રાજ્યમાં વધુને વધુ લોકોને કોરોનાથી રક્ષણ આપવા આવતીકાલ શુક્રવાર તા.૪ જૂનથી રાજ્યના તમામ જિલ્લા-તાલુકામાં ૧૮ થી ૪૪ની વયના લોકોને કોરોના વેક્સિનેશન વિનામૂલ્યે આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. આ હેતુસર, રાજ્યના ૧૮ થી ૪૪ ની વય જૂથના લોકોને ત્વરાએ રસીકરણમાં આવરી લેવાના આયોજન રૂપે શુક્રવાર તા. ૪ જૂનથી સમગ્ર રાજ્યના જિલ્લાઓ-તાલુકાઓમાં ૧ર૦૦ જેટલા વેક્સિનેશન સેન્ટર પરથી આ વયજૂથના યુવાઓને વિનામૂલ્યે વેક્સિન આપવાની કામગીરી શરૂ કરવામાં આવશે.
મુખ્યમંત્ર વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. રૂપાણીએ આ નિર્ણયના સંદર્ભમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં મહત્તમ લોકોને કોરોના રસીકરણથી આવરી લઇ કોરોનાને ઝડપથી નિયંત્રણમાં લેવા આ નિર્ણય કરાયો છે. આ રસીકરણ અંતર્ગત દરરોજ આશરે સવા 2 લાખ જેટલા યુવાઓને આ રસીકરણ કેન્દ્રો પરથી વિનામૂલ્યે રસીકરણમાં આવરી લેવાશે.
તેમણે જણાવ્યું હતું કે, ૧૮ થી ૪૪ ની વયજૂથના યુવાનો જેમણે રજીસ્ટ્રેશન કરાવેલું હશે તેમને એસ.એમ.એસ. દ્વારા તેમના વેક્સિનેશન માટેનું સ્થળ, સમય અને સ્લોટની જાણ કરવામાં આવશે. તે અનુસાર તેમણે નિયત કરેલા કેન્દ્રો પરથી આવી વેક્સિન વિનામૂલ્યે અપાશે. રાજ્યમાં ૪પથી વધુની વયના ૭પ હજાર લોકોને રોજ વેક્સિન અપાશે. આમ, રાજ્યમાં આવતીકાલથી દરરોજ ૩ લાખ જેટલા લોકોને વિનામૂલ્યે કોરોના વેક્સિન આપવાનું મહાઅભિયાન હાથ ધરાશે.
૧૮ થી ૪૪ વર્ષના યુવાનો માટે રાજ્ય સરકારે ૩ કરોડ વેક્સિનના ડોઝ માટે ઓર્ડર આપ્યો
રાજ્યમાં અત્યાર સુધી ૧૦ શહેરોમાં ૧૮ થી ૪૪ની વયજૂથનાં રોજના સવા લાખ યુવાઓને વિનામૂલ્યે વેક્સિન આપવામાં આવતી હતી. યુવાનોમાં વેક્સિનેશન અંગે જોવા મળેલા ઉત્સાહને વેગ આપતાં હવે રાજ્ય સરકાર દ્વારા આવતીકાલથી સવા બે લાખ યુવાઓને દરરોજ ૧ર૦૦ કેન્દ્રો પરથી વિનામૂલ્યે વેક્સિન અપાશે. ૧૮ થી ૪૪ વર્ષના યુવાનો માટે રાજ્ય સરકારે ૩ કરોડ વેક્સિનના ડોઝ માટે ઓર્ડર આપ્યો છે. રાજ્ય સરકારે અત્યાર સુધીમાં ભારત સરકારની મદદથી રાજ્યના ૧૮ લાખથી વધુ યુવાઓને નિ:શુલ્ક વેક્સિન આપી છે. હવે, આ વિનામૂલ્યે વેક્સિનેશન અભિયાન રાજ્યના તમામ જિલ્લા-તાલુકા મથકોએ ૧ર૦૦ રસીકરણ કેન્દ્રો દ્વારા સઘન રીતે ઉપાડી ગુજરાત સમગ્ર દેશમાં વેક્સિનના કાર્યક્રમમાં પણ અગ્રેસર રહેશે.