રાજ્યમાં શિક્ષિત બેરોજગાર અને અર્ધશિક્ષિત બેરોજગાર મળીને કુલ 4,12,985 રોજગારો નોંધાયેલા છે. જ્યારે છેલ્લા બે વર્ષમાં સુરત જિલ્લા સહિત 15 જિલ્લાઓમાં એક પણ સરકારી નોકરી આપવામાં આવી નથી. છેલ્લા બે વર્ષમાં માત્ર 1,777 બેરોજગારોને સરકારી નોકરી આપવામાં આવી છે. તેવું ગુજરાત વિધાનસભામાં પ્રશ્નના લેખિત જવાબમાં રાજ્ય સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે.
રાજ્યમાં 30,૯૨,418 બેરોજગાર 20,566 અર્ધશિક્ષિત બેરોજગાર મળી ફુલ 4,12,985 બેરોજગારો નોંધાયેલા છે. બે વર્ષમાં રાજ્યમાં સુરત, અમદાવાદ, વડોદરા, મહીસાગર, ખેડા, મોરબી, નર્મદા, નવસારી, ભરૂચ, જુનાગઢ, કચ્છ, દાહોદ, વલસાડ, તાપી અને ડાંગ મળીને કુલ 15 જિલ્લાઓમાં એક પણ સરકારી નોકરી આપવામાં આવી નથી.
રાજ્ય સરકારના લાખોને નોકરી આપવાના અને 10 વર્ષીય ભરતી કેલેન્ડર મુજબ ભારતીના દાવો પોકળ સાબિત થયા છે. 30 જિલ્લાઓમાં પશુ ચિકિત્સક અધિકારીની 278 જગ્યાઓ ખાલી છે તેવું વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના લેખિત જવાબમાં પશુપાલન મંત્રીએ જણાવ્યું હતું.
રાજ્યમાં ૩૩ જિલ્લાઓમાં પશુ દવાખાનાઓમાં પશુ ચિકિત્સક અધિકારી વર્ગ 2 ની 278, ડ્રેસરની 149, પટાવાળાની 270 અને પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રમાં પશુધન નિરીક્ષક વર્ગ-3ની 246 પટાવાળાની 379 જગ્યાઓ ખાલી છે. સુરત જિલ્લાની વાત કરીએ તો પશુ દવાખાનાઓમાં પશુ ચિકિત્સક અધિકારીની 9, ડ્રેસરની 3, પટાવાળાની 8, જ્યારે પણ પ્રાથમિક પશુ સારવાર કેન્દ્ર પશુધન નિરીક્ષકની 11 અને પટાવાળાની 19 જગ્યાઓ ખાલી છે.
રાજ્યમાં પાંચ કરોડ ૯૫ લાખ 96 હજાર 229.53 ચોરસ મીટર સરકારી પડતર જમીન, 44 કરોડ 90 લાખ 5 હજાર 907 ચોરસ મીટર ખરાબાની જમીન અને 27 લાખ 67 હજાર 936 ચોરસ મીટર ગોચર જમીન મળી 51 કરોડ 13 લાખ 70 હજાર 72.54 ચોરસ મીટર સરકારી પડતર ખરાબા અને ગૌચરની જુદી-જુદી જમીન જુદા જુદા ઔદ્યોગિક હેતુઓ માટે ફાળવવામાં આવી છે. તેવું ગુજરાત વિધાનસભામાં પૂછાયેલા એક પ્રશ્નના લેખિત જવાબમાં મહેસુલ મંત્રીએ જણાવ્યું હતું. સુરત જિલ્લામાં ખરાબાની 26 લાખ 65 હજાર ચોરસમીટર જમીન અને 49૦૦ ચોરસ મીટર ગૌચર જમીન જુદા જુદા હેતુઓ માટે ફાળવવામાં આવી છે.
રિ-સર્વેમાં થયેલી ટેકનિકલ ભૂલોના ઉકેલ પછી જ આગળની કાર્યવાહી : નીતિન પટેલ
જમીન માપણીમાં થયેલી ભૂલો અંગે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો લેખિતમાં જવાબમાં આપતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતુ કે, જમીન માપણી રી-સર્વેની કામગીરીમાં ખેડૂતોને સહેજ પણ અન્યાય ન થાય તેનું ધ્યાન રાખી રહ્યાં છીએ. રી-સર્વે કામગીરી દરમિયાન થયેલી ટેકનીકલ ભૂલોના કિસ્સામાં જયાં સુધી ખેડૂતોના પ્રશ્નનો સંતોષકારક ઉકેલ ન આવે ત્યાં સુધી રી-સર્વે કામગીરીનું અમલીકરણ કરીશું નહીં.
તેમણે કહયું હતું કે સમગ્ર ગુજરાતની જમીનના રી-સર્વેની કામગીરી હાલ કાર્યરત છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં રી-સર્વેની કામગીરી પૂર્ણ થવાના આરે છે. જમીન માપણીની પ્રક્રિયા અદ્યતન સાધનો થકી કરવામાં આવે છે. છેલ્લાં બે વર્ષમાં મહેસાણા જિલ્લામાં જમીન માપણીમાં થયેલી ભૂલો સુધારવા માટેની ૭૪૭૯ અરજીઓનો સુખદ નિકાલ કરવામાં આવ્યો છે. જમીન માપણીની પ્રક્રિયાની સમજૂતિ ગ્રામ્ય સ્તરે ગ્રામસભા યોજીને તેમાં સૌને ભેગા કરીને આપવામાં આવી રહી છે. એટલું જ નહીં જમીન માપણીમાં ભૂલ કરનાર એજન્સીઓ પાસેથી દંડની વસૂલાત કરવામાં આવી છે.