વર્ષ 2016થી 2020ની વચ્ચે થયેલી ચૂંટણીઓ દરમિયાન કૉંગ્રેસના 170 જેટલા ધારાસભ્યોએ અન્ય પક્ષોમાં જોડાવા માટે કૉંગ્રેસ છોડી દીધી હતી, જ્યારે ભાજપના 18 ધારાસભ્યોએ આ સમયગાળામાં ચૂંટણી લડવા માટે પક્ષપલટો કર્યો હતો. પોલ રાઇટ્સ ગ્રુપ એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)ના રિપોર્ટમાં આ તારણ આવ્યું છે.
એડીઆરે એક નવા અહેવાલમાં જણાવ્યું છે કે, વર્ષ 2016-2020 વચ્ચે રાજકીય પક્ષ છોડનારા 405માંથી 182 ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જોડાયા હતા, ત્યારબાદ કૉંગ્રેસમાં 38 અને તેલંગણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ)માં 25 સભ્યો જોડાયા હતા.
2019ની લોકસભા ચૂંટણી દરમિયાન પાંચ લોકસભા સાંસદોએ અન્ય પક્ષમાં જોડાવા માટે બીજેપીમાંથી અલગ થયા હતા. જ્યારે વર્ષ 2016-2020ની વચ્ચે ચૂંટણી લડવા માટે રાજ્યસભાના સાત સાંસદોએ કૉંગ્રેસ છોડીને અન્ય પક્ષમાં જોડાવા હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, મધ્યપ્રદેશ, મણિપુર, ગોવા, અરુણાચલ પ્રદેશ અને કર્ણાટક રાજ્ય વિધાનસભાઓમાં તાજેતરમાં થયેલું સરકારોનું પતન તેમના ધારાસભ્યોના પક્ષપલટાના કારણે થયું હતું.
2016-2020ની વચ્ચે રાજકીય પક્ષ છોડનારા રાજ્યસભાના 16 સંસદસભ્યોમાંથી 10 ભાજપમાં જોડાયા હતા અને 2019ની સંસદીય ચૂંટણી દરમિયાન પક્ષ છોડનાર 12 લોકસભા સાંસદોમાંથી 5 કૉંગ્રેસમાં જોડાયા હતા.
અહેવાલ માટે, નેશનલ ઇલેક્શન વોચ અને એડીઆરે છેલ્લાં પાંચ વર્ષમાં પક્ષ બદલનારા અને ફરીથી લડનારા 433 સાંસદો અને ધારાસભ્યોના સોગંદનામાનું વિશ્લેષણ કર્યું હતું.