ભારતીય ટીમે બ્રિસ્બેનના ગાબામાં રમાયેલી ચોથી અને અંતિમ ટેસ્ટ જીતીને માત્ર ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝ જ નહોતી જીતી પણ તેની સાથે જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબલ્યુટીસી)ના પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને પહોંચી ગઇ છે અને તેના કારણે જૂનમાં પહેલીવાર રમાનારી ડબલ્યુટીસી ફાઇનલમાં સ્થાન મેળવવાની ટીમ ઇન્ડિયાની સંભાવના ઘણી વધી ગઇ છે.
હાલના સમીકરણો પર ધ્યાન આપવામાં આવે તો ભારત, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની દાવેદારી દેખાઇ રહી છે અને ઇંગ્લેન્ડની પાસે પણ થોડી ઘણી તકો છે. હાલના કેલેન્ડરમાંં કોરોનાવાયરસ રોગચાળાને કારણે ઘણું નુકસાન થયું અને કેટલીક ક્રિકેટ સીરિઝ સ્થગિત પણ કરવી પડી. તેના કારણે જ આઇસીસીએ ગત નવેમ્બર મહિનામાં ડબલ્યુટીસી પોઇન્ટ સિસ્ટમને ફરીથી તૈયાર કરવાનો વારો આવ્યો. હવે પોઇન્ટ ટેબલમાં ટીમોને કોઇ સીરિઝમાં મળેલા કુલ પોઇન્ટની ટકાવારીના આધારે સ્થાન આપવામાં આવે છે.
કોઇ ટેસ્ટ સીરિઝમાં કુલ પોઇન્ટની સંખ્યા 120 છે. ઉદાહરણ તરીકે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ટેસ્ટ સીરિઝમાં એક જીતના 30, એક ટાઇના 15 અને ડ્રોના 10 પોઇન્ટ હતા. જેના આધારે ટકાવારીની ગણતરી કરવામાં આવી. જો ટીમોના પોઇન્ટને ટકાવારીના આધારે ગણવામાં આવે તો રન : પ્રતિ વિકેટના રેશિયોથી ગણતરી થાય છે.
ફાઇનલ માટેની ભારતીય ટીમની દાવેદારી પર એક નજર
પોઇન્ટ 430, જીતની ટકાવારી 71.7, બાકી બચેલી મેચ 4
ભારતીય ટીમ હવે ઘરઆંગણે ઇંગ્લેન્ડ સામે 4 ટેસ્ટની સીરિઝ રમવાની છે. આ ચાર ટેસ્ટના સંભવિત 120 પોઇન્ટમાંથી ભારતીય ટીમે ઓછામાં ઓછા 80 પોઇન્ટ મેળવવા પડશે, કે જેના વડે તે ન્યુઝીલેન્ડથી આગળ જ રહી શકે. જો ભારતીય ટીમે ડબલ્યુટીસી ફાઇનલમાં પોતાનું સ્થાન પાકું કરવું હોય તો તેણે ઇંગ્લેન્ડને 2 મેચના માર્જીનથી હરાવવું પડશે. જો ભારતીય ટીમ 1 ટેસ્ટ હારશે તો તેણે બાકી બચેલી ત્રણેય મેચ જીતવી પડશે. ભારતીય ટીમે ફાઇનલમાં પ્રવેશવું હોય તો તેના માટે સીરિઝનું પરિણામ 4-0, 3-1, 3-0 અથવા તો 2-0 રહેવું જોઇએ. જો ભારતીય ટીમ 0-3 અથવા 04થી આ સીરિઝ હારશે તો તે ફાઇનલમાં નહીં પહોંચી શકે.
ફાઇનલ માટેની ઓસ્ટ્રેલિયન ટીમની દાવેદારી પર એક નજર
પોઇન્ટ 332, જીતની ટકાવારી 69.2, બાકી બચેલી મેચ 3
ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકા સામે 3 ટેસ્ટની સીરિઝ રમવાની છે અને એ સીરિઝમાં તેને ઓછામાં ઓછા 89 પોઇન્ટની જરૂર છે. જો કે આ સીરિઝ રમાશે કે નહીં તેની પુષ્ટિ પણ હજુ થઇ નથી. ઓસ્ટ્રેલિયાની કમનસીબી એ પણ છે કે મેલબોર્ન ટેસ્ટમાં ધીમા ઓવરરેટના કારણે તેના 4 પોઇન્ટ કાપી લેવાયા હતા. જો દક્ષિણ આફ્રિકા સામેની સીરિઝ રમાશે તો તેણે તેમા 3માંથી ઓછામાં ઓછી 2 મેચ જીતવી પડશે અને એકપણ મેચ ન હારે તે ધ્યાન રાખવું પડશે. જો દક્ષિણ આફ્રિકા પોતાના ઘરઆંગણેની આ સીરિઝ જીતી જશે તો ઓસ્ટ્રેલિયા રેસમાંથી આઉટ થઇ જશે.
ફાઇનલ માટેની ઇંગ્લેન્ડની ટીમની દાવેદારી પર એક નજર
પોઇન્ટ 352, જીતની ટકાવારી 65.2, બાકી બચેલી મેચ 5
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાની તક ઇંગ્લેન્ડની પાસે પણ છે. ઇંગ્લેન્ડની ટીમે શ્રીલંકા સામે 1 અને ભારતીય ટીમ સામે 4 ટેસ્ટ રમવાની છે. જો ઇંગ્લેન્ડની ટીમે ફાઇનલમાં પહોંચવું હોય તો તેણે ભારતીય ટીમ સામેની સીરિઝ 3-0 અથવા તો 4-0થી જીતવી પડશે. ભારતીય ટીમ સામે જો સીરિઝ 2-2થી ડ્રો રહેશે તો તેની સાથે જ ઇંગ્લેન્ડની ફાઇનલ પ્રવેશની સંભાવનાઓનો પણ અંત આવી જશે.