રાજ્યમાં કોરોનાની સામે રસીકરણ ઝડપથી થઈ રહ્યું હોવાના પગલે હવે રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. રવિવારે રાજ્યમાં કોરોનાના નવા 18 કેસો નોંધાયા છે. જ્યારે 17 દર્દીઓને રજા આપી દેવાઈ હતી.ગાંધીનગરમાં આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, રવિવારે અમદાવાદ મનપામાં 6, સુરત મનપામાં 4, વલસાડમાં 4 , સુરત જિ.માં 2 અને વડોદરા મનપામાં 2 કેસો નોંધાયા છે.
રાજ્યમાં હાલમાં 183 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 5 દર્દીઓ વેન્ટિલેટર પર છે તેમજ 178 દર્દીઓની સ્થિતિ સ્થિર છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ કેસો 8,26,141 જેટલા નોંધાયા છે. જ્યારે તે પૈકી 815872 જેટલા દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે કોરોનાથી 10087 દર્દીઓનું સારવાર દરમ્યાન મૃત્યુ થંયુ છે.
રાજ્યમાં રવિવારે વધુ 8.58 લાખ લોકોનું કોરોના સામે રસીકરણ કરાયું હતું. 45 વર્ષથી વધુ ઉમરના 74555 લોકોને રસીનો પહેલો ડોઝ અને 45 વર્ષથી વધુ ઉમરના 190229 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. તેવી જ રીતે 18થી 45 વર્ષના 230464 લોકોને રસીનો પ્રથમ ડોઝ અને 18થી 45 વર્ષના 351367 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 6,50,26,318 લોકોને રસી આપવામાં આવી છે.