બિહારના મધુબનીમાં માન્ય દસ્તાવેજો વિના નેપાળમાં પ્રવેશવાનો પ્રયાસ કરવા બદલ બે અમેરિકન નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ધરપકડ કરાયેલા અમેરિકન નાગરિકો કેલિફોર્નિયાના રહેવાસી છે. પોલીસે આ લોકોને મદદ કરનાર બે સ્થાનીય લોકોની પણ ધરપકડ કરી છે.
બેતોન્હા બોર્ડર ચોકી પાસે ધરપકડ
બીજી તરફ પોલીસે ભારત-નેપાળ સરહદ નજીક જયનગર વિસ્તારમાં રોકાણ દરમિયાન અમેરિકન નાગરિકોને સહાય પૂરી પાડનારા બે સ્થાનિક લોકોને પણ પકડ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર સશસ્ત્ર સીમા બલ (SSB)ની 48મી બટાલિયનના સુરક્ષાકર્મીઓએ શનિવારે 09 નવેમ્બરના બપોરે બે અમેરિકન નાગરિકોને જયનગર પોલીસ સ્ટેશન વિસ્તારની બેતોન્હા બોર્ડર ચોકી પાસે રોક્યા જ્યારે તેઓ ભારતથી નેપાળ જઈ રહ્યા હતા.
જયનગરના નાયબ પોલીસ અધિક્ષક અંકુર કુમારે જણાવ્યું હતું કે તેઓ માન્ય દસ્તાવેજો વિના નેપાળમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે SSB જવાનો દ્વારા તેઓને પકડી લેવામાં આવ્યા હતા. ધરપકડ કરાયેલા અમેરિકન નાગરિકો પતિ-પત્ની છે. નેપાળમાં જન્મેલી મહિલાએ અમેરિકન નાગરિક સાથે લગ્ન કર્યા બાદ ત્યાંની નાગરિકતા મેળવી હતી. બંનેની પોલીસ, SSB અને અન્ય સંબંધિત એજન્સીઓના અધિકારીઓ દ્વારા સંયુક્ત રીતે પૂછપરછ કરવામાં આવી હતી.
તેમણે કહ્યું કે પોલીસે કેસ નોંધ્યો છે અને બંને અમેરિકન નાગરિકોની ધરપકડ કરી છે. તેમને સામગ્રી આપવા બદલ બે સ્થાનિક લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. એસએસબી દ્વારા આ લોકોને જયનગર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા. પ્રાથમિક પૂછપરછ મુજબ તેમનો ઉદ્દેશ્ય ભારતમાં તેમના સંબંધીઓને મળવાનો અને છઠ પૂજામાં ભાગ લેવાનો હોવાનું કહેવાય છે. હાલ વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે.