Dakshin Gujarat

ખેરગામમાં 17 ઈંચ, વાંસદામાં 10 ઇંચ વરસાદ, નવસારી તાલુકામાં સીઝનમાં ત્રીજીવાર પૂરની સ્થિતિ

નવસારી : નવસારી જિલ્લામાં ત્રણેય લોકમાતાઓ બંને કાંઠે વહેતા જિલ્લામાં સીઝનમાં 3જી વખત પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. તો બીજી તરફ જિલ્લામાં ધોધમાર વરસાદ પડતા જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. જેથી ખેરગામ તાલુકામાં 17 ઇંચ, વાંસદા તાલુકામાં 10 ઇંચ, ચીખલીમાં 5 ઇંચ, ગણદેવીમાં 4, નવસારી અને જલાલપોરમાં 2-2 ઇંચ વરસાદ નોંધાયો છે.

નવસારી જિલ્લામાં આ વર્ષે ચોમાસામાં એક જ સીઝનમાં ત્રીજી વખત પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. ગત 24મી જુલાઈએ નવસારીની પૂર્ણા નદી ભયજનક સપાટી વટાવી જતા સીઝનની પહેલી પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે નવસારી શહેર તેમજ આજુબાજુના ગામોમાં પૂરના પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. ત્યારબાદ ગત 5મી ઓગષ્ટના રોજ નવસારી જિલ્લાની અંબિકા અને કાવેરી નદી ભયજનક સપાટી વટાવી જતા ગણદેવી તાલુકામાં, બીલીમોરા શહેરમાં અને ચીખલી તાલુકામાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. છેલ્લા એક અઠવાડિયાથી નવસારી જિલ્લા સહીત ઉપરવાસમાં વરસાદ પડવાનું શરૂ થયું હતું. જિલ્લામાં તો વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડવાનું શરૂ થયું હતું. બીજી તરફ હવામાન વિભાગે ભાવનગર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી કરી હતી. જેના પગલે નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. સાથે જ ઉપરવાસમાં પણ ધોધમાર વરસાદ પડતા નવસારી જિલ્લાની પૂર્ણા નદી, અંબિકા નદી અને કાવેરી નદીએ ભયજનક સપાટી વટાવી જતા ત્રણયે લોકમાતાઓ બંને કાંઠે વહી રહી હતી.

ગત રોજ મોડી રાત્રે 2 થી 4 વાગ્યા દરમિયાન વાંસદા તાલુકામાં 58 મી.મી. (2.4 ઇંચ), ખેરગામ તાલુકામાં 72 મી.મી. (3 ઇંચ) 4 થી 6 દરમિયાન ખેરગામ તાલુકામાં 54 મિ.મી. (2.2 ઇંચ), 8 થી 10 વાગ્યા દરમિયાન 77 મી.મી. (3.2 ઇંચ) અને સવારે 10 થી 12 વાગ્યા દરમિયાન 122 મી.મી. (5 ઇંચ) જેટલો વરસાદ પડ્યો હતો. નવસારી જિલ્લામાં 24 કલાકમાં, ખેરગામ તાલુકામાં 426 મી.મી. (17.7 ઇંચ), વાંસદા તાલુકામાં 258 મી.મી. (10.7 ઇંચ), ચીખલી તાલુકામાં 135 મી.મી. (5 ઇંચ), ગણદેવી તાલુકામાં 99 મી.મી. (4.1 ઇંચ), નવસારી તાલુકામાં 50 મી.મી. (2 ઇંચ) અને જલાલપોર તાલુકામાં 49 મી.મી. (2 ઇંચ) વરસાદ નોંધાયો છે.

કાવેરી નદીએ સવારે અને પૂર્ણા નદીએ સાંજે ભયજનક સપાટી વટાવી
રવિવારે સવારે 10 વાગ્યે કાવેરી નદીએ ભયજનક સપાટી વટાવી જતા બીલીમોરા શહેરમાં પૂરના પાણી ઘુસી ગયા હતા. જેથી બીલીમોરા શહેરના 102 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. પરંતુ ત્યારબાદ કાવેરી નદીના જળસ્તરમાં વધારો થતો રહ્યો હતો. સાંજે 6 વાગ્યે સુધીમાં કાવેરી નદી ભયજનક સપાટી વટાવી 21.50 ફૂટે વહી રહી હતી.
પૂર્ણા નદીએ સાંજે 4 વાગ્યે બાદ ભયજનક સપાટી વટાવી હતી. જેના પગલે નવસારીના નીચાણવાળા વિસ્તારો રુસ્તમવાડી, ભેંસતખાડા, કાશીવાડી અને ગધેવાન વિસ્તારના લોકોને સાવચેતીના ભાગરૂપે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ ધીમેધીમે પૂરના પાણી શાંતાદેવી રોડ, બંદર રોડ તેમજ અન્ય વિસ્તારોમાં થોડા-થોડા ભરાઈ ગયા હતા. સાંજે 6 વાગ્યે સુધી પૂર્ણા નદી ભયજનક સપાટી વટાવી 23.50 ફૂટે વહી રહી હતી.

અંબિકા નદી સાંજે 4 વાગ્યે સુધી ભયજનક સપાટીથી 7 ફૂટ નીચે એટલે કે 20.99 ફૂટે વહી રહી હતી. પરંતુ ત્યારબાદ અચાનક અંબિકા નદીના જળ સ્તરમાં વધારો થતા અંબિકા નદી પણ તેની ભયજનક સપાટી વટાવી ગયું હતું. જેના પગલે ગણદેવી તાલુકાના અને ચીખલી તાલુકાના નદી કિનારે પાસેના ગામોમાં પૂરના પાણી ઘુસી ગયા હતા. જોકે આ વખતે જિલ્લા તંત્રની સતર્કતાને પગલે પૂર અસરગ્રસ્ત વિસ્તારના લોકો પહેલાથી જ તેમના સગાં-સંબંધીઓને ત્યાં જતા રહ્યા હતા.

ઓવરટોપિંગને કારણે જિલ્લાના 101 રસ્તાઓ બંધ કર્યા
નવસારી : નવસારી જિલ્લાની પૂર્ણા નદી, અંબિકા નદી અને કાવેરી નદી ભયજનક સપાટી વટાવી જતા પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. જેના પગલે જિલ્લાના ઘણા રસ્તાઓ ઉપર પૂરના તેમજ વરસાદી પાણી ભરાઈ જતા તંત્રએ રસ્તાઓ બંધ કર્યા હતા. જેમાં વાંસદા તાલુકાના 37 રસ્તાઓ, ગણદેવી તાલુકાના 26 રસ્તાઓ, ચીખલી તાલુકાના 22 રસ્તાઓ, ખેરગામ તાલુકાના 10 રસ્તાઓ, નવસારી તાલુકાના 4 રસ્તાઓ અને જલાલપોર તાલુકાના 2 રસ્તાઓ મળી કુલ્લે 101 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા.

Most Popular

To Top