Top News

ઝોમેટો અને સ્વિગીની ડિલિવરી ફી પર 18% GST: ગ્રાહકો પર વધી શકે છે બોજ

ફૂડ ઓર્ડર કરવા માટે ઝોમેટો અને સ્વિગી જેવી એપ્સનો ઉપયોગ હવે મોંઘો પડી શકે છે. GST કાઉન્સિલે નક્કી કર્યું છે કે હવે ફૂડ ડિલિવરી એપ્સની ડિલિવરી ફી પર 18% GST લાગુ થશે. અત્યાર સુધી ડિલિવરી ફી પર કોઈ ટેક્સ લાગતો ન હતો. હવે આ નવો નિયમ ગ્રાહકોના ખર્ચમાં વધારો લાવી શકે છે.

કંપનીઓ પર અસર શું અસર થશે?
ઝોમેટો અને સ્વિગી બંને માટે આ નિર્ણય તેમના માર્જિન અને નફા પર સીધી અસર કરશે. કંપનીઓના નજીકના સૂત્રોએ જણાવ્યું છે કે આ નવો ટેક્સ લાગ્યા પછી ડિલિવરી સર્વિસનો વધારાનો ખર્ચ ગ્રાહકો પર નાખવાની શક્યતા છે. જો આવું થાય તો ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવા માટે લોકોના ખિસ્સા પર વધુ ભાર પડશે.

શું આયોજન છે?
હાલમાં બંને પ્લેટફોર્મ સરકારના નોટિફિકેશનનો અભ્યાસ કરી રહ્યા છે અને નવા GST દરો તેમના માર્જિન, કિંમત નિર્ધારણ અને કાર્યકારી મૂડી પર કેવી અસર કરશે તેનો અંદાજ લગાવી રહ્યા છે. કાનૂની નિષ્ણાતોનું કહેવું છે કે ફૂડ ડિલિવરી કંપનીઓ પર સીધી અસર થશે કારણ કે ડિલિવરી તેમની મુખ્ય સેવા છે. જ્યારે ક્વિક કોમર્સ અથવા ઇ-કોમર્સમાં ડિલિવરીને માત્ર સહાયક સેવા માનવામાં આવે છે.

સબ્સ્ક્રિપ્શન પર અસર નહીં
સ્વિગી વન અને ઝોમેટો ગોલ્ડ જેવા સબ્સ્ક્રિપ્શન પ્લાન્સના ગ્રાહકો પર આ નિર્ણયની સીધી અસર નહીં થાય. કારણ કે આ સેવાઓને મૂલ્યવર્ધિત સેવા માનવામાં આવે છે. એટલે આ પ્લાન્સના સબ્સ્ક્રાઇબર્સ હાલ વધારાના ખર્ચથી બચી શકે છે.

ટેક્સનો બોજ કોણ ઉઠાવશે?
GST કાઉન્સિલે પોતાની 56મી બેઠકમાં સ્પષ્ટ કર્યું કે હવે CGST કાયદાની કલમ 9(5) હેઠળ ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ્સ તેમની એપ્સ મારફતે પૂરી પાડાતી સ્થાનિક ડિલિવરી સેવાઓ પર GST ચૂકવવા માટે જવાબદાર રહેશે. જોકે નાના ડિલિવરી એજન્ટો GST પાલનથી બહાર રહેશે. પરંતુ મોટી કંપનીઓ માટે કર ભાર વધશે.

એક ફૂડ ડિલિવરી કંપનીના અધિકારીએ કહ્યું કે “અમે હજુ વધુ સ્પષ્ટતા માટે રાહ જોઈ રહ્યા છીએ. પરંતુ જો GSTનો વધારાનો બોજ સીધો ડિલિવરી સર્વિસ પર આવશે તો તેની અસર ગ્રાહકો પર નાખવી પડશે. તેની અસર અલગ-અલગ કેટેગરીના ઓર્ડર પર જુદી હોઈ શકે છે.”

Most Popular

To Top