તાજેતરમાં સાઉદી અરેબિયાએ તેના ‘વિઝન ૨૦૩૦’ ના ભાગ રૂપે એક નવો પ્રોજેક્ટ જાહેર કર્યો છે, જે એક ઘન આકારની બહુમાળી ઇમારત છે. તેનું નામ છે “ધ મુકાબ”, જેનો અરેબિકમાં અર્થ થાય છે “ઘન”. આ ઇમારતની ઊંચાઈ, પહોળાઈ અને ઊંડાઈ ૪૦૦ મીટર હશે. તેની અંદર ૨૦ એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ સમાઈ જાય એટલી જગ્યા હશે. સાઉદી અરેબિયા તેના પાટનગર રિયાધને ૨૦૩૦ સુધીમાં એક અત્યાધુનિક નગર તરીકે વિકસાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેના સંદર્ભમાં તેણે અમુક પ્રોજેક્ટ પણ જાહેર કર્યા છે.
“ધ મુકાબ” એ પૈકીનો એક છે, જે ૨૦૩૦ સુધીમાં ઊભું કરવામાં આવશે. સાઉદી અરેબિયાના ભાતીગળ ‘નાજદી’ વાસ્તુ ઉપરથી પ્રભાવિત આ તોતિંગ ઇમારત હકીકતમાં એક શહેર જેવી વિશાળ હશે. તે ૧૯ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલી હશે. આ ઇમારત બન્યા પછી તે શહેરની સહુથી ઊંચી ઇમારત હશે. “ધ મુકાબ”ની ઊંચાઈનો એક અંદાજ બાંધવો હોય તો એમ કહી શકાય કે બે સ્ટેચ્યૂ ઓફ યુનિટીને એક ઉપર એક મૂકીએ તેના કરતાં પણ “ધ મુકાબ” વધુ ઊંચું હશે અને બુર્જ ખલીફા કરતાં તે લગભગ અડધી ઊંચાઈનું બનશે.
“ધ મુકાબ” એક ઇમારતને બદલે એક નગર જ કહી શકાય તેવું જ બનશે, કેમકે તેમાં પર્યટક આકર્ષણો, હોટેલો, વ્યાવસાયિક મકાનો, રહેઠાણો, મનોરંજન અને સામાજિક કાર્યક્રમો માટેના હોલ વગેરે દરેક સવલતો એક જ સ્થળ ઉપર ઉપલબ્ધ હશે. એવું ધારવામાં આવે છે કે “ધ મુકાબ”માં ૧,૦૪,૦૦૦ રહેઠાણો, ૯,૦૦૦ હોટેલ રૂમો, ૯,૮૦,૦૦૦ ચોરસ મીટર જેટલા ક્ષેત્રફળમાં દુકાનો, ૧૪,૦૦,૦૦૦ ચોરસ મીટર જેટલા ક્ષેત્રફળમાં ઓફિસો, ૮૦ જેટલાં મનોરંજન અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટેનાં સ્થળો, ૧૮,૦૦,૦૦૦ ચોરસ મીટર જેટલી પબ્લિક સ્પેસ, તે ઉપરાંત ટેક્નોલોજી અને ડીઝાઇન આધારિત યુનિવર્સિટી પણ હશે. આ ઇમારતમાં પોતાની અલગ વાહનવ્યવહારની સુવિધા હશે અને તે એરપોર્ટથી માત્ર ૨૦ મિનિટના અંતરે હશે.
“ધ મુકાબ”ના પ્રચાર માટે એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે, જેમાં એવું જોઈ શકાય છે કે આ ઇમારતમાં એક ગુંબજ આકારનું પોલાણ હશે, જેની અંદર ઇમારતનો મુખ્ય હિસ્સો એક મિનારાના આકારમાં સ્થિત હશે. આ ગુંબજને આધુનિક “વર્ચ્યુઅલ રિયાલિટી”, “ક્લાઇમેટ કંટ્રોલ” અને “હોલોગ્રાફિક” ટેકનોલોજી વડે સજ્જ કરાશે. વિડીયોમાં એવું દર્શાવવામાં આવે છે કે પ્રવાસીઓને એક મિનિટે મંગળ પરની દુનિયા, બીજી મિનિટે દરિયાની અંદરની જીવસૃષ્ટિ તો કોઈક વાર “અવતાર” જેવી સ્વપ્નસૃષ્ટિનો અનુભવ આ ઇમારતની અંદર થઈ શકે છે.
ટૂંકા અર્થમાં જે વાસ્તવિકતાનો અનુભવ કરવા “વર્ચ્યુઅલ રિયાલિટી” નાં સાધનોનો ઉપયોગ કરવો પડતો હતો તે વાસ્તવિકતાનો અનુભવ વ્યક્તિને પોતાના રોજિંદા જીવનમાં “ધ મુકાબ”માં રહેવાથી કે તેની મુલાકાત લેવાથી થશે. “ધ મુકાબ”ના ઘન કે ત્રિપરિમાણીય ચોરસ જેવા આકારને કારણે એક વિવાદ પણ છંછેડાયો છે. અમુક લોકોના કહેવા મુજબ આ ઇમારતનો આકાર કાબાના પથ્થરને મળતો આવે છે. કાબાનો પથ્થર મુસ્લિમો માટે અત્યંત પવિત્ર એવા મક્કામાં સ્થિત છે. દર વર્ષે ૨૦ થી ૩૦ લાખ મુસ્લિમો હજયાત્રા કરે છે જેમાં તે મક્કા સ્થિત કાબાના પથ્થર ફરતે નમાજ પઢે છે.
લોકોના કહેવા મુજબ “ધ મુકાબ”નો ઘન આકાર લોકોની ધાર્મિક લાગણીઓને સ્પર્શી તેમને આકર્ષિત કરવાનો છે. આ મુદ્દા ઉપર ટ્વિટર પર “ન્યુ કાબા” હેશટેગ ઘણો પ્રચલિત થયો હતો. જો કે સાઉદી અરેબિયાની સરકારે આ વિષે કોઈ જાહેર નિવેદન બહાર પાડ્યું નથી. “ધ મુકાબ”ના પ્રચાર સાહિત્યમાં ઈમારતના આકાર સંદર્ભમાં એવું જણાવાયું છે કે ઘન આકાર વડે મહત્તમ જગ્યાનો ઉપયોગ કરી શકાય છે. સાઉદી અરબના અન્ય પ્રાંતોમાં પણ ઘન આકારની ઇમારતો જોવા મળે છે.
અમુક મંતવ્યો મુજબ રેગિસ્તાની પ્રદેશ માટે ઘન આકારનાં મકાનો વધુ યોગ્ય ગણાય છે. “ધ મુકાબ” જે નાજદી વાસ્તુ પદ્ધતિ ઉપર આધારિત છે, એ વાસ્તુ પદ્ધતિ નાજદ પ્રાંતની છે. આ વાસ્તુ પ્રકાર પેઢી દર પેઢી વિકાસ પામીને સ્થાનિક રેગિસ્તાની પ્રકૃતિને એવો અનુરૂપ થયો છે કે જેથી મકાનમાં હવા અને ઉજાસને પ્રાકૃતિક રીતે નિયંત્રણમાં રાખી શકાય છે. ઊર્જા સંરક્ષણને ધ્યાનમાં રાખીને “ધ મુકાબ”નું બાંધકામ કરાશે એવું કહેવામાં આવી રહ્યું છે. ત્યારે આપણે એવું સમજી શકીએ કે તેનો ઘન આકાર ફક્ત એક આધુનિક સ્વરૂપ આપવા પૂરતો જ મર્યાદિત ન રહેતાં ઇમારતમાં થનાર ઊર્જાના ઉપયોગને પણ કાબૂમાં લઈ શકે એવી તેના સર્જકોની ગણતરી હશે.
સાઉદી અરેબિયા તેના તેલના કૂવાઓ માટે પ્રખ્યાત છે. તેનો મુખ્ય ઉદ્યોગ ખનિજ તેલનું ઉત્પાદન છે અને તેની મુખ્ય આવક તે ખનિજ તેલની નિકાસ દ્વારા છે. વિશ્વમાં થતાં કુલ ખનિજ તેલના ઉત્પાદન પૈકી ૧૫% ઉત્પાદન એકલું સાઉદી અરેબિયામાં થાય છે. વર્ષ ૨૦૨૨ માં સાઉદી અરેબિયાના જી. ડી. પી. માં ખનિજ તેલની આવકનો હિસ્સો પ્રથમ ક્રમાંકે ૪૬% હતો જ્યારે બીજા ક્રમાંકે વ્યાવસાયિક ક્ષેત્ર આવતું હતું જેનો જી. ડી. પી. માં હિસ્સો ૩૬% હતો. વર્ષ ૨૦૨૨ માં સાઉદી અરેબિયાએ ૩૨,૬૦૦ કરોડ ડોલરની આવક ખનિજ તેલની નિકાસ દ્વારા મેળવી હતી. સાઉદી અરેબિયાનું દૈનિક ખનિજ તેલ ઉત્પાદન વર્ષ ૨૦૨૩ ના જાન્યુઆરીમાં ૯૮૦ લાખ બેરલ પ્રતિદિન હતું. જો કે આ આંકડો વર્ષ ૨૦૨૨ ના અન્ય મહિનાઓના દૈનિક ઉત્પાદન કરતાં ઓછો છે.
સાઉદી અરેબિયા રેગિસ્તાન હોવાથી ત્યાં કૃષિ અને પશુપાલન વધુ પ્રમાણમાં હાથ નથી ધરાતું. જો દેશને ખનિજ તેલ ઉપરાંત અન્ય કોઈ આવકનું માધ્યમ પૂરું પાડવું હોય તો તે પર્યટન અને તેના દ્વારા વિકસતો વ્યવસાય હોઈ શકે. તે દિશામાં “ધ મુકાબ” એક મહત્ત્વનું પગલું છે. સાઉદી અરેબિયાના નિવેદન મુજબ આ ઇમારત દેશના જી. ડી. પી. માં લગભગ ૪,૭૦૦ કરોડ ડોલર કે ૧૮,૦૦૦ કરોડ સાઉદી રિયાલનો વધારો કરશે. “ધ મુકાબ” અને તેના અન્ય વિઝન ૨૦૩૦ પૈકીનાં પ્રોજેક્ટ વડે સાઉદી અરેબિયા તેની ખનિજ તેલના ઉત્પાદક તરીકેની છાપ બદલી, એક વ્યાપાર અને પર્યટનના સ્થળ તરીકે ઉભરવા માંગતું હોય એવું લાગી રહ્યું છે.
સાઉદી અરેબિયાએ ‘વિઝન ૨૦૩૦’ અંતર્ગત ૧૫ ઉપરાંત મેગા પ્રોજેક્ટ જાહેર કર્યા છે, જેમાં તેના જૂનાં શહેરોને પુનર્વિકસિત કરવા ઉપરાંત “કિંગ સલમાન એનર્જી પાર્ક” અને “NEOM” જેવા પ્રોજેક્ટ પણ સામેલ છે. તે પૈકી “NEOM”ના પ્રચાર સાહિત્યમાં આ શહેર માનવ ઇતિહાસના નવા પ્રકરણની શરૂઆત કરશે એવી વાત કહેવામાં આવી છે. “NEOM” એક ૫૦,૦૦૦ કરોડ ડોલરના ખર્ચે નિર્માણ પામી રહેલું નાના કદના રાજ્ય જેવું શહેર છે. તેનો વિસ્તાર ૧૦,૦૦૦ ચોરસ કિલોમીટર હશે અને તે ન્યુયોર્ક શહેર કરતાં ૩૩ ગણું મોટા કદનું હશે તેમ કહેવાઈ રહ્યું છે. અહેવાલો મુજબ સ્વચ્છ ઊર્જા અને એ. આઈ. સંચાલિત યંત્રો વડે આ શહેરનું નિર્માણ થઈ રહ્યું છે. શહેરમાં વાહન વ્યવહાર માટે બુલેટ અને હાઈપરલૂપની સગવડ કરવામાં આવશે પરંતુ રહીશોને બાઇસિકલના ઉપયોગ માટે પ્રોત્સાહિત પણ કરવામાં આવશે, એવું શહેરના નિર્માતાઓ કહી રહ્યા છે. સાઉદી અરેબિયા યુનોના ‘એજન્ડા ૨૦૩૦’ નો વફાદારીથી અમલ કરી રહ્યું છે.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.