ભરૂચ: નર્મદા ડેમમાંથી છોડવામાં આવતા પાણીના કારણે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી પણ સતત વધી રહી છે. સરદાર સરોવર ડેમની સપાટી 135.30 મીટર પર પહોંચી છે ત્યારે ડેમના 15 દરવાજા 1.65 મીટર ખોલીને નર્મદા નદીમાં 2.20 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેને લઈને અંકલેશ્વર મામલતદારે 14 ગામોના લોકોને સાવચેત રહેવા અને નદી પર ન જવા સુચના આપી છે.
- ડેમમાંથી પાણી છોડાતાં ભરૂચ ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીની સપાટીમાં સતત વધારો
- નર્મદા ડેમની પણ જળ સપાટી વધી, અંકલેશ્વર મામલતદારે 14 ગામોને સાવચેત કર્યા
- ઉપરવાસમાંથી ડેમમાં પાણીની આવકને લઈ 2.20 લાખ ક્યુસેક પાણી છોડાયું
નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી સતત પાણીની આવક થઈ રહી છે. સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં 2.20 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમની જળ સપાટી 135.30 મીટરે પહોંચી છે. જેના કારણે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થતાં જળ સપાટી 17.38 ફૂટે પહોંચી છે. નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ છે જ્યારે ભયજનક સપાટી 24 ફૂટ છે.
જલસ્તરમાં વધારો થતાં અંકલેશ્વર મામલતદારે જુના ખાલપિયા, જુના સરફૂદ્દીન, જુના કાંસિયા, જુના છાપરા, જુના કોયલી ધંતુરીયા, જુના તરીયા બાવડી, જુના હરીપુરા, બોરભાઠા બેટ, જુના બોરભાઠા ગામ, જુના શક્કરપોર, જુના પુનગામ, જૂની દીવી, જુના દીવા અને સજોદના તલાટી કમ મંત્રીને લેખિતમાં સુચના આપી છે. તા-૨૫મી જૂને સવારે ૧,૪૫,૦૦૦ કયુસેક પાણી છોડવામાં આવ્યું છે. અને તેમાં પણ વધારો કરીને તબક્કાવાર ૨,૪૫,૦૦૦ કયુસેક સુધીનું પાણી છોડી શકાશે. જેને લઈને આ ગામનાં લોકોએ સાવચેત રહેવા અને નદીના કિનારે ન જવા સુચના આપી છે.