આણંદ : આણંદમાં ઓગષ્ટ માસ દરમિયાન મતદારયાદી સુધારણા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં મતદારોને નામ ઉમેરવા, કમી કરવા, સુધારવા સહિતની તક આપવામાં આવી છે. જોકે, ગયા નવેમ્બર માસમાં સુધારણા બાદ કુલ 17.57 લાખ મતદાર થયાં હતાં. જેમાં હાલ 20 હજારનો ઘટાડો થયો છે. આણંદ કલેક્ટર મનોજ દક્ષિણીએ જણાવ્યું હતું કે, કેન્દ્રના ચૂંટણી પંચ દ્વારા 1લી ઓક્ટોબર,22ની લાયકાત સંદર્ભે ફોટાવાળી મતદાર યાદીનો ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.
આ કાર્યક્રમ અંતર્ગત 12મી ઓગષ્ટ,22થી 11મી નવેમ્બર,22 સુધી મતદાર યાદીમાં નવા નામ દાખલ કરાવવા, નોંધાયેલા નામ કમી કરાવવા તથા મતદારની વિગતોમાં સુધારો કરવા અંગેના ફોર્મ સ્વિકારવામાં આવશે. આ દિવસો દરમિયાન 1લી ઓક્ટોબર,22ની સ્થિતિએ જેઓની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોય તેઓ પોતાનું નામ મતદારયાદીમાં નોંધાવે તથા જેઓના નામ મતદારયાદીમાં નોંધાયેલા છે. તેઓ પોતાના નામની ચકાસણી મતદારયાદીમાં કરવા ભલામણ કરવામાં આવી છે. મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમમાં ઓનલાઇન પણ ફોર્મ ભરી શકાશે. જેમાં voter helpline App, NVSP Portal, Voter Portalનો સમાવેશ થાય છે. આણંદ જિલ્લામાં હાલ 17,36,554 મતદાર નોંધાયેલા છે. જેમાં 8,90,455 પુરૂષ અને 8,45,982 મહિલા મતદારો છે. જ્યારે 117 અન્યમાં મતદારો નોંધાયેલા છે.
આણંદની કઇ વિધાનસભામાં કેટલા મતદારો ઘટ્યા
વિધાનસભા 25મી જાન્યુની સ્થિતિ હાલના મતદારો તફાવત
ખંભાત 2,30,988 2,30,597 – 391
બોરસદ 2,58,572 2,56,777 – 1795
આંકલાવ 2,23,812 2,21,099 – 2713
ઉમરેઠ 2,72,388 2,66,540 – 5848
આણંદ 3,16,074 3,08,572 – 7502
પેટલાદ 2,36,904 2,35,744 – 1160
સોજિત્રા 2,18,651 2,17,225 – 1426
કુલ 17,57,389 17,36,554 – 20,835
આણંદ જિલ્લામાં રવિવારે પણ મતદારયાદી સુધારણા કાર્યક્રમ ચાલુ રહેશે
આણંદ જિલ્લામાં મતદારયાદીનો ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ રવિવારે પણ ચાલુ રહેશે. જેમાં 21મી ઓગષ્ટ, 28મી ઓગષ્ટ, 4થી સપ્ટેમ્બર તથા 11મી સપ્ટેમ્બરના દિવસોને ખાસ ઝુંબેશના દિવસો તરીકે યોજવા નક્કી કરવામાં આવ્યાં છે. આ દિવસો દરમિયાન સવારના 10 કલાકથી સાંજના 5 કલાક સુધી તમામ મતદાન મથકો ઉપર બીએલઓ (બુથ લેવલ ઓફિસર) દ્વારા મતદારયાદી સંબંધિત ફોર્મ સ્વીકારવાની કામગીરી કરવામાં આવશે.
આધાર નંબરની નોંધણી કરાવવા ફોર્મ નં.6 (ખ) ભરવું પડશે
ચૂંટણી પંચ દ્વારા મતદાર પોતાના નામની વિગતો સાથે પોતાના આધાર નંબરની વિગતોની નોંધણી કરાવી શકશે. તે માટે ફોર્મ 6 (ખ) બનાવવામાં આવ્યું છે. જેના વડે મતદાર પોતાના નામની વિગતો સાથે પોતાના આધાર નંબરની વિગતોની નોંધણી કરાવી શકશે. આ ઉપરાંત નવા નામ દાખલ કરવા માટે ફોર્મ નં.6, નામ કમી કરાવવા માટે ફોર્મ નં.7 તથા નામ, સરનામું, મતદાર વિભાગ તથા અન્ય વિગતોના સુધારા માટે ફોર્મ નં.8 ભરવાનું રહેશે.