આવતીકાલે તા.28મી ફેબ્રુઆરીએ સુરત જિલ્લામાં જિલ્લા પંચાયતોની કુલ 34 બેઠકો તેમજ વિવિધ તાલુકા પંચાયતોની 176 બેઠકો માટે મતદાનની પ્રક્રિયા સવારે 7 કલાકથી શરૂ કરવામાં આવશે. મતદાનને અનુલક્ષીને તમામ 1157 મતદાન મથકો પર આજે શનિવારે સાંજે જ પોલિંગ સામગ્રી તેમજ પોલિંગ સ્ટાફ તથા સિક્યુરિટી સ્ટાફ પહોંચી ચૂક્યો છે.
આવતીકાલની જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણી માટે અંદાજે 9 લાખ જેટલા મતદારો પૈકી કેટલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે છે એ જોવું રહ્યું. કેમકે અઠવાડીયા અગાઉ જ યોજાયેલી મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં મતદાન 50 ટકાથી પણ ઓછું થયું હતું, હવે સૌની નજર આવતીકાલે યોજાઇ રહેલી ગ્રામીણ વિસ્તારોની રાજ્યવ્યાપી ચૂંટણીઓ પર રહે છે.
સુરત જિલ્લામાં 4.62 લાખ પુરુષ મતદારો અને 4.51 લાખ સ્ત્રી મતદારો મળીને કુલ 9.14 લાખ મતદારો નોંધાયેલા છે.હાલ કોરોનાના વધી રહેલા કેસોને પગલે દરેક મતદાન મથકો પર સોશ્યલ ડિસ્ટન્સિંગ, સેનિટાઇઝર તેમજ માસ્ક અંગેની ગાઇડલાઇન્સનો ચૂસ્ત રીતે અમલ કરાવવામાં આવશે.
2815 ઇવીએમ અને 7293 પોલિંગ સ્ટાફ મતદાન કરાવશે
સુરત જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીમાં સુરત જિલ્લાના અંદાજે નવ લાખ ઉપરાંત મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટે કુલ 1157 મતદાન મથકો પર 2815 ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન્સ સેટ્સ જેમાં 2815 બેલેટ યુનિટ્સ અને 2815 કન્ટ્રોલ યુનિટ તથા અન્ય સામગ્રી સામેલ છે એ તમામનો ઉપયોગ કરવામાં આવશે. મતદાન કરાવવા માટે કુલ 7293 જેટલો પોલિંગ સ્ટાફ પણ તૈનાત કરવામાં આવ્યો છે.
1157 પોલિસ સ્ટાફ કાનૂન અને વ્યવસ્થા સંભાળશે
સુરત જિલ્લાના મતદાન મથકો પર કાયદો અને વ્યવસ્થાની જાળવણી હેઠળ મતદાન થાય અને કોઇપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે 1157 જેટલા પોલિસ સ્ટાફને તૈનાત કરવામાં આવ્યો છે. ખાસ કરીને સુરત જિલ્લામાં માંગરોલની નાની નરોલી બેઠક ઉપર ભાજપા અને કોગ્રેસ વચ્ચે કાંટે કી ટકકર જેવો માહોલ છે. વળી બે દિવસ પહેલા જ કોંગી ઉમેદવાર દર્શન નાયકે પોતાના જાનમાલ ઉપર ખતરો હોવાની રજૂઆતો કરી પોલીસ બંદોબસ્ત સજજડ બનાવવા માંગણી પણ કરી હતી. જેને પગલે પોલીસે જડબેસલાક પગલાઓ ભરાયા છે.
પ્રત્યેક મતદારે જિલ્લા પંચાયત માટે 1 અને તાલુકા પંચાયત માટે 1 મળીને કુલ 2 વોટ આપવાના રહેશે
સુરત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની આવતીકાલે યોજાઇ રહેલી ચૂંટણીમાં દરેક મતદારો કુલ બે મત આપવાના રહેશે. દરેક મતદાન મથક પર બે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન્સ મૂકવામાં આવશે. જેમાં એક ઇવીએમ જિલ્લા પંચાયત માટે અને એક ઇવીએમ તાલુકા પંચાયતની ચૂંટણીમાં મતદાન માટે ઉપયોગમાં લેવાશે. આમ પ્રત્યેક મતદારે કુલ બે મત આપવાના રહેશે.