Dakshin Gujarat

બોરીયાચ ટોલનાકા પાસેથી 2.16 લાખના વિદેશી દારૂ ભરેલા ટેમ્પો સાથે બે ઝડપાયા

નવસારી : નેશનલ હાઈવે નં. 48 ઉપર બોરીયાચ ટોલનાકા પાસેથી નવસારી એલ.સી.બી. પોલીસે બાતમીના આધારે 2.16 લાખના વિદેશી દારૂ ભરેલા ટેમ્પા સાથે બેને ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસે બાતમીના આધારે નેશનલ હાઈવે નં. 48 ઉપર બોરીયાચ ટોલનાકા પાસેથી એક ઇન્ટ્રા ટેમ્પો (નં. એમએચ-01-ઈએમ-2490) ને રોકી તપાસ કરી હતી. જેમાંથી પોલીસને 2.16 લાખના વિદેશી દારૂની 1800 નંગ બાટલીઓ મળી આવતા મૂળ યુ.પી. ના ગોંડા જીલ્લાના પાંઢરી કીપરપાલ તુરકૌલીયામાં અને હાલ મહારાષ્ટ્રના મુંબઈ માંઝગાવ રે-રોડ મારીયમ્મા બાલ મંદિર સામે કૌલાબંદર ઝૂપડપટ્ટીમાં રહેતા મુર્તુઝા મહેરાજઅલી શેખ તેમજ મહારાષ્ટ્રના મુંબઈ માંઝગાવ રે-રોડ મારીયમ્મા બાલ મંદિર સામે કૌલાબંદર ઝૂપડપટ્ટીમાં રહેતા મોહમદહુસેન હૈદરઅલી શેખને ઝડપી પાડ્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહીત 3 લાખનો ટેમ્પો અને 10 હજાર રૂપિયાના 2 મોબાઈલ મળી કુલ્લે 5.26 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની તજવીજ હાથ ધરી છે.

મટવાડ ગામ પાસેથી 1.14 લાખના વિદેશી દારૂ ભરેલી કાર સાથે 3 ઝડપાયા
નવસારી : નેશનલ હાઈવે નં. 48 ઉપર મટવાડ ગામ પાસેથી 1.14 લાખના વિદેશી દારૂ ભરેલી કાર સાથે ત્રણને ઝડપી પાડ્યા હતા. જ્યારે વિદેશી દારૂ ભરેલી કારનું પાયલોટીંગ કરનારને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે. પરંતુ ઝડપાયેલા આરોપી પૈકી એક આરોપીને ગભરામણ થતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, ગણદેવી પોલીસને બાતમી મળી હતી કે, એક સફેદ રંગની વરના કાર (નં. જીજે-05-સીજે-5066) માં વિદેશી દારૂનો જથ્થો ભરીને વલસાડ તરફથી નેશનલ હાઈવે નં. 48 ઉપરથી આવે છે અને સુરત તરફ જનાર છે. જે થોડીક વારમાં હાઈવે રોડ ઉપરથી પસાર થનાર છે. જે બાતમીના આધારે પોલીસે નેશનલ હાઈવે નં. 48 ઉપર મટવાડ ગામ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળી કાર આવતા પોલીસે તેને રોકી તપાસ કરતા તેમાંથી 1.14 લાખની વિદેશી દારૂના 912 નંગ પાઉચ મળી આવતા ભરૂચ રહેતા શાહરૂખ ગુલામરસુલ મીરાસી, ભરૂચ સે રહેતા મોહમ્મદ જુબેર અબ્દુલ રશીદ મલેક અને ભરૂચ રહેતા ગુલામસાકીર ગુલામ નબી શેખને ઝડપી પાડ્યા હતા. પોલીસે ત્રણેય આરોપીની પુછપરછ કરતા અંકલેશ્વર કસ્બાતીવાડમાં રહેતા સજ્જુ પઠાણે વિદેશી દારૂ ભરાવી આપ્યો હતો અને વિદેશી દારૂ ભરેલી કારનું એક સફેદ રંગની અર્ટીગા કારમાં પાયલોટીંગ કરતો હોવાનું કબુલતા પોલીસે સજ્જુ પઠાણને વોન્ટેડ જાહેર કર્યો હતો. દરમિયાન આરોપી મોહમ્મદ જુબેર અબ્દુલ રશીદ મલેકને ગભરામણ થતા તેમને બ્લડ પ્રેશરની બીમારી હોવાનું જણાવતા પોલીસે તેમને તાત્કાલિક સારવાર અર્થે ખારેલ સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહીત 2 લાખની કાર અને 12 હજાર રૂપિયાનો મોબાઈલ મળી કુલ્લે 3.26 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top