નડિયાદ: કપડવંજમાં એક કરિયાણાની દુકાનમાં બેસી આઈ.પી.એલ મેચ પર સટ્ટો રમતાં ઈસમને પોલીસે ઝડપી પાડી તેનો મોબાઈલ ચેક કરતાં વધુ એક ઈસમ સટ્ટો રમતાં ઝડપાયો હતો. પોલીસે આ બંનેની પુછપરછ કરતાં તેમને સટ્ટો રમવા માટે આઈ.ડી, પાસવર્ડ આપનાર અન્ય બે ઈસમોના નામ પણ ખુલ્યાં હતાં. કપડવંજમાં આવેલ અયોધ્યાપુરી સોસાયટીમાં રહેતો ગૌરાંગ ઉર્ફે ચંપકભાઈ બાબુભાઈ પટેલ રત્નાકરમાતા રોડ પર આવેલી કરીયાણાની દુકાનમાં બેસી આઈપીએલ ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતો હોવાની બાતમી કપડવંજ ટાઉન પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે શુક્રવારના રાત્રીના બામતી મુજબની દુકાને દરોડો પાડી ગૌરાંગ ઉર્ફે ચંપક પટેલની અટકાયત કરી હતી. જે બાદ તેના મોબાઈલની તલાશી લેતાં તેમાં એક વેબસાઈટ ખુલ્લી હતી. જેમાં પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે ચાલી રહેલ આઈ.પી.એલ ટી-૨૦ મેચના સોદા તથા ભાવ જોવા મળ્યાં હોવાથી તે ઓનલાઈન સટ્ટો રમતો હોવાનું સાબિત થયું હતું.
પોલીસે આ મામલે ગૌરાંગની પુછપરછ કરતાં, તેને તન્મય જશવંતભાઈ રાવલ (રહે.ઉમીયાપાર્ક સોસાયટી, કપડવંજ) એ ઓનલાઈન સટ્ટો રમવા માટેના આઈ.ડી અને પાસવર્ડ આપ્યાં હોવાનું તેમજ જીતેન્દ્ર ઉર્ફે જીતુ રામાભાઈ પટેલ (રહે.વીંછીવાડા, કપડવંજ) પણ તેમની સાથે સટ્ટો રમતો હોવાનું બહાર આવ્યુ હતું. જેથી પોલીસની ટીમ ગૌરાંગને સાથે રાખી જીતેન્દ્ર ઉર્ફે જીતુના ઘરે પહોંચી, તેની અટકાયત કરી હતી. તે વખતે જીતેન્દ્રના મોબાઈલમાં પણ ઓનલાઈન સટ્ટાનો સોદા ચાલી રહ્યાં હતાં. આ સટ્ટા બાબતે પોલીસે જીતેન્દ્રની પુછપરછ કરતાં તેને સંદિપ ઉર્ફે રાજા પ્રકાશચંદ્ર વ્યાસ (રહે.સોમનાથ નગર સોસાયટી, કપડવંજ) એ આઈ.ડી પાસવર્ડ આપ્યાં હોવાનું જણાવ્યું હતું. પોલીસે ઓનલાઈન સટ્ટો રમતાં પકડાયેલાં બંને ઈસમો પાસેથી બે મોબાઈલ તેમજ રોકડા મળી કુલ રૂ.૧૭,૩૨૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે કપડવંજ ટાઉન પોલીસે પકડાયેલાં બંને ઈસમો તેમજ તેમને ઓનલાઈન સટ્ટો રમવા માટે આઈ.ડી, પાસવર્ડ આપનાર તન્મય રાવલ અને સંદિપ વ્યાસ સામે ગુનો નોંધ્યો હતો.