સુરત: અમરોલીમાં ઉતરાયણની રાત્રે સગીર સહિતના બે યુવકો ટ્રેન (TRAIN)ના હોર્ન સાંભળ્યા બાદ પણ રેલવે ટ્રેક પર પતંગને પકડવા જતા બંને યુવકોના ટ્રેન અડફેટે મોત નીપજ્યા હતા.
મૂળ મધ્યપ્રદેશ (MADHYAPRADESH)ના જાંબુવાના વતની અને હાલ છાપરાભાઠા ગણેશપુરા ખાતે રહેતા 45 વર્ષિય જાલુભાઇ જીથરાભાઇ વસૌનીયા હાલ છુટક મજુરાકામ કરે છે. તેનો 17 વર્ષિય પુત્ર સુનિલ હાલ ધો. 7માં અભ્યાસ કરે છે. તેનો ભાણેજ 18 વર્ષિય દિપક ફરાસીભાઇ નિનામા રજાને કારણે ગત તારીખ 27મી ડિસેમ્બરના રોજ મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના ચીકલીયા ગામેથી સુરત મામાને ત્યાં આવી ગયો હતો.
દિપક અને સુનિલ ગઇકાલે સાંજે ચાર વાગ્યે પતંગ પકડાવા માટે જવા માટે નીકળવાના હતા. સુનિલના પિતા જાલુભાઇએ પતંગ (KITE) પકડવા માટેની ના પાડવા છતા બંને જણા નીકળી ગયા હતા. તેઓ ગણેશપુરાથી નીકળી જઇ અમરોલીના અલગ અલગ વિસ્તારમાં પતંગ પકડવા માટે જતા હતા.
તેઓ રાત્રીના આઠ વાગ્યે અમરોલી રેલવે ટ્રેક પર પહોંચી ગયા હતા. બંને જણા જાનનું જોખમને ધ્યાનમાં લીધા વિના રેલવે ટ્રેક પર પતંગ પકડી રહ્યા હતા. તેઓ પતંગ પકડવામાં એટલા મગ્ન હતા કે રેલવેના સ્ટાફ માટે દોડતી વર્કમેન સ્પે. ટ્રેનના લોકો પાયલોટે ટ્રેનનો વારંવાર હોર્ન (HORN) મારવા છતા બંને જણા પતંગ પકડવા લાગી રહ્યા હતા. જેના કારણે બંને જણાને ટ્રેન અડફેટે મોત નીપજ્યા હતા. ટ્રેનના લોકો પાયલોટ અને ગાર્ડ દ્વારા ઉતરાણ રેલવે સ્ટેશન પર જાણ કરાયા બાદ અમરોલી પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે પણ બંનેના અકસ્માત મોતની નોંધ લઇ આગળની તપાસ શરૂ કરી છે