મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ઇઝરાયલે ઈરાન પર કરાયેલા ભયંકર હુમલાઓ અંગે મોટો ખુલાસો કર્યો છે. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF)ના દાવા મુજબ, અત્યાર સુધી ઈરાન પર હજારો બોમ્બ વરસાવવામાં આવ્યા છે અને હજારો સ્ટ્રેટેજિક ટાર્ગેટ્સને નિશાન બનાવવામાં આવ્યા છે.
ઇઝરાયલે જણાવ્યું છે કે આ સમગ્ર સૈન્ય ઓપરેશન દરમિયાન લગભગ 18,000 બોમ્બ અને મ્યુનિશન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને 4000થી વધુ ટાર્ગેટ્સ પર હુમલા કરવામાં આવ્યા છે. આ ટાર્ગેટ્સમાં ઈરાનના સૈન્ય ઠેકાણાં, મિસાઇલ સિસ્ટમ, એર ડિફેન્સ યુનિટ્સ અને મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે. રિપોર્ટ મુજબ, ઇઝરાયલ એરફોર્સ સતત હવાઈ હુમલા કરી રહી છે અને ખાસ કરીને ઈરાનની રાજધાની તેહરાન અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે બોમ્બમારી કરવામાં આવી છે. અગાઉ પણ ઇઝરાયલે દાવો કર્યો હતો કે થોડા જ દિવસોમાં હજારો બોમ્બ ઈરાન પર વરસાવવામાં આવ્યા હતા.
આ હુમલાઓનો મુખ્ય હેતુ ઈરાનની સૈન્ય શક્તિ અને તેની વ્યૂહાત્મક ક્ષમતાને નબળી પાડવાનો છે. ઇઝરાયલે ખાસ કરીને ઈરાનના ન્યુક્લિયર પ્રોગ્રામ, બેલિસ્ટિક મિસાઇલ સેન્ટર અને સૈન્ય કમાન્ડ સ્ટ્રક્ચરને નિશાન બનાવ્યા છે. ઇઝરાયલના પ્રધાનમંત્રી બિન્યામિન નેતન્યાહૂએ સ્પષ્ટ કર્યું છે કે આ ઓપરેશન લાંબા સમય સુધી ચાલી શકે છે અને દેશની સુરક્ષા માટે જરૂરી હોય તેટલા પગલાં લેવામાં આવશે.
તેમણે કહ્યું કે ઈરાનને પરમાણુ હથિયાર બનાવતા અટકાવવું ખૂબ જ જરૂરી છે. બીજી તરફ, ઈરાન પણ સતત પ્રતિક્રિયા આપી રહ્યું છે અને ઇઝરાયલ પર મિસાઇલ તથા ડ્રોન હુમલા કરી રહ્યું છે, જેનાકારણે સમગ્ર વિસ્તારમાં યુદ્ધ જેવી સ્થિતિ ઉભી થઈ ગઈ છે. વિશ્વભરના દેશો આ વધતા તણાવ પર નજર રાખી રહ્યા છે, કારણ કે આ સંઘર્ષ વધુ વિકરાળ બની શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે જો આ સ્થિતિ યથાવત રહેશે, તો મધ્ય પૂર્વમાં મોટો યુદ્ધ ભભૂકી શકે છે.