surat : એક તરફ લોકોને વેક્સિન ( vaccine) મળતી નથી અને બીજી તરફ સુરત મહાપાલિકાની સામાન્ય સભા ઓફલાઈન ( offline) બોલાવવા માટે આવતીકાલે બાકી રહેલા 20 કોર્પોરેટરોને એકસાથે વેક્સિન આપવા માટે મનપા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જો એકસાથે 20 કોર્પોરેટરોને વેક્સિન આપી શકાતી હોય તો સામાન્ય જનતા માટે કેમ વેક્સિન મોટાપાયે આપવામાં આવતી નથી તે મોટો પ્રશ્ન બની રહ્યો છે.
સુરત મનપા દ્વારા કોરોનાની બીજી લહેરમાં અત્યારસુધી ઓનલાઈન ( online) જ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવતું હતું. પરંતુ કોર્પોરેટરોની માંગ અને કોરોનાના ઘટતા કેસને ધ્યાનમાં રાખીને મનપા દ્વારા હવે આ વખતની સામાન્ય સભા રૂબરૂ યોજવાનું આયોજન કરાયું છે. પરંતુ તેમાં તમામ કોર્પોરેટરોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લઈ લીધો હોવો જરૂરી છે. હાલમાં 120 કોર્પોરેટરો પૈકી 20 કોર્પોરેટરોને વેક્સિન મુકાવવાની બાકી છે. ત્યારે કોર્પોરેટરોના વેકસિનેશન ( vaccination) માટે ખાસ સુવિધા કરી આપવામાં આવી છે. કોર્પોરેટરોને વેક્સિન મુકાવવા ખાસ મનપા મુખ્ય કચેરીના સરદાર ખંડમાં સુવિધા કરવામાં આવી છે. મેયર સહિત 20 નગરસેવકોને આવતીકાલે મનપા મુખ્ય કચેરી ખાતે વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવશે. તમામ કોર્પોરેટરનું વેક્સિનેશન થઈ ગયા બાદ આ મહિનાની 23 કે 24 તારીખે મળનારી સામાન્ય સભા રૂબરૂ થશે તેમ જાણવામાં આવ્યું છે.
ત્યારે બીજી બાજુ મનપાના વિવિધ ઝોનના કોર્પોરેટરો, અધિકારીઓ સાથે પદાધિકારીઓ મીટિંગ કરી રહ્યા છે. જે અંતર્ગત મંગળવારે રાંદેર ઝોન સાથે મીટિંગનું આયોજન કરાયું હતું. અડાજણમાં પર્ફોમિંગ આર્ટ સેન્ટર ખાતે યોજાયેલી મીટિંગમાં સ્થાનિક કોર્પોરેટરોએ શહેરની હદ વિસ્તારમાં નવા સમાવવામાં આવેલા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ આપવાના મુદ્દે તથા રાંદેર ગામતળ વિસ્તારમાં અશાંતધારા મુદ્દે પ્રશ્નોનું નિરાકરણ લાવવા રજૂઆત કરી હતી. આ ઉપરાંત રાંદેર ઝોનના કેટલાક વિસ્તારોમાં દબાણકર્તાઓનું ન્યૂસન્સ દૂર કરવા માટે પણ રજૂઆતો કરવામાં આવી હતી. ઉપરાંત હાલમાં વેક્સિનેશન માટે ઘણાં સેન્ટરો પર હાલાકી થઈ રહી હોય, રાંદેર ઝોનના એક મહિલા નગરસેવકે રાંદેર ઝોનમાં વેક્સિનનો કેટલો જથ્થો આવે છે તેવો પ્રશ્ન કર્યો હતો. પરંતુ તે સવાલના જવાબમાં આરોગ્ય અધિકારી ચૂપ બેસી રહેતાં સ્થાયી સમિતિના ચેરમેને આરોગ્ય અધિકારીને રોકડું સંભળાવી દીધું હતું કે, આવું જ રહેશે તો તમારે ઘરે બેસવાનો વારો આવશે.