મંગળવારે અહીં રમાયેલી બીજી ટી-20માં ન્યુઝીલેન્ડની ટીમે બાંગ્લાદેશને 28 રને હરાવીને સીરિઝમાં 2-0ની અજેય સરસાઇ મેળવી લીધી હતી. મેચમાં પહેલા બેટિંગ કરતાં ન્યુઝીલેન્ડે 18 ઓવરમાં 5 વિકેટે 173 રન બનાવ્યા પછી વરસાદ પડ્યો હતો. મેચ ફરી શરૂ થઇ ત્યારે બાંગ્લાદેશ ટાર્ગેટનો પીછો કરવા માટે મેદાનમાં ઉતર્યુ અને 9 બોલ પછી બાંગ્લાદેશને તેમણે કેટલો ટાર્ગેટ ચેઝ કરવાનો છે તે અંગે શંકા થતાં મેચ અટકાવાઇ હતી.
મેકલીન પાર્કના સ્કોરબોર્ડ પર બાંગ્લાદેશને ડકવર્થ લુઇસ નિયમ હેઠળ 16 ઓવરમાં 148 રનનો ટાર્ગેટ મળ્યો હોવાનું દર્શાવાયું હતું. જો કે તે પછી બંને ટીમને અમ્પાયર્સે જણાવ્યું કે ટાર્ગેટ 16 ઓવરમાં 170 છે, જો કે તે પછી વિવાદ ત્યારે વધ્યો હતો જ્યારે 13મી ઓવરમાં બાંગ્લાદેશને 171 રનનો ટાર્ગેટ હોવાનું કહેવાયું હતું. જો કે અંતે બાંગ્લાદેશની ટીમ 7 વિકેટે 142 રન સુધી જ પહોંચી હતી અને ન્યુઝીલેન્ડ 28 રને મેચ જીત્યું હતું.
આઇસીસીનો ખુલાસો : બંને ટીમને મૌખિકરૂપે જ સુધારાયેલા લક્ષ્યાંકની જાણ કરાઇ હતી
ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચેની બીજી ટી-20 દરમિયાન લક્ષ્યાંક બાબતે સર્જાયેલા વિવાદ મામલે આઇસીસીની પ્રવકતાએ એવો ખુલાસો કર્યો હતો કે મેદાન પર સ્કોરબોર્ડની ટેક્નીકલ ખામીને કારણે બંને ટીમને ડકવર્થ લુઇસ નિયમ હેઠળ સુધારાયેલો લક્ષ્યાંક મૌખિક રૂપે જ જણાવાયો હતો, જો કે પછીથી તેમણે દરેક સ્થિતિમાં બદલાયેલા ટાર્ગેટ અંગે માહિતી માગી ત્યારે મેચ અટકાવવી પડી હતી. આ દરમિયાન મેચ રેફરી જેફ ક્રો અને બાંગ્લાદેશના કોચ રસેલ ડોમિંગો વચ્ચે ગુસ્સામાં વાતચીત ચાલતી હોવાનું પણ જોવા મળ્યું હતું.