Gujarat

એન્જિયોપ્લાસ્ટી બાદ PM-JAYના બે લાભાર્થીઓના મોત, ગુજરાત સરકારે તપાસના આદેશ આપ્યા

ગુજરાત સરકારે મંગળવારે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં એન્જીયોપ્લાસ્ટી કરાવ્યા બાદ આયુષ્માન ભારત સ્વાસ્થ્ય વીમા યોજના હેઠળ નોંધાયેલા બે વ્યક્તિઓના મૃત્યુની તપાસનો આદેશ આપ્યો હતો. બે વ્યક્તિઓના સંબંધીઓએ આક્ષેપ કર્યો હતો કે હોસ્પિટલે તમામને અંધારામાં રાખ્યા હતા અને સરકારી યોજના હેઠળ તબીબી બિલો વધારવા માટે ઉતાવળમાં કાર્યવાહી હાથ ધરી હતી.

આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) જરૂરિયાતમંદ લોકોને દર વર્ષે રૂ. 5 લાખ સુધીનો મફત આરોગ્ય વીમો પ્રદાન કરે છે. આ યોજના અંતર્ગત શહેરના બોડકદેવ વિસ્તારમાં આવેલી ખ્યાતી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં સોમવારે બે વ્યક્તિઓની સ્ટેન્ટ પ્લેસમેન્ટ સાથેની એન્જીયોપ્લાસ્ટી કરાઈ હતી. આ પ્રક્રિયા બાદ તરત જ બે વ્યક્તિઓ – નાગરભાઈ સેનમા (59) અને મહેશ બારોટ (45)નું મૃત્યુ થયું હતું.

મૃત્યુ વિશે જાણ્યા પછી, તેમના સંબંધીઓ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા અને સરકાર પાસે ન્યાયની માંગણી કરી હતી, અને દાવો કર્યો હતો કે બંને પુરુષો સ્વસ્થ હતા અને હોસ્પિટલ મેનેજમેન્ટે PMJAY યોજના હેઠળ સરકાર સાથે તબીબી બિલ એકત્ર કરવા ઉતાવળમાં એન્જિયોપ્લાસ્ટી કરી હતી.

આ અંગે જાણકારી મળ્યા બાદ ગુજરાતના આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલે જણાવ્યું હતું કે ખ્યાતી હોસ્પિટલમાં બનેલી કથિત ઘટના ખૂબ જ ગંભીર છે. મેં PM-JAYના સ્ટેટ એન્ટિ-ફ્રોડ યુનિટ (SAFU) દ્વારા તાત્કાલિક તપાસનો આદેશ આપ્યો છે. જો આરોપો અથવા તબીબી પુરાવાઓમાં કોઈ તથ્ય કે બેદરકારી સામે આવશે તો હોસ્પિટલ અને સંડોવાયેલા ડોકટરો સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે.

મંત્રીએ કહ્યું કે સત્તાવાળાઓની પ્રાથમિક તપાસમાં સૂચવવામાં આવ્યું છે કે હોસ્પિટલે રવિવારે ગુજરાતના મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બોરીસણા ગામમાં મફત તબીબી તપાસ કેમ્પનું આયોજન કર્યું હતું. કેમ્પ પછી હોસ્પિટલે 19 ગ્રામજનોને અહીં એમ કહીને અહીં લાવ્યા હતા કે તેઓએ એન્જિયોગ્રાફી કરાવવી પડશે. “એન્જિયોગ્રાફી કર્યા પછી, તેઓએ તેમાંથી સાતની એન્જિયોપ્લાસ્ટી કરી અને સ્ટેન્ટ પણ મૂક્યા. આ સાતમાંથી બે વ્યક્તિ સોમવારે સર્જરી પછી તરત જ મૃત્યુ પામ્યા. આ ગુનાહિત બેદરકારી સિવાય બીજું કંઈ નથી.

આ ઘટનાને ધ્યાનમાં રાખીને, પટેલે જણાવ્યું હતું કે ખાનગી હોસ્પિટલો માટે ટૂંક સમયમાં આરોગ્ય તપાસ શિબિરો ગોઠવવા અંગે એક માનક ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જારી કરવામાં આવશે. રાજ્યના પૂર્વ આરોગ્ય મંત્રી નીતિન પટેલ જેઓ મહેસાણાના કડીના છે તેઓ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા અને અન્ય 12 દર્દીઓ સાથે વાતચીત કરી હતી જે તમામ બોરીસણા ગામના છે. તેમણે કહ્યું કે ગામલોકોએ મને કહ્યું કે તેમના સંબંધીઓ પણ સર્જરી વિશે જાણતા ન હતા. તેઓ એવી છાપ હેઠળ હતા કે માત્ર તપાસ કરવામાં આવશે. તેઓએ ડોકટરોના નિર્દેશ મુજબ ફોર્મ પર સહી કરી હતી.

આ 19 દર્દીઓના સંબંધીઓએ સોમવારે રાત્રે હોસ્પિટલની બહાર બનાવેલા એક વીડિયોમાં આરોપ લગાવ્યો હતો કે તબીબી સુવિધાએ ઉતાવળમાં પ્રક્રિયા હાથ ધરી હતી અને આયુષ્માન ભારત યોજના હેઠળ અયોગ્ય લાભ લેવા માટે બધાને અંધારામાં રાખ્યા હતા.

Most Popular

To Top