વાપી : ચોમાસાની (Monsoon) બીજી ઈનિંગમાં મેઘાએ વલસાડ (Valsad) – નવસારી (Navsari) જિલ્લાને ઘમરોળી દીધો હતો. તેમાં પણ ખાસ કરીને શનિવાર રાત્રિથી રવિવાર વહેલી સવાર સુધીમાં ધોધમાર વરસાદે (Heavy Rain) પહેલી ઈનિંગને યાદ કરાવી દીધી હતી. જોકે, નીચાણવાળા વિસ્તારોમાં ઓછા પાણી ભરાતાં લોકોએ અને તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. નવસારી જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ રહેતા ખેરગામ તાલુકામાં 6 ઇંચ અને વાંસદા તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ખાપરબુંદા ગામે પિતા વિનોદભાઈ મનુભાઈ વસાવાની પાછળ ખેતરે જતી 3 વર્ષની બાળકી સૃષ્ટિનું હેર (શેર) નદીમાં ડુબી જતા મોત નિપજ્યું છે, બાળકી અન્ય બાળકો સાથે નાળા પરથી પસાર થતી હતી ત્યારે પગ લપસી જતાં નદીમાં તણાઈ ગઈ હતી. સ્થાનિક લોકો અને વહીવટીતંત્રની 5 કલાકની જેહમત બાદ શોધખોળ કરતા મોડી સાંજે બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.
- 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ
ખેરગામ 6 ઇંચ, વલસાડ 5.80 ઈંચ, ધરમપુર 5.76 ઈંચ, કપરાડા 5.72 ઈંચ, વાપી 4.60 ઈંચ, સાપુતારા 4.24 ઈંચ, આહવા 3.44 ઈંચ, પારડી 3.36 ઈંચ, સુબિર 2.8 ઈંચ, વઘઇ 2.72 ઈંચ, વાંસદા 2.3 ઇંચ, ચીખલી 1.8 ઇંચ, નવસારી 1.5 ઇચ, ઉમરગામ 1.48 ઈંચ, ગણદેવી 1.3 ઇંચ, જલાલપોર 1.3 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
ડિઝાસ્ટર વલસાડ દ્વારા મળતી માહિતી મુજબ સમગ્ર જિલ્લામાં શનિવારથી વરસાદી માહોલ ફરી છવાઈ ગયો હતો. વાપી-કપરાડા સહિત તમામ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો. જોકે, શનિવારે રાત્રિ દરમિયાન મેઘો ફરી મૂશળધાર વરસતાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. શનિવાર રાત્રે 10 થી 12 સુધી બે કલાકમાં જ વલસાડમાં 2 ઈંચ વરસાદ ખાબકતાં લોકોની ઉંઘ હરામ થઈ ગઈ હતી. સમગ્ર જિલ્લામાં રાત્રિ દરમિયાન ભારે વરસાદ વરસ્યો હતો. જેમાં વલસાડ, કપરાડા અને ધરમપુરમાં સાડા પાંચ ઈંચ કરતાં વધુ, વાપીમાં સાડાચાર, પારડીમાં સાડા ત્રણ અને ઉમરગામમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો.
નવસારી જિલ્લામાં પણ 24 કલાકમાં, ખેરગામ તાલુકામાં 142 મિ.મી. (5.9 ઇંચ), વાંસદા તાલુકામાં 56 મિ.મી. (2.3 ઇંચ), ચીખલી તાલુકામાં 45 મિ.મી. (1.8 ઇંચ), નવસારી તાલુકામાં 39 મિ.મી., ગણદેવી તાલુકામાં 33 મિ.મી. (1.3 ઇંચ) અને જલાલપોર તાલુકામાં 32 મિ.મી. (1.3 ઇંચ) વરસાદ નોંધાયો હતો. જેમાં ગત 2 દિવસથી જિલ્લામાં વરસાદી ઝાપટા શરૂ થયા હતા. ત્યારે ગત સાંજથી ફરી જિલ્લામાં વરસાદ પડવાનું શરૂ થતાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. બીજી તરફ વરસાદ પડવાનું શરૂ થતાં જિલ્લામાં પૂરની આફત બાદ ફરી ખેડૂતો ખેતી કામમાં જોતરાયા હતા. ડાંગર ધરૂની રોપણી શરૂ કરી હતી. ત્યારે વરસાદે અગિયારસથી મુહૂર્ત કરતા જિલ્લામાં ફરી પુર આવે તેવી ચર્ચા ચાલી રહી છે.