આ વર્ષે પ્રથમ વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં બુધવારે ઘટાડો થયો છે. જેમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 18 પૈસા અને ડીઝલના ભાવમાં 17 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો નોંધાયો છે. કારણ કે, આંતરરાષ્ટ્રીય ઓઇલના ભાવ ફેબ્રુઆરીના પ્રારંભથી સૌથી નીચલા સ્તરે પહોંચ્યા હતા.
રાજ્યની માલિકીના ફ્યુઅલ રિટેલરોની પ્રાઈસ નોટિફિકેશન મુજબ, પેટ્રોલની કિંમત દિલ્હીમાં લિટર દીઠ રૂ.91.17થી ઘટીને 90.99 રૂપિયા થયા છે. તેમજ દિલ્હીમાં ડીઝલનો ભાવ 81.30 રૂપિયા પ્રતિ લિટર થયા છે. જે અગાઉ રૂ.81.47 હતો.
સમગ્ર દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. રાજયમાં વેટના આધારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. આ વર્ષે ઇંધણના ભાવમાં થયેલો આ પહેલો ઘટાડો છે. આ અગાઉ 16 માર્ચ, 2020ના રોજ ઘટાડો નોંધાયો હતો.
છેલ્લા એક વર્ષમાં પેટ્રોલ પર 21.58 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયો હતો. જ્યારે, ડીઝલ પર પ્રતિ લિટર રૂ.19.18નો વધારો થયો હતો.
ગયા મહિને રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં કેટલાક સ્થળોએ પેટ્રોલ-ડીઝલમાં ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયા હતા.
મુંબઇમાં બુધવારે પેટ્રોલનો ભાવમાં રૂ.97.51થી ઘટીને રૂ.94.40 અને ડીઝલના ભાવ રૂ.88.60થી ઘટીને રૂ.88.42 પ્રતિ લિટર થયા છે.