Gujarat

કેદારનાથમાં ફસાયેલા 17 ગુજરાતી યાત્રીઓને એરલિફ્ટ કરી સલામત સ્થળે ખસેડાયા

ગાંધીનગર : કેદારનાથ યાત્રાએ ગયેલા 17 જેટલા ગુજરાતી યાત્રાળું ભારે વરસાદ તથા ભૂસ્ખલનને કારણે ફસાઈ ગયા હતા. જો કે રાજય સરકાર દ્વારા હાથ ધરાયેલા પ્રયાસોના પગલે તેઓને સહી સલામત બચાવી લેવાયા છે.

  • કેદારનાથમાં ફસાયેલા 17 ગુજરાતી યાત્રીઓને એરલિફ્ટ કરી સલામત સ્થળે ખસેડાયા
  • અરવલ્લી જિલ્લાના ઉત્તરાખંડમાં મોટી લિન્ચોલી નજીક ફસાયા હતાં

કેદારનાથ ધામની યાત્રાએ ગયેલા અરવલ્લી જિલ્લાના 17 જેટલા ગુજરાતી યાત્રિકો ઉત્તરાખંડમાં મોટી લિન્ચોલી નજીક વરસાદ અને લેન્ડ સ્લાઈડિંગને કારણે ફસાઈ ગયાની માહિતી ગાંધીનગરમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરને મળી હતી. જેના પગલે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા રેસક્યૂ ઓપરેશન માટેના પ્રયાસો હાથ ધરાયા હતા.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર પરથી રાહત કમિશનર આલોક પાંડેએ ઉત્તરાખંડ સરકારના એસ.ઈ.ઓ.સી.નો સંપર્ક સાધીને આ ફસાયેલા ગુજરાતી યાત્રાળુઓની વિગતો અને સંપર્ક નંબર વગેરે પહોંચાડ્યા હતાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ સમગ્ર ઘટનામાં રાહત કમિશનર અને એસ.ઈ.ઓ.સી. ને સતત જરૂરી માર્ગદર્શન આપતા રહ્યા હતાં.
ઉત્તરાખંડ સરકારના એસ.ઈ.ઓ.સી. દ્વારા આ ફસાયેલા યાત્રાળુઓના રેસ્ક્યુ અંગે રુદ્રપ્રયાગ જિલ્લા કંટ્રોલ રૂમ સાથે પરામર્શમાં રહીને તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

વાતાવરણ ચોખ્ખું થતાં જ ગુજરાતના આ બધા જ યાત્રિકોને હેલિકોપ્ટર દ્વારા એર લિફ્ટ કરીને સુરક્ષિત સ્થળે પહોંચાડી દેવામાં આવ્યા છે.અરવલ્લીનાં આ યાત્રિકોના ગ્રુપના એક અગ્રણી મનોજભાઈએ તમામ યાત્રિકોને સહી સલામત નીચે પહોંચાડી દેવા માટેની તત્કાલ વ્યવસ્થા કરવા માટે મુખ્યમંત્રી અને રાજય સરકારનો આભાર વ્યકત્ત કર્યો હતો.

Most Popular

To Top