SURAT

દુબઈમાં બેઠાં બેઠાં વરાછાના ભગતે 7 મહિનામાં 200 કિલો સોનું સુરતમાં ધુસાડયું : રેડ કોર્નર નોટીસ ફટકારાઈ

સુરત: દુબઈમાં (Dubai) બેઠાબેઠાં દિલીપ પટેલ ઉર્ફે ભગત દ્વારા છેલ્લા દોઢ વર્ષમાં સુરતમાં (Surat) 200 કિલો ગોલ્ડ (GoldSmuggling) ઘુસાડાયું હોવાની સ્ફોટક વિગતો એસઓજીની તપાસમાં બહાર આવી છે. હાલમાં જે ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેઓએ જણાવ્યું કે મૂળ વરાછામાં રહેતો દિલીપ ભગત આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર છે.

વિક્કી, બલવંત અને નિમેષ સાથે ભાગીદારીમાં આ સ્મગલીંગ કરવામાં આવતું હોવાનું પણ તેમણે કબૂલ્યું હતું. ટેકસ ઇવેઝન સાથે અંદાજે 30 ટકા કરતાં વધુ સીધો બેનિફીટ હોવાને કારણે દિલીપ ભગત દ્વારા છેલ્લા દોઢ વર્ષથી સ્મગલીંગ શરૂ કરવામાં આવ્યું હતું. દિલીપ ભગત હાલમાં દુબઇમાં છે.

તેને રેડ કોર્નર નોટિસની બજવણી આગામી દિવસોમાં થઇ જશે, તેવી માહિતી એસઓજી પીઆઇ ચૌધરી દ્વારા જાણવા મળી છે. દિલીપ પટેલ ઉપરાંત વિક્કી ઉર્ફે વિશાલ, નિમેશ અને બળદેવ સાથે ભાગીદારીમાં આખો ધંધો કરવામાં આવતો હતો. ડીસીપી રાજદીપ નકૂમ અને પીઆઇ અશોક ચૌધરી દ્વારા આ આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે.

મૂળ વરાછાના દિલીપ ભગતે દેશમાં 500 કિલો સોનાની દાણચોરી કરી હોવાની પોલીસને શંકા

  • ફેનીલ માવાણી, નિવર દાવરીયા, ઉમેશ ઉર્ફે લાખો વિખરીયા અને સાવન શાંતિલાલ રાખોલીયાની અગાઉ એસઓજી દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
  • તેઓની કરાયેલી ઉલટ તપાસમાં ચોકાવનારી વિગતો બહાર આવી છે.
  • દિલીપ ભગત દ્વારા દર મહિનામાં ચાર થી છ ટ્રીપ દેશમાં વિવિધ એરપોર્ટ પર કરવામં આવતી હતી.
  • તેમાં જે દિવસોમાં એરપોર્ટ પર ચેકિંગ ઓછું હોય તેની રેકી કરીને તે એરપોર્ટ પર આ સોનું ઘૂસાડવામાં આવતું હતું.
  • સુરત ઉપરાંત અમદાવાદ, ચેન્નાઇ, મુંબઇ , દિલ્હી એરપોર્ટ પરથી મોટા પ્રમાણમાં ગોલ્ડ કાઢવામાં આવ્યું છે.

સુરત સોનાની દાણચોરી માટે સ્વર્ગ
એસઓજી દ્વારા કરાયેલી ઉલટ તપાસમાં જે વિગતો બહાર આવી છે તેમાં સુરતાં ઇન્ટરનેશનલ ફલાઇટમાં નહીંવત ચેકીંગ હોવાની વિગત દિલીપ ભગતને ખબર હતી. તેથી તેણે છેલ્લા દોઢ વર્ષમાં સુરતમાં પચાસ ટકા ટ્રીપો મારી હતી. સુરતમાં સ્થાનિક ગોલ્ડના વેપારીઓ સાથે દિલીપ ભગતના કનેકશનની તપાસ એસઓજી પીઆઇ અશોક ચૌધરી હાલમાં કરી રહ્યાં છે. દરમિયાન સુરતમાં 200 કિલો કરતા વધારે ગોલ્ડ છેલ્લા દોઢ વર્ષમાં ઘૂસ્યું હોવાની શકયતા પોલીસ દ્વારા વ્યકત કરવામાં આવી છે.

એક ફેરામાં સાતથી દસ કિલો ગોલ્ડ સ્મગલિંગ કરવામાં આવતું હતું
હાલમાં સ્મગલિંગ ગેંગ ચલાવતા દિલીપ ભગત દ્વારા દર મહિને ભારતમાં ચાલીસથી પચાસ કિલો ગોલ્ડ ઘૂસાડવામાં આવતું હોવાનો અંદાજ છે. તેમાં પચાસ ટકા ગોલ્ડતો માત્ર સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટમાંથી ઘૂસાડવામાં આવતું હતું. દરમિયાન આ મામલે આવતા દિવસોમાં એસઓજી મોટા માથાને પકડવા ચક્રો ગતિમાન કર્યા હોવાની વિગત જાણવા મળી છે.

Most Popular

To Top