નવી દિલ્હી : હિંસાગ્રસ્ત સુદાનમાંથી ફસાયેલા ભારતીયોને બહાર કાઢવાની સરકારની યોજનાના ભાગરૂપે ભારતે જેદ્દાહમાં બે સી-130જે લશ્કરી પરિવહન એરક્રાફ્ટ સ્ટેન્ડબાય રાખ્યા છે, જ્યારે ભારતીય નૌકાદળનું એક જહાજ પ્રદેશના મુખ્ય બંદરે પહોંચી ગયું છે. વિગતો આપતાં વિદેશ મંત્રાલય (એમઈએ)એ કહ્યું કે, ભારતીયોને સલામત બહાર કાઢવા માટે આકસ્મિક યોજનાઓ બનાવવામાં આવી છે, પરંતુ જમીન પર કોઈપણ ગતિવિધિ સુરક્ષાની સ્થિતિ પર નિર્ભર રહેશે.
- કેન્દ્ર સરકારે સુદાનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવાની આકસ્મિક યોજનાના ભાગરૂપે હવાઇદળના 2 એરક્રાફ્ટ જેદ્દાહ મોકલાવ્યા, નૌકાદળનું જહાજ પણ પહોંચી ગયું
મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, દેશની રાજધાની ખાર્તુમમાં વિવિધ સ્થળોએથી ભીષણ લડાઈના અહેવાલો સાથે સુદાનમાં સુરક્ષાની સ્થિતિ અસ્થિર બની રહી છે. એમઈએએ કહ્યું કે, ભારત સુદાનમાં ફસાયેલા ભારતીયોની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે. ”અમે સુદાનમાં જટિલ અને વિકસતી સુરક્ષા સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. એમઇએએ જણાવ્યું હતું કે, ”અમે સુદાનમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષિત અવરજવર માટે વિવિધ સહયોગીઓ સાથે નજીકથી સંકલન પણ કરી રહ્યા છીએ અને તેઓને સલામત બહાર કાઢવા માંગીએ છીએ.”
સુદાનના સત્તાવાળાઓ ઉપરાંત, સુદાનમાં વિદેશ મંત્રાલય અને ભારતીય દૂતાવાસ પણ યુએન, સાઉદી અરેબિયા, યુએઈ, ઇજિપ્ત અને યુએસ સહિત અન્ય લોકો સાથે નિયમિત સંપર્કમાં છે. એમઇએ જણાવ્યું હતું કે, ”અમારી તૈયારીઓના ભાગ રૂપે અને ઝડપથી આગળ વધવા માટે ભારત સરકાર બહુવિધ વિકલ્પોનું અનુસરણ કરી રહી છે.”
મંત્રાલયે જણાવ્યું હતું કે, ”ભારતીય વાયુસેનાના બે સી-130જે હાલમાં જેદ્દાહમાં સ્ટેન્ડબાય છે અને આઈએનએસ સુમેધા પોર્ટ સુદાન પહોંચી ગયું છે. એમઇએ જણાવ્યું હતું કે, ”આકસ્મિક યોજનાઓ છે, પરંતુ જમીન પર કોઈપણ ગતિવિધિ સુરક્ષાની સ્થિતિ પર નિર્ભર રહેશે, જે ખાર્તુમમાં વિવિધ સ્થળોએ ભીષણ લડાઈના અહેવાલો સાથે અસ્થિર રહે છે.”
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સુદાનની એરસ્પેસ હાલમાં તમામ વિદેશી વિમાનો માટે બંધ છે અને ઓવરલેન્ડ મૂવમેન્ટમાં પણ જોખમો અને લોજિસ્ટિકલ પડકારો છે.