ભુજઃ ભુજથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં એક 18 વર્ષની યુવતી 540 ફૂટ ઊડા બોરવેલમાં પડી ગઈ છે. ભુજના કંઢેરાઈ ગામમાં આ ઘટના બની છે. આજે તા. 6 જાન્યુઆરીની વહેલી સવારે 6 વાગ્યે એક યુવતી બોરવેલમાં ગરકાવ થઈ હતી. હાલ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.
માહિતી અનુસાર જ્યારે આ યુવતી બોરવેલમાં પડી ગયાની જાણકારી મળી કે તરત જ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું. શરૂઆતમાં યુવતીનો અવાજ બોરવેલમાંથી આવી રહ્યો હતો પરંતુ ધીમે ધીમે યુવતીનો અવાજ આવતો બંધ થઈ ગયો હતો. હાલમાં તેનો અવાજ આવી રહ્યો નથી. ગામના લોકો આ ઘટનાને કારણે આઘાત પામી ગયા છે અને માહોલ પણ ગમગીન જોવા મળી રહ્યો છે.
આ ઘટનાની જાણકારી મળતાં ભુજમાં સંચાલિત ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગયું હતું. એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે તહેનાત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ઘટનાના પગલે કચ્છ જિલ્લા પોલીસ વડા, ભુજ વહીવટી તંત્રની ટીમ સાથે ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સની ટીમ બચાવ કામગીરીમાં જોડાયું છે. યુવતીના બચાવ માટે NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. પીડિત યુવતી ખેતરમાં મજૂરી કરતાં શ્રમિક પરિવારની હોવાનો દાવો કરાયો છે.
બોરમાંથી બચાવ બચાવની બૂમો સંભળાઈ
યુવતીના ભાઈએ કહ્યું કે, મારી બહેન અને મારી દીકરી વહેલી સવારે શૌચ માટે ગઈ હતી. દીકરી રૂમમાં પાછી આવી હતી. બાદમાં મારી બહેન ટોયલેટ ગઈ હતી. હું સવારે 5.30 વાગ્યે ઉઠ્યો અને પૂછ્યું કે ઈન્દીરા ક્યાં છે?, તો તેણે કહ્યું તે બાથરૂમ ગઈ છે. તપાસ કરતા બોરમાંથી બચાવ, બચાવનો અવાજ આવ્યો હતો. તેની ઉંમર 18-19 વર્ષ છે. શેઠને ઘટના અંગે 5.45 જાણ કરી હતી.
પાઈપથી ઓક્સિજન પહોંચાડાયું
ઘટના સ્થળ પર પહોંચેલા મામલતદારે કહ્યું કે યુવતીના બચાવ માટે પાઈપ લાઈનથી ઓક્સિજન પહોંચાડવાની કામગીરી શરૂ કરાઈ છે. યુવતીની સ્થિતિ જોવા ફાયર દ્વારા ખાસ પ્રકારના કેમેરા ઉતારાયા છે.