને ગુજરાત ક્રિકેટ એસોસિએશને એવો નિર્ણય કર્યો છે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ રહેલી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટી-20 સીરિઝની બાકીની મેચોને બંધ દરવાજે રમાડવામાં આવશે. જે લોકોએ આ ત્રણેય ટી-20 મેચની ટિકીટ પહેલાથી ખરીદી હશે તે તેમામને જીસીએ દ્વારા નાણાં પરત કરવામાં આવશે.
જીસીએના ઉપાધ્યક્ષ ધનરાજ નથવાણીના નામે જારી કરાયેલી આ પ્રેસ રિલીઝમાં કહેવાયું છે કે કોરોનાના કેસ વધવાના કારણે જીસીએ દ્વારા બીસીસીઆઇ સાથે ચર્ચા કરવામાં આવી હતી અને તે પછી આ નિર્ણય લેવાયો છે. જેમને આ મેચો માટે કોમ્પ્લીમેન્ટરી ટિકીટ આપવામાં આવી છે એ તમામને એવી વિનંતી છે કે તેઓ સ્ટેડિયમમાં ન આવે એવું આ નિવેદનમાં કહેવાયું છે.
એ ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોનાના કેસમાં મોટો ઉછાળો આવ્યો છે અને તેના કારણે બીજી ટી-20 દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જોવા મળેલી ભીડને પગલે સોશિયલ મીડિયા પર એ ફોટાઓ શેર કરીને લોકોએ ખાસ્સી મજા લીધી હતી અને કેટલાકે તો એવી મીમ્સ બનાવી હતી કે રાજ્યમાં બધે કોરોના પહોંચી શકે પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કોરોના પ્રુફ છે.