૧૯૯૦માં વિશ્વ હિન્દુ પરિષદ તેમ જ અન્ય કટ્ટર હિન્દુત્વવાદી સંસ્થાઓએ અયોધ્યા, કાશી અને મથુરાના પ્રાચીન હિન્દુ મંદિરોને મુસ્લિમોના કબજામાંથી મુક્ત કરાવવા દેશવ્યાપી આંદોલન શરૂ કર્યું હતું. તેના અન્વયે અયોધ્યામાં કારસેવા શરૂ કરવામાં આવી હતી અને ભાજપના તત્કાલીન અધ્યક્ષ લાલ કૃષ્ણ અડવાણીએ દ્વારકાથી અયોધ્યાની રથયાત્રા કાઢી હતી.
રથયાત્રાને લાલુ પ્રસાદ યાદવે બિહારમાં રોકતાં દેશભરમાં તોફાનો ફાટી નીકળ્યાં હતાં. ઇ.સ. ૧૯૯૨ની ૬ઠ્ઠી ડિસેમ્બરે કારસેવકો દ્વારા બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી હતી. ત્યારે કારસેવકો દ્વારા નારાઓ બોલવામાં આવતા હતા કે‘અયોધ્યા તો ઝાંકી હૈ, કાશી મથુરા બાકી હૈ.’
વિશ્વ હિન્દુ પરિષદના એજન્ડા પર મૂળભૂત રીતે ત્રણ મંદિરો હતા, જેને મુસ્લિમ શાસકો દ્વારા મસ્જિદમાં રૂપાંતરીત કરી નાખવામાં આવ્યા હતા. તેમાં અયોધ્યાનાં રામ મંદિર ઉપરાંત કાશીના વિશ્વનાથ મંદિરનો અને મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિના સ્થાને બંધાયેલા મંદિરનો પણ સમાવેશ થતો હતો. કાશીમાં જ્યાં જ્યોતિર્લિંગ આવેલું હતું તે જગ્યા પર આજે જ્ઞાનવાપી મસ્જિદ ઊભી છે. મથુરામાં પણ કૃષ્ણ જન્મભૂમિના સ્થાન પર આજે મસ્જિદ ઊભી છે. અયોધ્યાની જમીન પર કબજો મેળવ્યા પછી હવે હિન્દુત્વના એજન્ડામાં કાશી અને મથુરા બાકી રહ્યાં છે.
શ્રી રામ જન્મભૂમિ મંદિરનું આંદોલન શરૂ થયું ત્યારે દેશમાં કોંગ્રેસની સરકાર હતી, જેના વડા પ્રધાન નરસિંહ રાવ હતા. તેમને થયું કે જો હિન્દુઓને અયોધ્યામાં મંદિર મળી જશે તો તેઓ દેશભરમાં મંદિરો તોડીને બનાવવામાં આવેલી મસ્જિદો પર પોતાનો દાવો કરશે, જેને કારણે કોમી શાંતિ જોખમાઈ જશે. આવું ન થાય તે માટે તેમણે પ્લેસિસ ઓફ વર્શીપ એક્ટ નામનો કાયદો સંસદમાં પસાર કરાવ્યો, જે મુજબ ૧૯૪૭ની ૧૫મી ઓગસ્ટે જે પૂજાસ્થળનો દરજ્જો હોય તેમાં ફેરફાર કરી શકાય નહીં. હવે આ કાયદાને જ સુપ્રિમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે.
૧૯૯૧ના પ્લેસિસ ઓફ વર્શીપ એક્ટની કલમ ૪ મુજબ જો કોઈ ધર્મસ્થળ ૧૯૪૭ની ૧૫મી ઓગસ્ટે મુસ્લિમોના ધર્મસ્થળ તરીકે ઓળખાતું હોય તો તેનો દરજ્જો હવે બદલી શકાતો નથી. આ કાયદામાંથી રામ જન્મભૂમિ કેસને મુક્તિ આપવામાં આવી હતી.
આ કાયદા મુજબ રામ જન્મભૂમિ સિવાય કોઈ પણ ધર્મસ્થળનો કબજો મેળવવા માટે દેશની કોઈ પણ અદાલતમાં કેસ કરવામાં આવે તો તે કેસ ટકતો નથી. વધુમાં કાયદો અમલમાં આવ્યો તે તારીખે દેશની કોઈ પણ અદાલતમાં કોઈ પણ ધર્મસ્થળના કબજા બાબતમાં કેસ ચાલતો હોય તો તે નકામો બની જતો હતો. આ કાયદાને હવે બે અરજીઓ દ્વારા સુપ્રિમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે.
તેમાંની એક અરજી વિશ્વભદ્ર પૂજારી મહાસંઘ દ્વારા અને બીજી અરજી અશ્વિન ઉપાધ્યાય દ્વારા કરવામાં આવી છે. આ અરજી દાખલ કરીને સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ મોકલી છે. ઉત્તર પ્રદેશના સુન્ની વક્ફ બોર્ડે પણ મુસ્લિમોના હિતોની રક્ષા કરવા કેસમાં પક્ષકાર તરીકે જોડાવાનો નિર્ણય કર્યો છે. જો આ કેસનો ચુકાદો હિન્દુઓની તરફેણમાં આવે તો તેનો પ્રભાવ ઘણાં મંદિરો પર પડી શકે છે.
અયોધ્યાનો ચુકાદો આવ્યા પછી ૨૦૨૦ની ૨૫ સપ્ટેમ્બરે મથુરામાં બિરાજમાન બાલ શ્રીકૃષ્ણ ભગવાન વતી મથુરાના સિવિલ જજ દરમિયાન પહેલો કેસ વકીલ રંજના અગ્નિહોત્રી દ્વારા ફાઇલ કરવામાં આવ્યો હતો. તેમાં માગણી કરવામાં આવી હતી કે મથુરામાં આવેલા શ્રીકૃષ્ણ જન્મસ્થાન પર બાંધવામાં આવેલી શાહી ઇદગાહ મસ્જિદ હટાવી લેવામાં આવે.
અરજદારે જણાવ્યું હતું કે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ મથુરાની જેલમાં થયો હતો. તે જગ્યા પર ભવ્ય મંદિર બાંધવામાં આવ્યું હતું. તે જગ્યા કતરા કેશવ દેવ તરીકે ઓળખાતી હતી. ઇ.સ. ૧૬૭૦ આસપાસ ઔરંગઝેબે આ મંદિરનો ધ્વંસ કર્યો હતો અને તેના સ્થાને મસ્જિદ બાંધી કાઢી હતી. આ કેસ વધારાના જિલ્લા ન્યાયાધીશ છાયા દ્વારા કાઢી નાખવામાં આવ્યો હતો. તેની સામે અપીલ કરવામાં આવી છે.
બીજો કેસ કાશીમાં પ્રાચીન હિન્દુ મંદિરના સ્થાને બાંધવામાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદની જમીનનો કબજો લેવા માટે કરવામાં આવ્યો છે. અરજદારોના કહેવા મુજબ કાશી વિશ્વનાથનું જ્યોતિર્લિંગ ૧૬૬૯માં મોગલ બાદશાહ ઔરંગઝેબના આદેશથી તોડી પાડવામાં આવ્યું હતું. તે સમયે ભગવાન ગણેશ અને મા ગૌરીની મૂર્તિઓ બચી ગઈ હતી.
શંકરના મંદિરના સ્થાને જ્ઞાનવાપી મસ્જિદ ઊભી કરી દેવામાં આવી હતી. આ જમીન પર પાછો કબજો મેળવવા દસ હિન્દુઓ દ્વારા જ્યોતિર્લિંગ વતી વારાણસીની જિલ્લા અદાલતમાં દાવો દાખલ કરવામાં આવ્યો છે.
ત્રીજો કેસ દિલ્હીમાં આવેલા કુતુબ મિનારને લગતો છે. અરજદારોના જણાવ્યા મુજબ કુતુબ મિનાર ઇસુની બારમી સદીમાં ૨૭ હિન્દુ અને જૈન મંદિરોને તોડીને બાંધવામાં આવ્યો હતો. આ કેસ ભગવાન ઋષભદેવ અને ભગવાન વિષ્ણુ વતી ફાઇલ કરવામાં આવ્યો છે.
તેમાં માગણી કરવામાં આવી છે કે આ ભગવાનોની મૂર્તિઓની કુતુબ મિનાર સંકુલમાં પધરામણી કરવામાં આવે અને તેની ઉપાસના કરવાની પણ મંજૂરી આપવામાં આવે. આ કેસ સાકેતની જિલ્લા અદાલતમાં ફાઇલ કરવામાં આવ્યો છે. તેમાં પક્ષકાર તરીકે મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ માટે કેસ કરનારાં વકીલ રંજના અગ્નિહોત્રી પણ છે. વકીલ હરિશંકર જૈન પણ તેમાં પક્ષકાર બન્યા છે.
કુતુબ મિનારના કેસમાં જણાવવામાં આવ્યું છે કે ૧૧૯૨ની સાલ સુધી દિલ્હીમાં પૃથ્વીરાજ ચૌહાણનું રાજ ચાલતું હતું. ૧૯૯૨માં મુસ્લિમ બાદશાહ મોહમ્મદ ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણને હરાવ્યો હતો અને દિલ્હીની ગાદી કબજે કરી હતી.
તે પછી મોહમ્મદ ઘોરીના સેનાપતિ કુતબુદ્દીને ૨૭ હિન્દુ અને જૈન મંદિરોનો ધ્વંસ કરીને તેના કાટમાળમાંથી કુતુબ મિનાર બંધાવ્યો હતો. આ ૨૭ મંદિરો હકીકતમાં ૨૭ નક્ષત્રોના પ્રતિક હતા. આ મંદિર સંકુલનું નામ બદલીને ક્વાત ઉલ ઇસ્લામ કરવામાં આવ્યું હતું, જેનો મતલબ ઇસ્લામની તાકાત એવો થાય છે. અરજદારો દ્વારા માગણી કરવામાં આવી છે કે કેન્દ્ર સરકાર અને પુરાતત્ત્વ ખાતાંને આદેશ આપવામાં આવે કે તેઓ મંદિરોનો જીર્ણોદ્ધાર કરવવામાં અને પૂજા ચાલુ કરાવવાની બાબતમાં અવરોધરૂપ બને નહીં.
કટ્ટર હિન્દુત્વવાદીઓના કહેવા મુજબ મુસ્લિમોના કાળમાં ભારતભરમાં આશરે ૩,૦૦૦ જેટલાં હિન્દુ, જૈન, શીખ અને બૌદ્ધ મંદિરો કબજે કરીને મુસ્લિમ શાસકો દ્વારા ત્યાં મસ્જિદો કે દરગાહો ઊભી કરી દેવામાં આવી હતી. જો હિન્દુઓ આ તમામ મસ્જિદો પર પોતાનો દાવો કરે તો દેશભરમાં રમખાણો ફાટી નીકળે તેમ છે. આવું ન બને તે માટે જ નરસિંહ રાવની સરકારે ૧૯૯૧માં પ્લેસિસ ઓફ વર્શીપ એક્ટ ઘડીને તેના પર પડદો પાડી દીધો હતો. જોકે અયોધ્યાના ચુકાદા પછી ઉત્સાહમાં આવી ગયેલા હિન્દુઓ હવે આ કાયદો રદ્દ કરાવવા માગે છે. સુપ્રિમ કોર્ટ દ્વારા કેન્દ્ર સરકાર ઉપર નોટિસ કાઢવામાં આવી છે.
વર્તમાન સરકાર પણ આ કાયદો રદ્દ કરવાની તરફેણમાં પોતાનો મત આપે તેવી તમામ સંભાવના છે. જો આ કાયદો રદ્દ થશે તો મથુરા, કાશી અને કુતુબ મિનારને મુક્ત કરાવવા માટેનું આંદોલન શરૂ થશે. આ બાબતના કેસો દેશની વિવિધ અદાલતમાં પડેલા જ છે. આ રીતે ઇતિહાસમાં ઘડિયાળના કાંટા પાછા ફરાવીને કોને ફાયદો થશે?