ચીને આજે એનું સંરક્ષણ બજેટ વધારીને પહેલી વાર 200 અબજ ડૉલરનું કર્યું હતું જે ભારતના સંરક્ષણ બજેટ કરતા ત્રણ ગણું વધારે છે. સતત છઠ્ઠા વર્ષે 2021માં સંરક્ષણ બજેટમાં એકાંકી 6.8%નો વધારો કરાયો છે.
ચીનના વડા પ્રધાન લિ કિકિયાંગે ચીનની સંસદ નેશનલ પીપલ્સ કૉંગ્રેસના આરંભે સંરક્ષણ બજેટમાં વધારાની જાહેરાત કરી હતી. ચીનને પૂર્વી લડાખમાં ભારત સાથે સૈન્ય મડાગાંઠ ચાલી રહી છે અને અમેરિકા સાથે રાજકીય-લશ્કરી તંગદિલીઓ ચાલી રહી છે.
ચીનની સરકારી સમાચાર સંસ્થા ઝિંહુઆએ હેવાલ આપ્યો કે આ વર્ષે સંરક્ષણ પાછળ ખર્ચો 1.35 લાખ કરોડ યુઆન (આશરે 209 અબજ અમેરિકી ડૉલર)નો થશે અને સતત છઠ્ઠા વર્ષે સંરક્ષણ બજેટમાં એકાંકી વૃદ્ધિ દર જાળવી રખાયો છે. તેમાં જણાવાયું કે ચીનનું સંરક્ષણ બજેટ અમેરિકા કરતા ચોથા ભાગનું છે, અમેરિકાનું બજેટ 740.5 અબજ ડૉલર છે.
આજે જે ચીનના સંરક્ષણ બજેટમાં વધારો કરાયો એ ભારતના પેન્શન સહિતના 65.7 અબજ ડૉલરના સંરક્ષણ બજેટ કરતા ત્રણ ગણું વધારે છે. ગ્લૉબલ ટાઈમ્સના જણાવ્યા મુજબ ગત વર્ષે ચીને 1.268 ટ્રિલિયન યુઆન એટલે કે 196.44 અબજ ડૉલર ફાળવ્યા હતા.
2020માં ચીનની સિદ્ધિઓ અને 2021ના કાર્યો દર્શાવતો 35 પાનાનો હેવાલ આપતા વડા પ્રધાને ગયા વર્ષને સશસ્ત્ર દળો માટે મોટી સફળતાનું ગણાવ્યું હતું. પૂર્વી લડાખમાં પેંગોંગ જેવા વિવાદી વિસ્તારોમાં વાર્ષિક કવાયત માટે 60000થી વધુ સશસ્ત્ર જવાનોને એકત્ર કરાયા એનો એમાં ઉલ્લેખ કરાયો ન હતો.
તેમણે એ પણ પ્રતિપાદિત કર્યું કે પીપલ્સ લિબરેશન આર્મી(પીએલએ)નું સૈન્ય બળ 20 લાખનું છે જે દુનિયામાં સૌથી મોટું છે. એની સંપૂર્ણ નેતાગીરી શાસક કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ચાઈના (સીપીસી) પાસે છે અને નેતા પ્રમુખ શિ જિનપિંગ પીએલએના હાઇ કમાન્ડર છે. આ વર્ષે આપણે જિનપિંગના આપણા સશસ્ત્ર દળોને મજબૂત બનાવવાના વિચારોને અમલી કરીશું.
પીએલએએ આ વર્ષે વધારે પ્રતિભાઓ આકર્ષવા માટે 40% પગાર વધારાની પણ જાહેરાત કરી છે. અમેરિકા પછી ચીન સંરક્ષણ પાછળ સૌથી વધારે ખર્ચ કરે છે. એનપીસીના પ્રવક્તાએ કહ્યું કે રાષ્ટ્રીય સંરક્ષણને મજબૂત બનાવવાના ચીનના પ્રયાસો કોઇ દેશને નિશાન બનાવવા કે ધમકાવવા માટે નથી.
વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા અને સૌથી વધુ વસ્તીવાળા દેશ તરીકે ચીનનો 2021માં માથાદીઠ સંરક્ષણ ખર્ચ 1000 યુઆન કરતા ઓછો રહેશે.
2019માં જારી શ્વેરપત્ર મુજબ ચીને 1978થી સ્વૈચ્છિક રીતે સૈન્ય સંખ્યા 40 લાખ સુધી ઘટાડી છે.