SURAT

સુરતમાં નોનવેજ ખાધા બાદ 20 મહિલાઓ ચક્કર ખાઈને બેભાન થઈ ગઈ

સુરત: શહેરના ઝાંપાબજાર દેવડી પાછળ આવેલા નુરપુરાનાં બેઝમેન્ટમાં આવેલા હોલમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જતાં 20થી વધુ મહિલાઓ બેભાન થઈ જતાં મોડી રાત્રે હોબાળો મચી જવા પામ્યો હતો.

  • ઝાંપાબજાર નુરપુરાનાં બેઝમેન્ટમાં આવેલા હોલમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જતાં 20 થી 30 મહિલાઓ બેભાન થઈ
  • દાઉદી વ્હોરા સમાજના રાત્રિ ભોજન માટે AC હોલમાં નોનવેજ સિઝલર આરોગવા આવેલી મહિલાઓ એક પછી એક પડવા લાગતા બુરહાની હોસ્પિટલ લઈ જવાઈ
  • ગેરકાયદે મિલકત સાથે બેઝનમેન્ટમાં હોલ બનાવનાર બિલ્ડરોને બચાવવા આખી ઘટના પોલીસ અને પાલિકાના આરોગ્ય વિભાગની છૂપાવવામાં આવી

દાઉદી વ્હોરા સમાજના રાત્રિ ભોજન માટે AC હોલમાં નોનવેજ સિઝલર આરોગવા આવેલી 20 થી 30 મહિલાઓ એક પછી એક પડવા લાગતા ટાવર રોડની બુરહાની હોસ્પિટલની એમ્બ્યુલન્સથી આખો વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો.

નુરપુરામાં આવેલી ઇમારતના બેઝમેન્ટમાં બિલ્ડરે ગેરકાયદે AC હોલ બનાવી દઇ ભાડે આપવાનું શરૂ કર્યું છે. આજે દાઉદી વ્હોરા સમાજની મહિલાઓ માટે મીઠી સિતાબીનાં જમણમાં નોનવેજ સિઝલર પીરસવામાં આવ્યું હતું. અહી હોલમાં 1-1 ટનના ચારથી પાંચ એસી હોવા સાથે સિઝલરનો ધુમાડો ગેરકાયદે બેઝમેન્ટનાં હોલમાં ફરી વળતાં ઑક્સિજન લેવલ ઘટી જવાને લીધે 20 થી વધુ મહિલાઓ ભોજન દરમિયાન ચક્કર ખાઈ બેભાન થઈ જતાં નાસભાગ મચી જવા પામી હતી.

વ્હોરા સમાજનો મામલો હોવાથી 108 બોલાવવાને બદલે મહિધરપુરા ટાવર રોડ પાસેની બુરહાની હોસ્પિટલની એમ્બ્યુલન્સ મોકલી બેભાન મહિલાઓને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં મહિલાઓને તાત્કાલિક સારવાર આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. કેટલીક મહિલાઓ હોલની અંદર તો કેટલીક મહિલાઓ હોલની બહાર ચક્કર ખાઈ બેભાન થઈ ગઈ હતી. સફોકેશન અને ઑક્સિજન લેવલ ઓછું થઈ જતાં મહિલાઓ સાથે ઘટના બની હોવાનું બુરહાની હોસ્પિટલના તબીબો એ પરિવારના સભ્યોને જણાવ્યું હતું.

નવાઈની વાત એ છે આવી ગંભીર ઘટના બની છતાં મહિલાઓ માટે રાત્રિ ભોજનનું આયોજન કરનાર આયોજકોએ પોલીસ અને આરોગ્ય વિભાગને જાણ કરી ન હતી. આ લખાય છે ત્યારે હોસ્પિટલમાં 20 મહિલાઓને સારવાર આપવામાં આવી રહી છે. 10 મહિલાઓને પ્રાથમિક સારવાર પછી રજા આપવામાં આવી છે.

ગેરકાયદે મિલકત સાથે બેઝનમેન્ટમાં હોલ બનાવનાર બિલ્ડરોને બચાવવા આખી ઘટના પોલીસ અને પાલિકાના આરોગ્ય વિભાગની છૂપાવવામાં આવી છે. દાઉદી વ્હોરા સમાજની મહિલાઓ માટે નુરપુરાના અલ અઘમુર હોલમાં રાત્રિ ભોજન રાખવામાં આવ્યું હતું.

Most Popular

To Top