Gujarat

VIDEO: ઓડિશાથી ટ્રક ભરીને 200 કિલો ગાંજો અને ડ્રગ્સ અમદાવાદમાં સપ્લાય કરાયું, વટવામાં 3 પકડાયા

અમદાવાદઃ અફઘાનિસ્તાન, પાકિસ્તાનથી દરિયા માર્ગે ગુજરાતમાં ડ્રગ્સ સપ્લાય થતું હતું, પરંતુ હવે તો દેશમાં જ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ટ્રક મારફતે નશીલા પદાર્થોની ડિલીવરી થવા લાગી છે. આજે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વટવા જીઆઈડીસીમાંથી 200 કિલોથી વધુ ગાંજા અને ડ્રગ્સનો જથ્થો પકડ્યો છે.

આ નશીલા પદાર્થ ઓડિશાથી ટ્રકમાં આવ્યા હતા. નવાઈની વાત એ છે કે ઓડિશાથી 1539 કિલોમીટરનું અંતર કાપી નશીલો પદાર્થ ગુજરાત પહોંચ્યો ત્યાં સુધી કોઈ એજન્સી કે પોલીસને ખબર સુદ્ધાં પડી નહીં. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 200 કિલો ડ્રગ્સ સાથે ત્રણ આરોપીની ધરપકડ કરી છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે વટવા જીઆઈડીસીમાંથી 200 કિલો ગાંજા-ડ્રગ્સ સાથે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. આ ગાંજો-ડ્રગ્સ ઓડિશાથી ટ્રકમાં આવ્યા હોવાની વિગતો બહાર આવી છે. આટલા મોટા જથ્થામાં ઓડિશાથી ગુજરાત આવેલો નશીલો પદાર્થ કોને પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ ચાલી રહી છે. આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.

પોલીસ સૂત્રોએ કહ્યું કે, બાતમીના આધારે રેઈડ કરતા વટવા જીઆઈડીસીમાં પાર્ક કરાયેલા ટ્રકમાં સુકવેલો ગાંજાનો પાવડર અને એમડી ડ્રગ્સ મળી આવ્યો હતો. આ જથ્થા સાથે ત્રણ ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપી ઈસમો ઓડિશાથી ટ્રકમાં નશીલો પદાર્થ લઈ અમદાવાદ આવ્યા હતા.

અન્ય રાજ્યોમાં પણ ડિલીવરી કરાયાની શંકા
પોલીસને શંકા છે કે ગુજરાતમાં આવતા પહેલાં રસ્તામાં આરોપી ઈસમોએ નશીલા પદાર્થની ડિલીવરી અન્ય રાજ્યોમાં પણ કરી હોઈ શકે છે. વળી, વટવામાં આરોપીઓ કોને નશીલો પદાર્થ ડિલીવર કરવાના હતા તે અંગે હજુ સુધી કોઈ માહિતી બહાર આવી નથી. તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.

Most Popular

To Top